November 29, 2022
November 29, 2022

ઉમદા વિચારોની પ્રેરણા: ચિંતન

પુસ્તક પરિચયકર્તા: રિપલકુમાર પરીખ

છું ‘શૂન્ય’ એ ન ભૂલ ઓ અસ્તિત્વના પ્રભુ!
તું તો હશે કે કેમ, પણ હું તો જરૂર છું.
– શૂન્ય પાલનપુરી

‘ભગવાનને શૂન્ય પાલનપુરી ખુમારીથી કહી શકે છે કે ભગવાન! તું છે કે નહીં તેની તો ખબર નથી, પરંતુ હું તો છું! આજે સ્થૂળ દેહથી શૂન્ય પાલનપુરી નથી. પરંતુ એમનો શબ્દદેહ અમર છે. એમની વાતને ઊંડાણથી જોઈએ તો એ સ્પષ્ટ થાય છે કે ‘શૂન્ય’ બનશો, તો અસ્તિત્વના અનુભવનો ખ્યાલ આવશે. જ્યારે મનમાંથી બધું જ નીકળી ગયું હોય – પૂર્વગ્રહો અને માન્યતાઓ, રાગ અને દ્વેષ – ત્યારે ‘શૂન્ય’ થઈ શકાય.’

આવો ‘ શૂન્ય’ સુધી પહોંચવાનો રસ્તો કયો? જીવનમાં ડગલેને પગલે આવતી તકલીફો કે પછી જીવનમાં ઘટતી કોઈ અણગમતી ઘટનાઓ પછી ક્યારેક મન ઉદાસ થઈ જાય છે, તે સમયે શું કરવું જોઈએ? ભૌતિકવાદના આ યુગમાં મનમાં મૂંઝવતા સવાલોનો જવાબ ક્યાંથી મળશે? જીવનમાં આવતી કટોકટીની પળોમાં જોશ અને ઉત્સાહ ભરતું એક સરસ ચિંતનાત્મક પુસ્તક એટલે ‘ ચિંતન’.

‘ચિંતન’ પુસ્તકમાં લેખક શ્રી શરદભાઈ શાહનાં ચિંતનાત્મક લેખો પ્રકાશિત થયાં છે, જે પાટણથી પ્રસિદ્ધ થતાં ‘ હમલોગ’ દૈનિકમાં પ્રકાશિત થયેલાં છે. વ્યવસાયે વકીલ તથા લૉ કોલેજમાં અધ્યાપક અને આચાર્ય તથા ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં લૉ ફેકલ્ટીના ડીન તરીકે પણ સેવાઓ આપનાર, સમાજસેવી તથા ભુતપૂર્વ રોટરી ક્લબના પ્રમુખ શ્રી શરદભાઈ શાહ વાંચનનો અદ્ભુત શોખ ધરાવે છે. તેમણે કાયદા અંગેનાં પણ વિવિધ પુસ્તકો લખ્યાં છે.

પ્રા. રાજન કડિયા આ પુસ્તકને પોતાની શુભેચ્છા પાઠવતાં લખે છે, ‘ વાંચતા હશે ઘણાં, પણ એમાંથી તત્વ સારવનારા કેટલા? કદાચ થોડાક એવા જ્ઞાનગરજુ હોય, તો પણ એને વાગોળનારા કેટલા? એમાંથી ઝરતા ચિંતન-રસને સરળ-સુબોધ ભાષામાં ઝીલનાર કેટલા? આમ તો જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ છુપાયેલો છે. તેને શોધતાં આવડવું જોઈએ. શ્રી શરદભાઈ આવા વિરલ વ્યક્તિઓમાંના એક છે. એમણે સંગોપિત આનંદને શોધી, એમાંથી સારવેલો અર્ક ‘ચિંતન’ દ્વારા આપણી સામે ધર્યો છે. ક્યારેક વિચાર-પ્રવાહથી વેગળા ફંટાઈ, એમાંના ગર્ભિતાર્થને સહજ ભાવે રજૂ કરી, પુનઃ મૂળ વિચાર સાથે એનો અદ્દલ તાળો મેળવી આપ્યો છે. શ્રી શરદભાઈને શાંત જળમાં કાંકરી નાખી, વિસ્તરતા જતા વર્તુળને માણવાના ઓરતા છે. એમણે આપણને પણ એ સમરસતામાં રસી નાખ્યા છે.’

હાલમાં આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થયેલ છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ વાંચ્યા બાદ ખ્યાતનામ સાહિત્યિકારોએ આ પુસ્તકને ઉમળકાભેર વધાવી લીધું હતું. ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી રમણલાલ સોની લખે છે, ‘ ‘ ચિંતન’ પુસ્તક મળતાં આનંદ થયો. કકડે કકડે તે સંપૂર્ણ વાંચી ગયો છું ને તેથી ખુશ થયો છું. ચિંતનમાં તમે તમારા અંગત અનુભવોનું બયાન પણ સરળ પ્રકારે આપ્યું છે. ખૂબ ઉપયોગી થાય તેવું પુસ્તક છે. ‘ જાણીતા હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટે પણ આ પુસ્તક વાંચ્યા બાદ લખ્યું હતું, ‘ ‘ ચિંતન’ પુસ્તિકા હું ખૂબ જ રસપૂર્વક વાંચી ગયો. મને તે ઘણી ગમી છે.’ તો કવિશ્રી ‘ અનામી’ રણજીતભાઈ પટેલ લખે છે, ‘ ‘ ચિંતન’ નબળી આંખે પણ ઉત્કટ મને જોઈ ગયો. ધન્યવાદ આપ્યા વિના રહી શકતો નથી. શરદભાઈના લખાણમાં વૈજ્ઞાનિકની ચોકસાઈ ને વકીલનો તર્કવૈભવ યુગપદ્ દર્શન દેતાં લાગે છે.’

ખૂબ જ ઉમદા વિચારોની પ્રેરણા આપતાં આ પુસ્તકમાં લેખકનો જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ દેખાય છે. લેખકે અહીં એક સુવિચાર પર ગંભીરતાથી ચિંતન અને મનન કરીને તેનો અર્ક આપણને સહેલાઈથી સમજાવ્યો છે. આ પુસ્તકની ખરીદીમાંથી જે નફો થશે તે લેખકે રોટરી ક્લબ ઓફ મહેસાણા ચેરિટેબલ ટ્રસ્ટને આપવાનો સંકલ્પ કર્યો છે. આવું સત્વશીલ પુસ્તક દરેક ભાવકને ચોક્કસ પણે ગમશે, તેવું હું દ્રઢપણે માનું છું.

કિંમત : ₹ ૨૦૦/-

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved