નરેશ પટેલ બાદ કુંવરજી બાવળિયા જોડાઈ શકે છે કોંગ્રેસમાં
ખોડલધામના પ્રમુખ પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસના સીએમ પદનો ચહેરો હોવાનું સ્પષ્ટ થતાં હવે ગુજરાતના કોળી સમાજના આગેવાન અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા પણ ફરી કોંગ્રેસમાં આવશે તેવી અટકળો તેજ બની છે. સૂત્રો મુજબ, બંન્ને નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક થઇ હતી. ત્યારે નરેશ પટેલ બાદ બાવળિયા પણ કોંગ્રેસનો ખેસ ધારણ કરશે તેવું ચર્ચાઇ રહ્યું છે. એવી પણ વાત સામે આવી છે કે, નરેશ પટેલ કોંગ્રેસ તરફથી સીએમ પદનો ચહેરો હશે તો બાવળિયા ડે.સીએમ હશે.
સૂત્રોના અહેવાલ મુજબ, નરેશભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા વચ્ચે એકાદ મહિના પહેલાં બંધ બારણે મિટિંગ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં નરેશભાઈએ કુંવરજીભાઈ સમક્ષ કોંગ્રેસ હાઈકમાન્ડે આપેલી ઓફર તેમની સમક્ષ મૂકી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોના મુજબ, નરેશ પટેલની કોંગ્રેસ સાથે ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે.
બીજી તરફ કોળી જ્ઞાતિની પણ મોટી વોટ બેન્ક છે. એ કબજે કરવા કોંગ્રેસ પાર્ટી કોળી સમાજના આગેવાનોને પણ આમંત્રણ આપી રહી છે અને તેમાં કુંવરજી બાવળિયાનું નામ મોખરે છે. અહેવાલ એવા પણ છે કે રાહુલ ગાંધી આવતા મહિને ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેમની હાજરીમાં નરેશ પટેલ જોડાય તેવી વાત છે અને સાથે એવું પણ બની શકે કે કુંવરજી બાવળિયા પણ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે.
77 , 3