અનિલ અંબાણીની કંપની ખરીદવા ગૌતમ અદાણી તૈયાર
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ શુક્રવારે મોડી રાત્ર રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડાયરેક્ટર પદ છોડી દીધું છે. SEBIએ તેમને કોઈ પણ લિસ્ટેડ કંપનીથી દૂર રહેવાનું કહ્યું હતું. BSE ફાઈલિંગમાં રિલાયન્સ પાવરે કહ્યું- અનિલ ધીરુભાઈ અંબાણી (નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર) રિલાયન્સ પાવરના બોર્ડથી અલગ થઈ રહ્યાં છે. આ SEBIના ઈન્ટ્રિમ ઓર્ડરના આધારે નિર્ણય લેવાયો છે. આ પ્રકારની ફાઈલિંગ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સ્ટોક એકસ્ચેન્જને આપવામાં આવી છે.
અગાઉ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અનિલ અંબાણીને સ્ટોક એક્સચેન્જમાં કોઈપણ લિસ્ટેડ કંપનીમાં જોડાવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રિલાયન્સ પાવરે શેરબજાર(Share Market)ને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સેબીના વચગાળાના આદેશ બાદ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનિલ અંબાણીએ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે સ્ટોક એક્સચેન્જોને પણ જણાવ્યું હતું કે અનિલ અંબાણીએ “સેબીના વચગાળાના આદેશના પાલનમાં” કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું છે. ફેબ્રુઆરીમાં, સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અન્ય ત્રણને સિક્યોરિટી માર્કેટમાંથી કથિત રીતે નાણાં ઉપાડવા બદલ પ્રતિબંધ મૂક્યો હતો.
આર-પાવર અને આર-ઇન્ફ્રાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે રાહુલ સરીનને પાંચ વર્ષના કાર્યકાળ માટે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે વધારાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા, એમ બંને ADAG જૂથ કંપનીઓએ જણાવ્યું હતું. જોકે, આ નિમણૂક હજુ સામાન્ય સભામાં સભ્યોની મંજૂરીને આધીન છે.
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ દેવાના બોજમાં દબાયેલી છે. મળતી માહિતી અનુસાર, ગૌતમ અદાણીની કંપની અદાણી ફાઇનાન્સિયલ સર્વિસ, KKR, પિરામલ ફાઇનાન્સ અને પૂનાવાલા ફાઇનાન્સ સહિત 14 મોટી કંપનીઓએ આ કંપની ખરીદવામાં રસ દાખવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયુક્ત કરાયેલા એડમિનિસ્ટ્રેટરે બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 11 માર્ચથી લંબાવીને 25 માર્ચ કરી હતી. 29 નવેમ્બરના રોજ, RBI એ ગવર્નન્સના અભાવ અને ચુકવણી ડિફોલ્ટને કારણે રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું હતું.
કંપની પર 40 હજાર કરોડનું મોટુ દેવુ
સપ્ટેમ્બર 2021માં, રિલાયન્સ કેપિટલે તેની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને કહ્યું હતું કે કંપની પર કુલ દેવું 40 હજાર કરોડ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ખોટ ઘટીને 1759 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. ડિસેમ્બર 2020 ક્વાર્ટરમાં કંપનીની કુલ ખોટ 3966 કરોડ રૂપિયા હતી. રિલાયન્સ કેપિટલની સ્થાપના વર્ષ 1986માં થઈ હતી.
96 , 1