October 6, 2022
October 6, 2022

સચિન વાજેનું ગુજરાત કનેક્શન શોધવા શરૂ થયા પ્રયાસો..

ગુજરાત પોલીસને મહારાષ્ટ્રના સસ્પેન્ડેડ અધિકારીમાં પડ્યો રસ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો કારના મામલામાં જે અધિકારી સચિન વાજે પર તપાસની જવાબદારી હતી તે જ તપાસના ચક્રવ્યૂહમાં ફસાયા હતા. મુંબઈ પોલીસના પૂર્વ એએસઆઈ સચિન વાજેના ક્રાઇમનો રેકોર્ડ ગુજરાત પોલીસ પણ તૈયાર કરી રહી છે. જો કે હજુ સુધી વાજેનો ગુજરાતમાં કોઇ ક્રાઇમ સાથે સીધો સંબંધ જોડી શકાયો નથી પરંતુ આ વિસ્ફોટ પ્રકરણમાં એક ગુજરાતી વેપારી કે જે મુંબઈમાં વસ્યા હતા તે મનસુખ હીરનનો મૃતદેહ મુંબઈમાંથી મળ્યો હતો અને જે વિસ્ફટકો ભરેલી કાર પ્રકરણ સાથે મનસુખનું કનેકશન જોડાયું હતું તે પછી ગુજરાત સીઆઈડી ક્રાઇમ દ્વારા તેના ક્રાઇમ રેકોર્ડમાં હવે સચિન વાજેનો ક્રાઇમ રેકોર્ડ એકત્ર કરવા નિર્ણય લેવાયો છે.

ગુજરાતી સીઆઈડી ક્રાઇમ દેશભરમાં જે હાઇપ્રોફાઈલ અપરાધો બને છે તેનો રેકોર્ડ રાખે છે જેથી આ પ્રકારની ગુજરાતમાં બને તો તેની તપાસમાં સરળતા રહે છે અને મુકેશ અંબાણીનું ગુજરાત કનેકશન જાણીતું છે. જે વિસ્ફોટકો ભરેલી એસયુવી તા. 25 ફેબ્રુઆરી, 2021ના રોજ મુકેશ અંબાણીના નિવાસ પાસેથી મળ્યો હતો તેમાં ભારે સસ્પેન્સ પછી ખુદ મુંબઇ પોલીસના એએસઆઈ સચિન વાજેની ભુમિકા ખુલી હતી અને તેઓ પોલીસ દળમાં હીરો બનવા માટે અને એવોર્ડ મેળવવા માટે આ પ્રકારના ક્રાઇમને અંજામ આપ્યો હતો.

મુંબઈ પોલીસે કરેલી તપાસમાં જણાયું હતું કે જે એસયુવીમાં વિસ્ફોટ મળ્યા હતા તે એસયુવી મનસુખ હીરનની માલિકીની હતી અને અને તેનું વાજે સાથે કનેકશન ખુલ્યુ હતું એટલું જ નહીં તેની હત્યા સાથે પણ વાજે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું અને મનસુખના પત્નીએ એવો દાવો કર્યો હતો કે તેમની આ એસયુવી નવેમ્બર માસમાં સચિન વાજે લઇ ગયા હતા. અને પરત આવી ગયા પછી ફરી લઇ ગયા હતા. મુંબઈ પોલીસે વાજે સામે એકથી વધુ ગુના નોંધ્યા છે જ્યારે મુંબઈના પોલીસ કમિશનર પરમવીરસિંહ અને વાજે બંને મહાનગરમાં ખંડણી ઉઘરાવતા હોવાનો ઘટસ્ફોટ પણ થયો હતો અને ક્રિકેટ બુકીઓ સાથે પણ તેમનો નાતો હતો

જેમાં અનેક બુકીઓ ગુજરાતમાં કામકાજ કરે છે. અને ઉપરાંત મહેસાણાના એક હવાલા ઓપરેટર અલ્પેશ પટેલની પણ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ઉપરાંત એક ગુજરાતી મહિલા કે જે વાજે સાથે સંકળાયેલી હોવાનું જાહેર થયું હતું તે પોલીસની ફાઈવ સ્ટાર હોટલમાં વાજેના બુકીંગથી જ રહેતી હતી અને તેની પાસે મશીનો ગણવાના મશીન પણ હતા. જો કે હજુ સુધી તેને ઓળખી શકાય નથી પણ ભવિષ્યમાં કોઇપણ ગુનાખોરીમાં આ પ્રકારે કડી મળે તો ઝડપથી ઇન્વેસ્ટીગેશન કરી શકાય તે માટે ગુજરાત સીઆઈડી ક્રાઇમે વાજેની ક્રાઇમ કુંડળી બનાવવાનો નિર્ણય લીધો છે.

 35 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved