February 2, 2023
February 2, 2023

ફરીને આવી 26 જાન્યુઆરી..હું તો જાઉ મારા દેશ પર વારી રે વારી…!!

અખંડ કાશ્મિરની પુન રચના અને પાકિસ્તાનના વધુ એક ટુકડાનો શ્રેય વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જશે…!

15 ઓગસ્ટ,1947ના રોજ ભારતને તેના ટુકડા સાથે મોંઘી આઝાદી મળી. મોંઘી એટલા માટે ભારતના ટુકડાના પગલે લાખો નિર્દોષ લોકોની એક દેશથી બીજા દેશ એટલે કે ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત પહોંચતી વખતે રસ્તામાં હત્યાઓ થઇ હતી. એ એક નરસંહારનું કલંક આઝાદ ભારતની સાથે જોડાયેલુ છે. ના, નિરમા વોશિંગ પીવડરથી પણ તે ધો ડાલા…જેવુ નથી. કલંકને એક તરફ મૂકીને ગણતંત્ર કહેતાં પ્રજાસત્તાક ભારતની ગતિ અને પ્રગતિ પર નજર નાંખીએ તો 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતે બંધારણનો અમલ શરૂ કર્યો અને આઝાદ ભારત રિપબ્લિક ઓફ ઇન્ડિયા બન્યું…દેશ કઇ રીતે ચાલશે તેનો ઢાંચો એટલે ભારતનું બંધારણ, કે જે તમામ લોકશાહી દેશમાં હોય છે.

એમ કહેવાય છે કે ભારત આઝાદ થયું ત્યારે અમેરિકાના એક ડોલરની કિંમત એક રૂપિયો હતી. આજે 80 રૂપિયા છે. સમયની સાથે ભારતે વંદે ભારત ટ્રેન..ની ગતિએ પ્રગતિ કરી અને આજે 21મી સદીના પ્રથમ ચોથા ભાગ એટલે કે પ્રથમ પા ભાગ 25 વર્ષની નજીક (2025) પહોંચી રહ્યું છે. 1950માં ભારતની વસ્તી અંદાજે 45-50 કરોડની હતી તો આજે 140 કરોડની નજીક પહોંચવામાં છે. એ પણ એક રીતે પ્રગતિ જ કહી શકાય કે નહીં…?!
પ્રજાસત્તાક બન્યાને 73 વર્ષ પૂરા થઇને 26, જાન્યુ.2023માં 74મું બેસશે. 73 વર્ષમાં 60 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું. બિન-કોંગ્રેસી સરકારોમાં ભાજપના અટલજીએ 6 વર્ષ રાજ કર્યું તો 26,મે 2014થી નરેન્દ્ર મોદી રાજ કરી રહ્યાં છે. તેમણે નયા ભારતના નિર્માણની જાહેરાત કરીને ભારતવાસીઓના ભલા માટે જે કાંઇ કરવુ પડે તે કરી છૂટવુ…એવી લાગણી સાથે શાસન કરી રહ્યાં છે.

73 વર્ષમાં કોંગ્રેસના શાસનમાં ચીન સાથે યુધ્ધ(1962) થયું તો 1971માં પાકિસ્તાન સાથેના યુધ્ધમાં ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરીને 1947માં ભારતના કરેલા ટુકડાનો જબ્બર બદલો લીધો. પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધના પગલે બાંગ્લાદેશ નામના નવા દેશનું નિર્માણ થયું.એમ કહેવાય કે તેની સુવાવડ ભારતે કરી હતી…!
ભારત હવે 1947માં પાકિસ્તાને ભારતના પચાવી પાડેલા અડધા કાશ્મિર કે જે પીઓકે તરીકે ઓળખાય છે તેને હસ્તગત કરીને અથવા તેને નવો દેશ બનાવી પાકિસ્તાનને 1971ની જેમ સબક શિખવાડવા માંગે છે કે બાપ આખિર બાપ હોતા હૈ…! પીઓકે આજે નહીં તો કાલે પાકિસ્તાન માટે ચેલેન્જ બનશે અને પાકિસ્તાન માટે ધીમે ધીમે માથાના દુખાવા સમાન પીઓકેમાં હૌલે…હૌલે..હો જાયેગા પ્યાર..ની જેમ ભારત તરફી જુવાળ પેદા થશે અને સમય આવ્યે જેમ ભારતે બાંગ્લાદેશની સુવાવડ કરી તેમ પીઓકેની સુવાવડ પણ કરીને અખંડ કાશ્મિરની પુન રચના અને પાકિસ્તાનના વધુ એક ટુકડાનો શ્રેય વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જશે…!

26 જાન્યુઆરીનો દિવસ ભારત માટે આત્મ ગૌરવ અને આન-બાન-શાન સમાન છે. દિલ્હીના રાજપથ પર ભારતની સૈન્ય તાકાતની સાથે ભારતની દરેક પ્રદેશની કલા- સંસ્કૃતિની ઝાંખી પણ દેશ અને દુનિયાને જોવા મળે છે. 74મા પ્રજાસત્તાક દિનની શ્રેષ્ઠ યશગાથા એ છે કે ભારતને વિશ્વના સૌથી મોટા 20 દેશાના બનેલા સંગઠન જી20નું અધ્યક્ષપદ મળ્યું છે અને તે વડાપ્રધાન મોદીની સૌથી વધુ સિધ્ધિ છે. તો કોરોના મહામારીને કારણે દેશની એવી હાલત થઇ કે હજુ પણ 80 કરોડ લોકોને સરકાર અનાજનો જથ્થો પૂરો પાડી રહી છે, એ પણ નરી વાસ્તવિકતા જ કહી શકાય.

ભારતની લોકશાહી સાબૂત છે. કોઇ ભલે કાંઇપણ કહે, પણ જ્યારે લોકશાહી ખતરામાં આવશે તો દેશ પર રાજ કરનાર કોઇપણ હશે, ભારતના નાગરિકો તેને સત્તા પરથી દૂર કરવામાં સાયલન્ટ ક્રાંતિ બુલેટ નહીં પણ બેલેટથી..કરે તો નવાઇ નહીં. 1975ની કટોકટી બાદ 1977માં લોકસભાની યોજાયેલી ચૂંટણીના પરિણામ સાયલન્ટ જનક્રાંતિ જ હતી.

જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા…વો ભારત દેશ હૈ મેરા…એવું નયા ભારત બને તો મેરે દેશ કી ધરતી સોના ઉગલે..ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી…ને જોઇને હૈયાને ટાઢક થાય અને ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી રાકેશ શર્માએ અંતરિક્ષમાંથી ભારતને જોઇને એમ કહ્યું હતું- સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા…એમ અચ્છે દિન ભલે ન આવ્યાં હોય પણ 2050 સુધીમાં ભારત એટલી પ્રગતિ કરે ફરીથી કોઇ અંતરિક્ષયાત્રી અંતરિક્ષમાં જઇને રાકેશ શર્માની જેમ ગર્વની સાથે કહી શકે- સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા..! થશે…એવુ ચોક્કસ થશે કેમ કે ભારત જે સપના જુવે છે એ પૂરા થાય જ છે અને આગામી 25-27 વર્ષ કાંઇ દૂર નથી..હાથની મુઠ્ઠીમાં રહેલી રેત જેમ સરરરરરર….વહે તેમ હવે પછી ભારતનો જ સમય છે અને એ સમય અમૃતકાલનો છે…! 26 જાન્યુઆરી, 2050ના ભારતની કલ્પના કરવાની દરેકને છૂટ છે…..દેશ બદલ રહા હૈ…!

 88 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved