February 1, 2023
February 1, 2023

સૌરાષ્ટ્રમાં તબાહીઃ ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ઓવરફ્લો

200થી વધુ રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો, STની 299 ટ્રીપ રદ્દ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે તબાહી મચી ગઇ છે. જામનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદથી અનેક રસ્તાઓ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. ગુજરાત એસટીએ 299 ટ્રીપ બંધ કરી દીધી છે.

રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 18 સ્ટેટ હાઈવે સહિત 200 રસ્તા બંધ, એસટી બસોના 55 રૂટ બંધ કરવામાં આવ્યા છે. તે સિવાય ભારે વરસાદથી સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. ગીરનારના જંગલમાં પડેલા ભારે વરસાદને પગલે દામોદર કુંડ, સોનરખ અને કાળવો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જ્યારે વિલિંગ્ડન ડેમ પણ ઓવરફલો થયો હતો.

જામનગરના 9 મોટા ડેમમાંથી 8 ડેમ 100 ટકા ભરાયા

રાજકોટમાં 7 મોટા ડેમમાંથી 5 ડેમ સંપૂર્ણ ભરાયા

જૂનાગઢના વંથલીનો ઓઝત-વિઅર ડેમ 100 ટકા ભરાયો

ભારે વરસાદને કારણે રાજ્યના 201 વિવિધ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં 1 નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગો અને 162 પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસટી બસોના 55 રૂટ બંધ કરાતા 121 ટ્રિપો રદ્દ કરવામાં આવી છે.

એસટી નિગમના સચિવ કે.ડી. દેસાઈએ જણાવ્યું કે, અતિભારે વરસાદના કારણે જામનગર, જૂનાગઢ, રાજકોટ ડિવિઝન પ્રભાવિત થયું હતું. આજે 299 ટ્રીપ બંધ રાખી છે. જૂનાગઢ જિલ્લાની 114 ટ્રીપ બંધ છે. જામનગર જિલ્લાની 81 ટ્રીપ બંધ છે અને રાજકોટ જિલ્લાની 80 ટ્રીપ બંધ છે. પ્રભાવિત વિસ્તારમાં જે રૂટ ચાલુ છે તે વિસ્તારમાં બસને લઈ જતા પહેલા ડ્રાઇવરે કંટ્રોલ રૂમમાંથી માહિતી લઈને જવા માટે સૂચના આપવામાં આવી છે. જે રૂટમાં પાણી હોય તો બસને પાણીમાંથી કાઢવી નહિ. તેમજ વરસાદની આગાહી આગામી દિવસોમાં પણ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી રોકાણ કરતી બસના ડ્રાઇવર અને કંડકટર પ્રવાસીઓને ઉતારીને નજીકના બસ સ્ટેશન અથવા ડેપો પર રાત્રી રોકાણ કરવા સૂચના આપવામાં આવી છે.

 103 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved