February 2, 2023
February 2, 2023

ડમ ડમ ડોમિનિકા – મેહુલ બાબા થયા કોરોન્ટાઇન ,ક્યારે આવશે ભારત ?

ભારત સરકારે ફરાર કૌભાંડીને પકડી લાવવા મોકલ્યું છે વિમાન

દેશની જાણીતી પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કેસમાં વોન્ટેડ હીરા કારોબારી મેહુલ ચોકસીને ડોમિનિકામાં સરકારી ક્વોરન્ટાઈન સેન્ટરમાં ધકેલી દેવામાં આવ્યો છે. એન્ટિગુઆ અને બારબુડાથી રહસ્યમ રીતે ગુમ થયેલા મેહુલ ચોકસીને પાડોશી દેશ ડોમિનિકામાંથી પકડવામાં આવ્યો હતો. ભારતમાં ચોકસીના ગુનાઓ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજ વિશેષ વિમાનથી ડોમિનિકા મોકલવામાં આવ્યા હતા.
ડોમિનિકાની હાઈકોર્ટમાં ચોકસીને ત્યાંથી લઈ જવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત આ મુદ્દે બીજી જૂને ઓપન કોર્ટમાં સુનાવણી બાદ જ આગળની કાર્યવાહી પર નિર્ણય થશે. એન્ટિગુઆમાં વિપક્ષ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણના વિરોધમાં છે. તો વળી ભારતમાં મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટેના પ્રયાસોમાં ઝડપ કરવામાં આવી છે.

એનઆઈએ અનુસાર, આ મુદ્દે ભારતની કેટલીક એજન્સીઓ ડોમિનિકા સરકારના સંપર્કમાં છે. મેહુલ ચોકસી મૂળભૂત રીતે ભારતીય નાગરિક છે અને આશરે બે અબજ અમેરિકન ડોલરની છેતરપિંડી આચર્યા બાદ ભારતમાં કાયદાથી બચવા માટે નવી નાગરિકતા લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ,પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૫૦૦ કરોડથી વધુના કૌભાંડના આરોપી ભાગેડૂ હીરા વેપારી મેહુલ ચોક્સીને ટૂંક સમયમાં ભારત લાવવા કેન્દ્ર સરકાર ઝડપથી પ્રયાસો કરી રહી છે. મેહુલ ચોક્સી હાલ ડોમિનિકાની જેલમાં કેદ છે. ભારતે ડોમિનિકા સમક્ષ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની માગણી કરી છે અને તેને લેવા માટે પ્રત્યાર્પણના દસ્તાવેજો સાથે એક ખાનગી વિમાન ડોમિનિકા પહોંચી ગયું છે. એન્ટીગાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ પોતે જ તેની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે ભારતથી આવેલું ખાનગી વિમાન હાલ ડોમિનિકાના ડગ્લાસ ચાર્લ્સ એરપોર્ટ પર ઊભું છે. જોકે, ભારતે આ બાબતની સત્તાવાર પુષ્ટી નથી કરી.

એન્ટીગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ એક રેડિયો શોમાં જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે જરૂરી દસ્તાવેજો સાથે એક ખાનગી વિમાન ભારતમાંથી ડગ્લાસ એરપોર્ટ આવી પહોંચ્યું છે. ભારત સરકારે ચોકસી ભાગેડુ હોવાના અને તે બેન્ક કૌભાંડમાં આરોપી હોવાના દસ્તાવેજો મોકલ્યા છે અને મારી જાણ મુજબ આ દસ્તાવેજો આગામી બુધવારે ડોમિનિકાની કોર્ટની સુનાવણી દરમ્યાન ધ્યાનમાં લેવાશે. તેમણે વધુમાં કહ્યું કે ભારત સરકાર ચોકસીના પ્રત્યાર્પણ માટે તમામ કોશિશ કરી રહી છે. મેહુલ ચોકસીના એન્ટીગુઆથી ભાગવાને કારણે તેનું ડીપોર્ટેશન હવે લગભગ નક્કી માનવામાં આવે છે. જોકે, ભારતીય ઓથોરિટીએ આ સંદર્ભમાં હજુ કોઈ સત્તાવાર પુષ્ટી આપી નથી.

જાહેરમાં ઉપલબ્ધ ડેટા મુજબ ,કતાર એક્ઝિક્યુટીવ ફ્લાઈટ એ૭સીઈઈ ૨૮મી મેના રોજ રાતે ૩.૪૪ વાગ્યે દિલ્હી એરપોર્ટથી રવાના થયું હતું અને મેડ્રીડ થઈને એ જ દિવસે સ્થાનિક સમય મુજબ ૧૩.૧૬ વાગ્યે ડોમિનિકા પહોંચ્યું હતું. મેહુલ ચોક્સીના કથિત અપહરણ અને ગેરકાયદે ધરપકડનો કેસ ડોમિનિકન હાઈકોર્ટ સામે પેન્ડિંગ છે. કોર્ટે મેહુલ ચોક્સીની અન્ય કોઈ દેશમાં પ્રત્યાર્પણ પર આગામી સુનાવણી સુધી સ્ટે મૂકી દીધો છે. આગામી સુનાવણી બીજી જૂને થવાની છે.

વધુ વિગતોમાં ,નીરવ મોદી અને મેહુલ ચોક્સીની ત્રણ કંપનીઓ ડાયમંડ્સ આર અસ, સોલાર એક્સોપર્ટ્સ અને સ્ટેલર ડાયમંડ્સે પીએનબી બેન્કની મુંબઈ ખાતેની ફોર્ટમાં આવેલી બ્રાડી હાઉસ બ્રાન્ચના બે કર્મચારીઓ સાથે મળીને ખોટા એલઓયુ મારફત ભારતીય બેન્કોની વિદેશી બ્રાન્ચમાંથી નાણાં ઉપાડયા હતા. આ કૌભાંડ પ્રકાશમાં આવતાં પીએનબીએ ૨૯મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ નીરવ મોદી અને મેહૂલ ચોક્સી સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ પહેલાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડી ભાગી છૂટયા હતા. નીરવ મોદી હાલ લંડનમાં જેલમાં છે જ્યારે મેહુલ ચોક્સી ૨૦૧૮થી એન્ટીગામાં રહેતો હતો.

 130 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved