સપાને વધુ એક ઝટકો: મુલાયમના સાઢુ પ્રમોદ ગુપ્તા ભાજપમાં જોડાયા
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે સમાજવાદી અને કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો આપ્યો છે. મુલાયમ સિંહના સાઢુ પ્રમોદ ગુપ્તા અને કોંગ્રેસની પોસ્ટર ગર્લ બની પ્રિયંકા મોર્યે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. નોંધનીય છે કે, ગઈકાલે મુલાયમસિંહની પુત્રવધૂ પણ અપર્ણા યાદવે ભાજપનો દામન થામી લીધો હતો. બીજી બાજુ યુપીમાં ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.
બીજેપીમાં જોડાતા પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના સાઢુ પ્રમોદ ગુપ્તાએ અખિલેશ યાદવ પર આ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે, મુલાયમ સિંહની હાલત હાલ પાર્ટીમાં ખૂબ ખરાબ છે. ગુપ્તાએ એવુ પણ કહ્યું છે કે, જે લોકો મુલાયમ સિંહને ગાળો દેતા હતા તેમને આજે અખિલેશ સમાજવાદી પાર્ટી જોઈન કરાવી રહ્યા છે. સપામાં આજે આરોપીઓ અને જુગારીઓને લાવવામાં આવી રહ્યા છે.
પૂર્વ ધારાસભ્ય પ્રમોદ ગુપ્તાએ કહ્યું કે, નેતાજીને મળવા જતા લોકોને તેમના મળવા દેવામાં આવતા નથી. અખિલેશ યાદવ મુલાયમ સિંહનું ખૂબ અપમાન કરે છે. નેતાજીના જન્મદિવસે તેમની પાસેથી માઈક છીનવી લેવામાં આવતું હતું. હવે સમાજવાદી પાર્ટીમાં જ નેતાજીનું અપમાન થઈ રહ્યું છે તો એ પાર્ટીમાં રહેવાનો શું અર્થ. તેથી જ હું ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાનો છું. પ્રમોદ ગુપ્તા મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના બનેવી છે. તેઓ ઔરૈયા જિલ્લાની બિધૂના વિધાનસભા સીટ 2012માં સપાથી ધારાસભ્ય રહ્યા હતા.
99 , 1