સંજય દત્તને યુ.એ.ઈના ગોલ્ડન વીઝા મળ્યા, દસ વર્ષ સુધી રહેવાની મંજૂરી મળી
બોલીવૂડની દુનિયાના દિગ્ગજ અભિનેતા સંજય દત્તને સંયુક્ત આરબ અમિરાત અર્થાત યુ.એ.ઈના ગોલ્ડન વીઝા મળ્યા છે. બુધવારે સંજય દત્તે આ વાતની સ્વયં પુષ્ટિ કરી હતી અને સાથે એક તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. યુ.એ.ઈમાં 10 વર્ષ રોકાણ માટે ગોલ્ડન વીઝા આપવામાં આવે છે. અગાઉ ઉદ્યોગપતિ, રોકાણકારો તેમજ ડોક્ટર્સ અને અન્ય પ્રોફેશનલ્સને આ વીઝા આપવામાં આવતા હતા પાછળથી વીઝા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. સંજય દત્તે ગોલ્ડન વીઝા આપવા બદલ યુએઈના અધિકારીઓનો આભાર માન્યો હતો.
મળતી માહિતી મુજબ ,સંજય દત્તે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર બે તસવીર શેર કરતા તેના ફેન્સને ખુશખુબર આપ્યા હતા. એક તસવીરમાં સંજુ બાબા પોતાનો પાસપોર્ટ દર્શાવી રહ્યા છે જ્યારે બીજી તસવીરમાં તે મેજર જનરલ મોહમ્મદ અલ મારી સાથે જોવા મળે છે. મોહમ્મદ અલ મારી દુબઈમાં જનરલ ડાયરેક્ટોરેટ ઓફ રેસિડેન્સી એન્ડ ફોરેન અફેર્સના ડાયરેક્ટર જનરલ છે. સંજય દત્તે લખ્યું કે, આ સમ્માન આપવા બદલ હું યુએઈ સરકારનો આભારી છું.
આ ઉપરાંત સંજય દત્તે ફ્લાઈ દુબઈના સીઓઓ હમાદ ઉબૈદલ્લાનો પણ આભાર માન્યો હતો. સંજુ બાબાના ફેન્સ તેમને આ ઉપલબ્ધી બદલ અભિનંદન આપી રહ્યા છે ત્યારે પુત્રી ત્રિશાલા પણ ખુશ થઈ છે અને તેણે પિતાની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. ત્રિશાલાએ લખ્યું કે, ડેડી તમે શાનદાર દેખાવ છો. આઈ લવ યુ. સંજય દત્ત અવારનવાર રજાઓ ગાળવા દુબઈ જતા હોય છે. દુબઈમાં પણ તેની નોંધપાત્ર ફેન ફોલોઈંગ છે.
ઉલ્લેખનીય છે કે ,સંયુક્ત આરબ અમિરાતમાં કોઈપણ શખ્સને ગોલ્ડન વીઝા દ્વારા દસ વર્ષ સુધી રહેવાની મંજૂરી આપવામાં આવે છે. ગત વર્ષે આ વીઝા નિયમોમાં બદલાવ કરાયો હતો જેને પગલે ડોક્ટર્સ, સાયન્ટિસ્ટ્સ અને પ્રોફેશ્નલ્સ સાથે કેટલાક ખાસ લોકોને પણ આ વીઝા આપવામાં આવે છે. નિયમોમાં કરાયેલા બદલાવ બાદ સંજય દત્તને આ વીઝા આપવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ બોલીવૂડમાં ગોલ્ડન વીઝા મેળવનાર સંજય દત્ત પ્રથમ શખ્સ છે.
160 , 1