September 25, 2022
September 25, 2022

પાક્કો ગુજરાતી ! અમદાવાદના યુવકના ખાતામાં ભૂલથી 11,677 કરોડ રૂપિયા જમા થયા, પછી…

યુવકે શેરબજારમાં રોકાણ કરી કલાકમાં જ કરી લાખોની કમાણી

અમદાવાદમાં બાપુનગરના એક વેપારીના ખાતામાં ભૂલથી 116 અબજથી પણ વધુની રકમ જમા થઈ ગઈ હતી. જોકે વેપારીએ પણ પોતાની વેપારી બુદ્ધિ વાપરીને એમાંથી અડધો કલાકમાં જ લાખો રૂપિયાનો નફો કમાઈ લીધો હતો અને પછી મૂળ રકમ પરત કરી દીધી હતી.

બાપુનગરમાં રહેનાર રમેશભાઈ સગર નામની વ્યક્તિના ખાતામાં ભૂલથી 11677 કરોડ રૂપિયા જમા થઇ ગયા હતા. જોકે આ વેપારીએ પોતાની બુદ્ધિનો જોરદાર ઉપયોગ કરી 
શેરબજારમાં માત્ર અડધો કલાક રોકાણ કરીને આ વ્યક્તિ લખપતિ બની ગઇ.

મૂળ પોરબંદરના વતની અને છેલ્લાં 17 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલા રમેશભાઈ સગર એમ્બ્રોઇડરીના વેપારી છે. તેઓ છેલ્લાં 5 વર્ષથી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો ઉપરાંત પિતા છે. ઘરમાં કમાનાર તેઓ એકલા છે.

વિગત મુજબ, તારીખ 26 જુલાઈના રોજ સવારના 11:30 કલાકે રમેશભાઇ સગરના એકાઉન્ટમાં ભૂલથી 11677 કરોડ રૂપિયા જમા થઇ ગયા હતા. પોતાના કોટક સિક્યુરિટી ડિમેટ એકાઉન્ટમાં આ રૂપિયા જમા થઇ ગયા હતા. ત્યારે આ વ્યક્તિના મનમાં એમ વિચાર આવ્યો કે મારા એકાઉન્ટમાં તો આ રૂપિયા થોડા ટાઈમ માટે જ આવ્યા છે. તો બેંક આ રૂપિયા પરત લઈ લેશે. આથી તેને માત્ર અડધો કલાક માટે જ 11677 કરોડમાંથી 2 કરોડ જેટલી રકમ ઇન્વેસ્ટમેન્ટ કરી. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં રૂ. 2 કરોડનું રોકાણ કર્યુ હતું. જેમાંથી 5.43 લાખ જેટલો પ્રોફિટ તેને 1 કલાકની અંદર મેળવી લીધો. કારણ કે તેને ખબર જ હતી કે પૈસા બેંકના છે તો બેંક પરત લઇ જ લેશે.

આ અંગે રમેશભાઈ સગરનું કહેવું છે કે, મે ખાતામાં જમા થયેલી કુલ રકમમાંથી લગભગ 2 કરોડ રૂપિયા બેન્ક નિફ્ટી કોલ-પુટમાં ટ્રેડિંગ કર્યું હતું. એ વખતે રૂપિયા શેરમાર્કેટમાં લગાવ્યા ત્યારે મે નુકસાનીનો વિચાર કર્યો હતો પરંતુ શેરમાર્કેટનું નોલેજ હતું એટલે વધુ પડતી બીક ના લાગી. મને આઇડિયા હતો જ કે માર્કેટ આ રીતે જ ચાલશે. મે સપને પણ વિચાર્યું નહોતું કે એકાએક મને 5.43 લાખ રૂપિયાનો પ્રોફિટ મળશે. બાદમાં નફો થતા મને સારું લાગ્યું. આ ઘટના હવે તો ઘણી જાહેર થઈ ગઈ છે.

રમેશભાઇનું કહેવું છે કે, ‘મારો એક જૂનો મિત્ર હતો કે જે શેરમાર્કેટનું કરતો હતો. તેણે મને કહ્યું હતું કે શેર માર્કેટમાં થોડું ઇન્વેસ્ટ કર તો સારું રહેશે. ત્યારથી હું 4-5 વર્ષથી થોડું-થોડું શેર માર્કેટનું કામકાજ કરું છું. જોકે એ મિત્રને હજુ સુધી જાણ થઈ છે કે નહીં એ મને નથી ખબર. કારણ કે એ હાલ બહારગામ છે અને કોઈ કોન્ટેક્ટમાં પણ નથી.

મારી આ ઘટના અંગે જ્યારે આસપાસના મિત્રોને જાણ થઈ કે તુરંત પાર્ટી માંગવા માટે બધાના મને ફોન આવવા લાગ્યા કે ‘ભાઈ, પાર્ટી જોઈશે.’

તમને જણાવી દઇએ કે, રમેશભાઈ બાપુનગરમાં રહે છે અને તેઓની પોતાની એમ્બ્રોઇડરીની દુકાન પણ ઘરની નજીક જ આવેલી છે. તેમની દુકાન બિલકુલ સામાન્ય છે. તેમને મહિને લગભગ 50 હજારેક રૂપિયા જેવું તેમાંથી મળી રહે છે, પરંતુ એ આવક માત્ર 2-3 મહિના જ હોય છે, પછી પાછું તેઓએ બેસી રહેવાનો વારો આવે છે. એટલે વધારાની આવક માટે સાઈડમાં તેઓ શેરબજારનું કરે છે.

 108 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved