November 29, 2022
November 29, 2022

વેજલપુર બેઠકના કટ્ટર વિરોધીઓની બેઠકનો ફોટો વાયરલ, રાજકીય ચર્ચા તેજ

 વાયરલ ફોટોના કારણે વેજલપુર બેઠકમાં ચર્ચાએ ખૂબ જોર પકડ્યું

ગુજરાત વિધાનસભાના મતદાનનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ એકબીજા રાજકીય પક્ષો દ્વારા ખેંચતાણ અને ધમાલ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદની વેજલપુર બેઠક વધુ ચર્ચાસ્પદ બની છે. વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ, કોંગ્રેસના ઉમેદવાર રાજેશ પટેલ અને કોંગ્રેસના આગેવાનો એક ફોટોમાં સાથે સાફ જોવા મળી રહ્યાં છે. એક તરફ ચૂંટણી જંગ હોય અને તેવામાં આ વાયરલ થયેલો ફોટો શું કહેવા માંગે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે ઘણા ધારાસભ્યોને ઘરે બેસાડી નવા ઉમેદવારોને ટિકિટ આપી છે. સ્વાભાવિક છે કે, વર્ષોથી ધારાસભ્ય રહ્યાં હોય અને એકાએક ટિકિટ કપાય એટલે નારાજગી પણ હોય. તેમાંના કેટલાક નેતાઓ પોતાની નારાજગી જાહેર કરતા હોય છે તો કેટલાક નારાજગી દબાવીને પણ રાખતા હોય છે. જોકે, આવું ઘણા નેતાઓમાં જોવા મળતું હોય છે. પરંતુ હાલ વાત કરીએ અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકની તો તે આજકાલ ખુબ ચર્ચામાં છે. આ વખતે ભાજપે વેજલપુર બેઠક પરથી પાછલી બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા કિશોર ચૌહાણ, જેઓ વેજલપુર વિસ્તારમાં કેસીના નામથી ઓળખાય છે. તેમની જગ્યાએ અમિત ઠાકરને મેદાને ઉતાર્યા છે. સામે પક્ષે કોંગ્રેસ અને આપમાંથી બે પિતરાઈ ભાઈઓ છે. જેમાં કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે રાજેશ પટેલ અને આપના ઉમેદવાર તરીકે કલ્પેશ પટેલ મેદાને છે.

આ તમામ ઉમેદવારો હાલમાં જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. તેવામાં એક ફોટો વાયરલ થયો છે. જેમાં કોંગ્રેસના ઉમેવદાર રાજુ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ સાથે કેસી એટલે કે કિશોર ચૌહાણ નજરે પડી રહ્યાં છે. કોંગ્રેસના એક નેતા તો તેમના ખભે હાથ રાખીને ચર્ચા પણ કરી રહ્યાં છે, ત્યારે આ ફોટો શું ઈશારો કરી રહ્યો છે? તે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ વાયરલ ફોટોના કારણે વેજલપુર બેઠકમાં ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે. આ મામલે ધારાસભ્ય કિશોર ચૌહાણ અને કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

મહત્વનું છે કે, ભાજપ હોય કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી રાજકીય નેતાઓ આમ તો સમયાંતરે સાથે મળતા જ હોય છે. પરંતુ જ્યારે ચૂંટણીના માહોલમાં પક્ષ એક બીજાના કટ્ટર હરીફ હોય ત્યારે નેતાઓના મેળ મિલાપના ફોટા વાયરલ થાય ત્યારે ચર્ચા જોર પકડે છે.

 237 ,  7 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved