November 29, 2022
November 29, 2022

ભાષા મારી ગુજરાતી છે!

પુસ્તક પરિચય : રિપલકુમાર પરીખ

‘માતા છે ગુજરાતની ધરતી , વતનની એ માટી છે,
એ માટીમાં મૂળ છે મારાં, ભાષા મારી ગુજરાતી છે.’
કવિ : તુષાર શુક્લ.

‘વર્ષ ૨૦૫૦ ચાલી રહ્યું છે. આપણા ભારત દેશમાં હવે ફક્ત અંગ્રેજી ભાષાનું જ ચલણ થઈ ગયું છે. આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા લગભગ મૃતઃપ્રાય થઈ ગઈ છે. આ બધું આપણી ભારતીયોની અંગ્રેજી ભાષા પ્રત્યેની ઘેલછાનું પરિણામ છે. આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા લુપ્ત થવાના આરે હોવાથી આપણી ભારતીય સંસ્કૃતિ પણ લગભગ ખોવાઈ ગઈ છે. દરેક ભારતીયો અંગ્રેજોની પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ જ કરી રહ્યાં છે. આવા સમયે અમુક ભારતીયો સંસ્કૃત, હિન્દી, ગુજરાતી વિગેરે જેવી ઉચ્ચ કક્ષાની વૈજ્ઞાનિક ભારતીય ભાષાઓ શીખવા માટે વિદેશમાં જઈ રહ્યાં છે. કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ જેવી વિદેશી યુનિવર્સિટીમાં આ ભારતીય ભાષાઓ શીખવવામાં આવે છે. ‘

આ ભયાવહ કાલ્પનિક વાર્તા વાંચીને તમને કેવું લાગ્યું? શું આપણે ઉપરની કલ્પનાને સાચી પાડવા માંગીએ છીએ? શું આપણે આપણી અમૂલ્ય ધરોહર ભારતીય સંસ્કૃતિને વિસરી જવા દેવી છે? જો ના તો તે માટે આપણે શું કરવું જોઈએ? બસ, ફક્ત એક જ સરળ ઉપાય એ છે કે આપણે આપણા બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપણી માતૃભાષામાં અપાવીએ. હવે ઘણા બધાં લોકોને પ્રશ્ન થશે કે જો અમે અમારા બાળકોને માતૃભાષામાં ભણાવીશું તો તેઓનું ભવિષ્ય કેવું હશે? તો તેમને મારે એક ખાસ પુસ્તક વાંચવા માટે કહેવું છે અને તે પુસ્તકનું નામ છે ‘ ભાષા મારી ગુજરાતી છે! ‘ .

‘ભાષા મારી ગુજરાતી છે! ‘ પુસ્તકનાં લેખક છે શિક્ષણજગતનાં સારસ્વત શ્રી હર્ષદ પ્ર. શાહ કે જેઓ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનનાં ઉપાધ્યક્ષ છે, તે ઉપરાંત તેઓ હાલમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરનાં કાર્યકારી કુલપતિ છે. તેમણે સરફરોશી પુસ્તક શ્રેણીનાં અધ્યક્ષ ઉપરાંત ઘણી બધી સમિતીઓમાં સદસ્ય તરીકે સેવાઓ આપી છે. તેમણે બારડોલી ખાતે ‘ શ્રી સરસ્વતી શિશુમંદિર ‘ની સ્થાપના પણ કરી છે. શ્રી હર્ષદભાઈ શાહ વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ અને ગુજરાતનાં સુવર્ણ જયંતિ વર્ષમાં ‘ વાંચે ગુજરાત ‘ અભિયાનનાં રાજ્યનાં સહ- ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે. શ્રી હર્ષદભાઈ મા. શિ. બોર્ડમાં ‘ ગુજરાતી ભાષા સંવર્ધન અભિયાન ‘ નાં સંયોજક પણ રહી ચૂક્યાં છે. શિક્ષણજગત ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે શ્રી હર્ષદભાઈ શાહની કલમે ઘણાં અમૂલ્ય પુસ્તકો આપ્યાં છે. અત્યારસુધી તેમનાં લગભગ ૧૭ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં ચિંતનાત્મક, શૈક્ષણિક, માતૃભાષા ગૌરવ , ઐતિહાસિક અને ચરિત્રલેખનનાં પુસ્તકો સામેલ છે.

આ પુસ્તકની પ્રસ્તાવના કવિ શ્રી તુષાર શુક્લએ લખી છે. તેઓશ્રી પ્રસ્તાવનામાં લખે છે, ‘ આપણે ત્યાં હાલ આપણે પોતે જ એવા સંજોગો ઊભા કર્યા છે જેમાં આ માતૃભાષાના અસ્તિત્વ સામે જ ભય સરજાયો છે. આવું કેમ થયું એ સહુ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ અને કેટલાક વિચારકો આ ચિંતા બાબતે ચિંતન કરે છે ને એમાં સમાન દ્રષ્ટિકોણ ધરાવતા લોકો જોડાઈ રહ્યા છે એ આશાસ્પદ છે. આવા પ્રયાસનું જ એક પરિણામ આ પુસ્તક છે. માતૃભાષા એ કેવળ એક ભાષા નથી. એ જે તે સમાજની સાંસ્કૃતિક ઓળખ છે. એ મરી જાય તો સાથે એ સમાજની જીવનરીતિ, ઉત્સવો, સંસ્કાર, સાહિત્ય સઘળું મરી જાય. હું તો માનું છું કે તમે મને ભાષા સંભળવો ને હું તમને એ બોલતાં સમાજ વિશે કહી શકીશ ને બહુધા હું ખોટો નહીં પડું. ફળ એના વૃક્ષનું સ્વાસ્થ્ય જણાવી જ દે. આ મહત્વના મુદ્દે ગંભીરતા અને ચીવટપૂર્વક આવું સંભવતઃ સર્વગ્રાહી ચિંતન એક પુસ્તકરૂપે મૂકવા બદલ લેખકને અભિનંદન. ‘

નિવૃત્ત સંસ્કૃતિ સચિવ, અગ્રણી સાહિત્યકાર અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનનાં અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા લખે છે, ‘ શ્રી હર્ષદભાઈ એક કર્મનિષ્ઠ માતૃભાષાનાં ઉપાસક છે. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ તરીકે તેમણે સતત ગાંધીનગર સમાચારમાં એક કટારલેખનનો આરંભ કર્યો. આ બધાં લેખોનો એક સંપુટ પુસ્તકરૂપે આપણને પ્રાપ્ત થયો છે તે ખૂબ જ આનંદનો વિષય છે. આ પુસ્તક માતૃભાષાપ્રેમીઓ માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક સાબિત થવાનું છે. ગુજરાતી ભાષાના વિકાસ અને તાજેતરમાં ઊભા થયેલા સંકટની આ ઘડીએ આ પુસ્તકનું પ્રગટ થવું એ એક આવકારદાયક ઘટના છે. ‘

આપણું મૂળ અને કુળ રૂપી આપણી ગુજરાતી ભાષાને કેવી રીતે આપણે જીવંત રાખી શકીશું, તે સરળ શબ્દોમાં સમજાવતું આ ગુજરાતની અસ્મિતા રૂપી પુસ્તકનું પ્રકાશન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરે કર્યું છે. ગુજરાતી ભાષાની અભિવંદના અને આરાધના કરતાં સૌ કોઈ ભાષાસાધકોએ પચીસ મણકામાં પરોવાયેલાં આ ગ્રંથને ચોક્કસ વાંચવો જોઈએ. દરેક મણકાનાં અંતે આપેલાં અમુક ‘ અર્ક ‘ને માણીએ.

  • જગની સૌ કડીઓમાં સ્નેહથી સર્વથી વડી આ છે આપણી માતૃભાષાની શક્તિ. – સુન્દરમ્
  • આપણે તો સિંહશાવક છીએ. આપણને કોઈનું દાસત્વ ખપે શી રીતે? ચાલો, ‘ અંગ્રેજિયત’નું દાસત્વ છોડીએ.
  • આપણે ન કરવાનું કરી બેઠા. આખેઆખું શિક્ષણ અંગ્રેજી ભાષામાં આપવા લાગ્યા. જાણે આખા ભારતને ‘ ઈંગ્લેન્ડ ‘ ન બનાવી દેવાનું હોય!
  • માતૃભાષા તો માતા અને માતૃભૂમિ વચ્ચે સેતુરૂપ છે. માતા સંસ્કાર આપે છે અને માતૃભૂમિ સંસ્કૃતિ સાથે જોડે છે.

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved