February 1, 2023
February 1, 2023

એનએસઇમાં પોપાબાઇ નહીં પણ ચિત્રાબાઇનું રાજ…

ચંદા બાદ હવે ચિત્રા-યોગીબાબા-આનંદ-દરોડા..

રોજના 64 હજાર કરોડના ટર્નઓવરવાળી સંસ્થામાં લોલમલોલ..

6 વર્ષ સુધી એનએસઇનું સંચાલન હિમાલયમાંથી ચાલતુ હતું..!

જેમને પોતે જોયા નથી એમને ચિત્રા શેરોની ગોપનીય માહિતી મોકલતી..?

ચંદા કોચરની જેમ ચિત્રાની સામે પણ કાર્યવાહી..

બે પાવરફુલ મહિલાઓ, ટોચે પહોંચ્યા અને પછી..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

અમેરિકા સહિત દુનિયાના ઘણાં દેશોના શેર બજારમાં રોજે રોજ કરોડોની ઉથલપાથલ મચે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ-એનએસઇ- ભારતનું સૌથી મોટુ પ્રતિષ્ઠિત નાણાં બજાર છે. બીએસઇની જેમ તેમાં કરોડોના શેરોના લે-વેચનો કારોબાર થાય છે. મુંબઇ સ્થિત એનએસઇ પર એક અંદાજ પ્રમાણે, એક દિવસમાં 64 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે અને રોજના 49 કરોડ નાણાકિય વ્યવહારો-ટ્રાન્ઝેકશન- થાય છે.

1994માં તેનું કામકાજ શરૂ થયું હતું. જ્યાં રોજના 64 હજાર કરોડના નાણાંકિય વ્યવહારો થાય છે એ નેશનલ સ્ટોક એક્સચેન્જ અથવા રાષ્ટ્રીય શેર બજારનું સંચાલન હિમાલયના કોઇ અદ્રશ્ય યોગી દ્વારા થાય તો… ? તેને એનએસઇ બોર્ડની તમામ ગોપનીય સહિતની માહિતી મોકલવામાં આવે તો…? જેને કોઇએ જોયા નથી એ અદ્રશ્ય હિમાલયન યોગીબાબા પાછા [email protected] ઇમેઇલથી એનએસઇને માર્ગદર્શન આપે- બેટા, કારોબાર બઢાના હૈ તો એસે નહીં વૈસે કરો…ઇસકા પ્રમોશન કરો…ઉસ બંદે કો વહાં સે હટાકર ઉસ જગહ પર રખ દો.. બોર્ડ કા યે ફેંસલા ઠીક નહીં હૈ, ઉસમેં ઐસા કરો..વૈસા કરો..જા તેરા કલ્યાણ હોગા…!!

આ કોઇ કપોળકલ્પિત કે કલ્પના કે સપના કે ઇમેજિનેશન નથી. આવુ વાસ્તવમાં બન્યુ છે અને 2013થી લઇને 2016 સુધીના ગાળામાં ભારતના પ્રતિષ્ઠિત નાણાં બજાર કે જ્યાં રોજના 64 હજાર કરોડના વ્યવહારો થાય છે એવી એક સંસ્થાનું સંચાલન જે માનુનીના કરકમલોમાં હતું તે ચિત્રા રાંમકૃષ્ણ દ્વારા સેબીની તપાસમાં કહેવાયેલી ઓન રેકોર્ડ ચોંકાવનારી વિગતો છે, જે સાંભળીને એમ થાય કે ઓત્તારીની આટલી મોટી નાણાંકિય સંસ્થામાં આવુ પણ ચાલે છે…?! કોઇ પૂછનાર નહીં..કોઇ હાલહવાલ નહીં. જાણે કે પોતાની અંગત સંસ્થા કે કંપની હોય તેમ મનફાવે તેવા નિર્ણયો લેવાતા રહ્યાં અને કોઇને ખબર જ ના પડી…?!

આઇસીઆઇસીઆઇ ખાનગી બેંકમાં તત્કાલિન સીઇઓ ચંદા કોચરના લોન સંબંધી નિર્ણયોની જાણ જેમ કોઇ વ્હીસલબ્લોઅરે બેંકના ઉપરીઓને કરી તેમ એનએસઇમાં કંઇક ગરબડ છે એવી જાણ 2015માં માર્કેટ રેગ્યુલેટર સેબીને કરી. જેમાં ધ્યાન દોરવામાં આવ્યું કે એનએસઇમાં કો-લોકેશન કૌભાંડ ચાલે છે. જેમાં શેરો સંબંધિત ગોપનીય માહિતી મળતિયાઓને અગાઉથી આપી દેવામાં આવે અને તેના આધારે ઇક્વીટી બજારમાં કરોડો કમાવી લેવાના.. તેમાં એનએસઇના સર્વેસર્વા ચિત્રાનું નામ પણ આપવામાં આવ્યું.

સેબીએ 6 વર્ષ તપાસ કરી. ઇ.એન્ડ વાય. નામની તટસ્થ તપાસ એજન્સીએ તપાસ કરી અને રિપોર્ટ આપ્યો. જે હવે સાર્વજનિક થયો ત્યારે ભલભલાનું માથુ ચકરાવે ચઢે એવી ચોંકાવનારી, રસપ્રદ અને આટલી મોટી નાણાંકિય સંસ્થામાં પોપાબાઇનું નહીં પણ ચિત્રાબાઇનું રાજ ચાલતુ હતું…

ગોબાચારીની નફઅફટાઇની પરાકાષ્ટા તો ત્યારે આવી કે જ્યારે તપાસમાં ચિત્રાને સેબીના તપાસકર્તાઓ દ્વારા પૂછવામાં આવ્યું કે તમે જેમને એનએસઇ બોર્ડની તમામ ગોપનીય માહિતી સહિત તમામ નાની મોટી જાણકારી તમારા કહેવા પ્રમાણે તમે જે યોગીબાબાને મોકલતા હતા તેને તમે મળ્યા છો ખરા…? તેમનુ નામ શું છે..? ક્યાં રહે છે…? શું કરે છે…ત્યારે સેબીના તપાસકર્તાઓ પણ ખુરશીમાં બેઠા બેઠા હલબલી અને હચમચી ઉઠે એવા જવાબો માત્ર બી.કોમ. અને સી.એ.ની ડીગ્રી ધરાવનાર અને રોજના 64 હજાર કરોડના કારોબારવાળી સંસ્થાનું સંચાલન કરનાર ચિત્રાએ આપ્યા-ના…,હું તેમને ક્યારેય મળી નથી…! તેઓ હિમાલયમાં રહે છે..! પરમજ્ઞાની છે…! સિધ્ધપુરૂષ છે..! યોગી છે.. મેં તો શું કોઇએ તેમને જોયા નથી..છતાં તેઓ ગમે ત્યારે ગમે તે સ્વરૂપે પ્રગટ થઇ શકે છે….તેમના માર્ગદર્શન હેઠળ જ મેં એનએસઇનું સંચાલન કર્યુ અને એનએસઇના મુખ્ય તરીકે લેવાયેલા મારા તમામ નિર્ણયો યોગીના છે..તેમની સાથેનો વ્યવહાર ઇમેલથી થતો હતો…..! બોલો, છે ને મજેદાર…ચનાજોર ગરમ બાબુ મે લાઇ ચનાજોર ગરમ..જય યોગીબાબા કી…

આવા જવાબો સાંભળીને માથાના વાળ ખેંચવાનું મન થાય અને જાણે કે એનએસઇના સીઇઓ-એમડી નહીં પણ પાગલખાનામાં રહેલી કોઇ અસ્થિર મગજની મહિલા બોલી રહી હોય…એમ કદાજ તપાસ કરનાર સેબીના કર્તાહર્તાઓને એક ઘડી તો લાગ્યુ હશે. કેમ કે એનએસઇ કોઇ યોગી-વોગીનું આશ્રમ નથી, દેશવિદેશના રોકાણકારો પોતાની મૂડી એ બજારમાં લગાવે છે એ વિશ્વાસે કે તે વિશ્વસનીય છે અને તેમાં હર્ષ મહેતા જેવી કોઇ ગેરરીતિ વગેરે. નહીં થાય, એવી સંસ્થાનું સંચાલન ચિત્રા નામની મહિલા કે જેમણે પોતે જેને જોયા નથી, એકેય વાર મળ્યા નથી, હિમાલયમાં રહેતા કોઇ યોગીબાબા સાથે માત્ર ઇમેઇલથી વ્યવહાર કરવાનો દાવો કર્યો એ મહિલાના કાર્યકાળમાં કેટલા શેરોમાં ઉથલપાથલો થઇ હશે તેની તપાસ થવી જોઇએ.

શેરબજારમાં અંદર કી બાત કોઇ એકને મળે તો રાતોરાત અબજોપતિ થઇ જાય એવી સંસ્થામાં 6 વર્ષ(2013થી 2016) સુધી ચિત્રા નામની આ મહિલાએ કેવુ સંચાલન કર્યુ હશે…? કો-લોકેશન ષડયંત્ર હેઠળ જે તે શેરોની ગોપનીય માહિતી લીક કરીને કેટલાય આબાદ થયા હશે તો કેટલાય બર્બાદ પણ થયા હશે…એ લોકોએ હવે જ્યારે ચિત્રાનો ભાંડો ચંદા કોચરની જેમ ફૂટી ગયો છે ત્યારે તપાસની માંગણી કરવી જોઇએ.

બાય ધ વે, તપાસ કરનાર સેબીએ એવુ શોધવાનો દાવો કર્યો કે ચિત્રાએ પોતાના મેન્ટર,,ગાઇડ અને પળે પળે માર્ગદર્શન આપનાર જે હિમાલયન અજ્ઞાત યોગીબાબાનો ઉલ્લેખ કર્યો તે અન્ય કોઇ નહીં પણ તેમણે 2013માં અન્ય કોઇ કંપનીમાં વર્ષે 15 લાખના પેકેજમાં નોકરી કરનારને એનએસઇમાં સ્ટ્રેટેજિક ઓફિસર તરીકે લાવીને ફટાફટ બઢતી આપીને છેલ્લે 2016માં વર્ષે 4 કરોડનું પેકેજ આપ્યું તે આનંદ સુબ્રમણ્યમ નામનો ફૂટડો યુવાન જ છે…! જે તેમનો ખાસમખાસ અધિકારી હતો….

મજા તો એ છે કે ચિત્રાએ આનંદની ભરતી-બઢતીમાં કોઇને પૂછવાની તસ્દી પણ લીધી નહોતી. તેનો એકલાનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને તેને સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ઓફિસ આવવાની છૂટછાટ આપવામાં આવી હતી…બાકીનો સમય…? તેના ઉપર આટલો બધો અમરપ્રેમ અને ઉદારતા…એક યુવા અધિકારી પ્રત્યે શા માટે…? સેબીએ તપાસના પગલે આનંદ પર 2 કરોડનો દંડ ફટકાર્યો છે. પણ અન્ય કડક પગલા…? ચિત્રાને પણ દંડ ફટકારાયો અને હાલમાં જ તેને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા છે….દરોડામાં શું મળ્યું તેની વિગતો બહાર આવશે અને કાંઇ વાંધાજનક હશે તો તેમની સામે કેસ પણ નોંધાઇ શકે.

બે શક્તિશાળી મહિલાઓ . એક ખાનગી બેંક આઇસીઆઇસીઆઇના ચંદા કોચર અને બીજા એનએસઇના ચિત્રા રામકૃષ્ણ. ભારતના કોર્પોરેટના પ્લેટફોર્મ પર ચમકદમક બતાવનાર અને ઉંચે ઉંચે લોગ..ની સાથે ઉઠના-બૈઠના..ઝાકમઝોળ..મિડિયામાં ચમકવાનું અને પછી..? પોતે જે બેંકના સર્વે સર્વા હતા તે ખાનગી આઇસીઆઇસીઆઇના બેંકમાંથી વિડિયોકોન કંપનીને 3 હજાર કરોડની લોન આપવામા કરેલા ગોટાળામાં ચંદા કોચર ભારતના કોર્પોરેટના પ્લેટફોર્મ પરથી અજ્ઞાત હિમાલયન યોગીબાબાની જેમ છૂમંતર..ગાયબ..! કદાજ ખૂણામાં બેસીને ગણગણાટ કરતા હશે- કોઇ લૌટા દો મેરે બિતે હુયે દિન…! અને હવે ત્રાટકવિદ્યા જેવો ચહેરો ધરાવનાર ચિત્રાનો વારો..?

 79 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved