November 29, 2022
November 29, 2022

અમેરિકી શેર માર્કેટમાં ફરી ફૂંકાયું વેચાવલીનું વાવાઝોડું

વિશ્વના સૌથી ધનિક મસ્કના 13.3 અબજ ડોલરનું ધોવાણ

અમેરિકી શેર માર્કેટમાં ગુરૂવારના રોજ ફરી એક વખત વેચાવલીનું તોફાન જોવા મળ્યું હતું જેમાં ટેસ્લા, ગૂગલ (આલ્ફાબેટ ઈન્ક), ફેસબુક (મેટા) અને એમેઝોન જેવી અનેક દિગ્ગજ કંપનીઓના શેર ઉંધા માથે પટકાયાં હતા. અમેરિકી માર્કેટમાં જોવા મળેલા આ તોફાનના કારણે વિશ્વના ટોચના ધનિક એલન મસ્કની કુલ સંપત્તિમાંથી 13.3 અબજ ડોલર (આશરે 1,08,587 કરોડ રૂપિયા)નું ધોવાણ થયું છે. તે સિવાય જેફ બેઝોસને પણ 3.22 અબજ ડોલરનો ફટકો પડ્યો છે.

ગુરૂવારે અમેરિકી શેર માર્કેટનો પ્રમુખ ઈન્ડેક્સ ડાઉ જોન્સ 1.54 ટકા એટલે કે, 458 પોઈન્ટ ગબડીને 29,225ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસડેકમાં 2.84 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને તે 10,737ના સ્તરે બંધ રહ્યો. એસ એન્ડ પી 500માં (S&P 500) પણ 2.11 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ બધા કારણોસર એલન મસ્કની ટેસ્લાના શેર 6.81 ટકા તૂટ્યા હતા અને તેમને એક જ દિવસમાં 13.3 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

જેફ બેઝોસની એમેઝોનના શેરમાં પણ 2.72 ટકાનું ભંગાણ જોવા મળ્યું હતું. આ કારણે તેમની કુલ સંપત્તિમાં 3.22 અબજ ડોલરનો ફટકો પડ્યો છે. ફેસબુક, મેટા પ્લેટફોર્મના શેર પણ 3.67 ટકા તૂટ્યા હતા. આ કારણે માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં 1.82 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 30.3 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી ચુકેલા મસ્કની કુલ સંપત્તિ હવે 240 અબજ ડોલર જ બચી છે. જોકે તેમ છતાં તેઓ બ્લૂમબર્ગના બિલેનિયર્સ ઈન્ડેક્સમાં વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિના પદ પર છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved