February 2, 2023
February 2, 2023

ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ 14 પોલીસ કર્મીઓને પોલીસ મેડલ થશે એનાયત

રાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલની પસંદગી કરવામાં આવી છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરી મતલબ કે પ્રજાસત્તાક પર્વે ગુજરાત સહિત દેશના પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ સેવા કરવા બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ મેડલથી નવાજવામાં આવી રહ્યા છે. દરમિયાન આ વર્ષે ગુજરાતના 14 પોલીસ અધિકારીઓ તેમજ જવાનોને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર તેમજ હાલ ઈન્ટેલીજન્સ બ્યુરો (આઈબી)ના વડા તરીકે કાર્યરત અનુપમસિંહ ગેહલોત તેમજ રાજકોટ રૂરલમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં બાલકૃષ્ણ અનંતરાય ત્રિવેદી સહિતનાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત એટીએસના ડીવાયએસપી કે.કે.પટેલ, ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમકુમાર પરમાર, સુરતના એસીપી ક્રાઈમ બી.પી.રોજીયા, સીઆઈડી ક્રાઈમ-ગાંધીનગરના ડીઆઈજી પી.વી.રાઠોડ, દાહોદ અનામત પોલીસ દળ જૂથ-4ના એસીપી જે.ડી.વાઘેલા, ખેડા-નડિયાદ અનામત પોલીસ દળ જૂથ-7ના એસીપી પી.ડી.વાઘેલા, અમદાવાદના અનાર્મ એએસઆઈ કિરીટસિંહ હરીસિંહ રાજપૂત, અમદાવાદના એએસઆઈ ભગવાનભાઈ મસાભાઈ રાંજા, મડાણા અનામત પોલીસ દળના એએસઆઈ જુલ્ફીકારઅલી મુનાફખાન ચૌહાણ, આણંદના હથિયારી એએસઆઈ હિતેશકુમાર જીવાભાઈ પટેલ, અમદાવાદના અનાર્મ હેડ કોન્સ્ટેબલ હિતેશકુમાર જીવાલાલ પટેલ, અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ અજયકુમાર જાબરમલ સ્વામી, રાજકોટ રૂરલમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત બાલકૃષ્ણ અનંતરાય ત્રિવેદી અને આઈબીમાં એઆઈઓ તરીકે ફણજ બજાવતાં યુવરાજસિંહ પ્રતાપસિંહ રાઠોડની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

આ તમામ અધિકારીઓ-જવાનો દ્વારા એક વર્ષની અંદર અનેકવાર ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હોય તેની નોંધ લઈને તેમની આ ગૌરવશાળી એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. આ અધિકારીઓ-જવાનોની મેડલ માટે પસંદગી થતાં રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર તરીકે અત્યંત પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા બાદ વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી પામીને ત્યાંના લોકોના દિલમાં પણ અલગ સ્થાન હાંસલ કરનારા ઈન્ટેલીજન્સ બ્યુરોના વડા અનુપમસિંહ ગેહલોતની બીજી વખત રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. તેમનું નામ જાહેર થતાં જ તેમના ઉપર ટેલિફોનિક તેમજ રૂબરૂ શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. આ ઉપરાંત રાજકોટ રૂરલના અનાર્મ હેડ કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રિવેદીએ પણ નોંધપાત્ર કામગીરી કરીને આ એવોર્ડ હાંસલ કર્યો છે.

 89 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved