November 29, 2022
November 29, 2022

અસરકારક અભિવ્યક્તિ માટેની લેખનકૌશલ્યની નિસરણી

પુસ્તક પરિચયકર્તા: રિપલકુમાર પરીખ

'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.' - કવિ ઉમાશંકર જોશી.
આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે આપણને કેટલો પ્રેમ છે? તે ત્યારે જણાઈ આવે છે, જ્યારે આપણે માતૃભાષા ગુજરાતીમાં બોલીએ અને લખીએ છીએ. ગુજરાતીમાં સંવાદ કરવા અને લખવા માટે શું આપણે શુદ્ધ ગુજરાતી જોડણીનો  ઉપયોગ કરીએ છીએ? શું સાચાં ગુજરાતી શબ્દોની આપણને જાણકારી છે? શું આપણાં ઘરમાં કે કચેરીમાં આપણે ગુજરાતી ભાષાનો શબ્દકોશ રાખ્યો છે? જેથી આપણને ન ખબર પડતાં ગુજરાતી શબ્દોની સાચી જોડણી માટે તત્કાળ આપણે જોડણીકોશનો ઉપયોગ કરી શકીએ. ઘણાંને આ બધી વાતો અહીં અસ્થાને લાગતી હશે, પરંતુ એ સત્ય હકીકત છે કે આજે પણ ગુજરાતી ભાષામાં અનુસ્નાતક થયેલો વિદ્યાર્થી સાચું ગુજરાતી નથી જાણતો. દરેક ગુજરાતીને પોતાની માતૃભાષામાં અસરકારક અભિવ્યક્તિ કરવા માટે એક સુંદર પુસ્તકની હમણાં જ રચના થઈ છે જેનું નામ છે, ' ગુજરાતી લેખનકૌશલ્ય'.

સાહિત્ય ક્ષેત્રે અનેક પુરસ્કારો  પ્રાપ્ત કરનાર તથા જીવનચરિત્રનાં ૨૫, કથાસાહિત્યનાં ૪, વિવેચનનાં ૩૮, સંદર્ભગ્રંથો ૧૦, સંપાદનનાં ૨૪, અનુવાદનાં ૨૧, સાહિત્યનાં ઈતિહાસનાં ૪ સહિત કુલ ૧૫૭ પુસ્તકોનાં આદરણીય લેખક શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટનું આ નવું પુસ્તક છે, ' ગુજરાતી લેખનકૌશલ્ય'.  પ્રસ્તાવનામાં લેખકશ્રી  લખે છે, ' કોઈપણ મનુષ્ય પોતાની માતૃભાષામાં અસરકારક અભિવ્યક્તિ કરી શકે.  આ સંભાવના હોવા છતાં વિવિધ વિશ્વવિદ્યાલયોની વિવિધ વિદ્યાશાખાઓના અને વિશેષ તો વિનયન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ તથા ગુજરાતી ભાષા સાહિત્ય સાથે સ્નાતક થયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ શુદ્ધ ગુજરાતી લખી શકતા નથી એ ખેદજનક હકીકત છે.આ અનિચ્છનીય પરિસ્થિતિમાં પરિવર્તન આવે એવા શુભાષયથી 'ગુજરાતી લેખનકૌશલ્ય'નું લેખન કર્યું છે. આ પુસ્તક વાસ્તવમાં અસરકારક અને પ્રભાવક અભિવ્યક્તિ માટેની લેખનકૌશલ્યની નિસરણી છે. એનાં સોળ પ્રકરણો સફળતાની સીડીનાં સોપાનો છે, પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટેનાં પગથિયાં છે.એ સોપાનો સર કરનાર સહુ સુજ્ઞજનો સરળતાથી,  સહજતાથી પોતપોતાના ક્ષેત્રોમાં,વ્યવસાયોમાં સિદ્ધિ સંપ્રાપ્ત કરી લેખન કૌશલ્ય દ્વારા અસરકારક અભિવ્યક્તિ કરવા સક્ષમ થઈ શકશે.'

એકવીસ આધારભૂત સંદર્ભગ્રંથોમાંથી લેખકે ખૂબ જ જહેમત ઉઠાવી, અહીં આપણને સોળ પ્રકરણોમાં માખણ પીરસ્યું છે.જે ખૂબ જ સરળતાથી ગળે ઉતરી જાય તેમ છે. ગુજરાતી વ્યાકરણ, ક્રિયાવિશેષણો, અનુગો અને નામયોગી તત્વો, સંધિ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો, છંદ અને અલંકાર, જોડણીના નિયમો વિગેરે દરેક પ્રકરણ વાંચીને આપણાં ભાષાજ્ઞાનમાં ચોક્કસ સમૃદ્ધિ થાય 

વ્યાકરણ
'કોઈપણ ભાષામાં અસરકારક લેખનકૌશલ માટે તે ભાષાનાં વ્યાકરણનું જ્ઞાન જરૂરી છે. વ્યાકરણ શબ્દનો અર્થ સ્પષ્ટીકરણ થાય છે. જે શાસ્ત્રમાં પ્રકૃતિ ને પ્રત્યય જુદા પાડી પ્રત્યયના અર્થ દર્શાવ્યા હોય છે તથા જેમાં શબ્દોનાં શુદ્ધ રૂપ અને તેનો વાક્યમાં પરસ્પર સંબંધ કેવી રીતે છે તે વિશે વિવેચન કર્યું હોય છે તેને 'વ્યાકરણ' કહે છે. આ રીતે વ્યાકરણમાં શબ્દોનું સ્પષ્ટીકરણ થાય છે. એને 'શબ્દાનુશાસન' પણ કહે છે, કેમકે એમાં શબ્દોનું અનુશાસન-ઉપદેશ કરાય છે, અસાધુ શબ્દથી જુદા પાડી સાધુ શબ્દ સિદ્ધ થાય છે. વાસ્તવમાં વ્યાકરણ ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે.‌ તે સાધુ શબ્દનું જ્ઞાન કરાવે છે અને અસાધુ (અપભ્રષ્ટ) શબ્દનો પ્રયોગ અટકાવે છે. શુદ્ધ ભાષાનાં રક્ષણ માટે વ્યાકરણનો અભ્યાસ આવશ્યક છે.' કિંમત : ₹ 325.00

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved