February 2, 2023
February 2, 2023

રાજ્યનાં ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારની નિમણૂંક, 31 જાન્યુઆરી બાદ સંભાળશે હોદ્દો

રાજકુમાર આગામી જાન્યુઆરી 2025માં વયોનિવૃત્ત થશે.

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી (CS) તરીકે 1987 બેચના IAS અધિકારી રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. આગામી 31 જાન્યુઆરીના રોજ વર્તમાન મુખ્ય સચિવ પંકજકુમારનું એક્સટેન્શન પૂર્ણ થઈ રહ્યું છે. તેમના સ્થાને નિમાયેલા રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાયુના વતની છે, અને ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એ સિવાય તેમણે જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના વહીવટી વડા માટે કેબિનેટની બેઠકમાં ચાર નામોની પેનલ અંગે ચર્ચા થઇ હતી. ત્યારબાદ આ પેનલના નામો દિલ્હી મોકલવામાં આવ્યા હતા. આ ચાર નામોની પેનલમાં ચીફ સેક્રેટરી માટે રાજકુમાર ઉપરાંત એસ અપર્ણા, વિપુલ મિત્રા અને મુકેશ પુરીના નામો હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી છેલ્લે રાજકુમારના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હોવાનું મનાય છે.

ઉલ્લેખનીય છે કે, દિવ્ય ભાસ્કરે ગત 7 જાન્યુઆરીએ જ એક અહેવાલમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, પંકજકુમારને ફરી એક વાર એક્સટેન્શન નહીં મળે અને રાજકુમારની હજી એક વર્ષ પહેલાં જ દિલ્હી ડેપ્યુટેશન પરથી ઘરવાપસી થઈ હતી. તે સમયે તેમને ગૃહવિભાગના અગ્રસચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. આમેય રાજકુમાર સિનિયોરિટીમાં વિદાય લઈ રહેલા વર્તમાન CS પંકજકુમાર પછીના ક્રમે હતા. પંકજકુમાર મે 2022માં વયોનિવૃત્ત થયા હતા પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે તેમને એક્સટેન્શન આપ્યું હતું. રાજકુમાર આગામી જાન્યુઆરી 2025માં વયોનિવૃત્ત થશે.

 62 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved