February 1, 2023
February 1, 2023

આજથી બે દિવસ માટે ‘ભારત બંધ, રેલવે અને બેન્કિંગ સહિત અનેક મહત્વનાં સેક્ટર્સ પર પડી શકે છે અસર

ગુજરાતના 40 હજાર બેંક કર્મચારીઓ જોડાશે વિરોધમાં

કર્મચારીઓ, ખેડૂતો અને સામાન્ય લોકોને અસર કરતી કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયને આ બંધને સમર્થન જાહેર કર્યું છે. ટ્રેડ યુનિયનોએ કોલસો, સ્ટીલ, ઓઈલ, ટેલિકોમ, પોસ્ટલ, ઈન્કમટેક્સ, કોપર, બેંક અને ઈન્સ્યોરન્સ સેક્ટરને હડતાળ અંગે સૂચના આપતી નોટિસ પણ મોકલી છે.

કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળ મજૂરો, ખેડૂતો અને લોકોને અસર કરતી સરકારી નીતિઓના વિરોધમાં કરવામાં આવી રહી છે.

ઓલ ઈન્ડિયન ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અમરજીત કૌરે જણાવ્યું હતું કે, હડતાળમાં 20 કરોડથી વધુ કામદારો ભાગ લે તેવી અપેક્ષા છે.

આ હડતાળમાં બેંક કર્મચારીઓ પણ ભાગ લેશે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની સરકારની યોજના તેમજ બેંકિંગ કાયદા સુધારા બિલ 2021નાં વિરોધમાં બેંક યુનિયનો હડતાળમાં ભાગ લઈ રહ્યાં છે.

દેશની સૌથી પ્રખ્યાત બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત અનેક બેંકોએ એક નિવેદન જારી કરીને ગ્રાહકોને જાણ કરી છે કે, સોમવાર અને મંગળવારે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.

પોસ્ટલ, આવકવેરા, કોપર અને વીમા જેવા અન્ય અનેક ક્ષેત્રોના કર્મચારીઓ હડતાળમાં ભાગ લે તેવી શક્યતા છે. આ સાથે જ રેલ્વે અને સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા યુનિયનો પણ બંધના સમર્થનમાં રસ્તા પર ઉતરી શકે છે. જ્યારે રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વીજળી વિભાગના કર્મચારીઓ પણ આ હડતાળનો ભાગ બનશે.

ઉર્જા મંત્રાલયે તમામ સરકારી કંપનીઓ અને અન્ય એજન્સીઓને આજે હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. આ સાથે જ 24 કલાક વીજ પુરવઠો અને રાષ્ટ્રીય ગ્રીડની સ્થિરતા સુનિશ્ચિત કરવા સલાહ પણ આપવામાં આવી છે.

મંત્રાલયની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ, ડિફેન્સ અને રેલવે જેવી આવશ્યક સેવાઓમાં લાગેલા લોકોને વીજળીની સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે 24×7 કંટ્રોલ રૂમ સ્થાપવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ભારતીય મજદૂર સંઘે જાહેરાત કરી છે કે, તેઓ હડતાળમાં નહીં જોડાય. સંઘે કહ્યું કે, આ ભારત બંધ રાજકારણથી પ્રેરિત છે. ટ્રેડ યુનિયનના મતે આ બંધનો હેતુ પસંદગીના રાજકીય પક્ષોના એજન્ડાને આગળ વધારવાનો છે.

ભારત બંધને અખિલ ભારતીય અસંગઠિત કામદારો અને કર્મચારી કોંગ્રેસ તરફથી સમર્થન મળ્યું છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે, રાહુલ ગાંધી બંધમાં સામેલ વર્ગોની માંગણીઓના પક્ષમાં પોતાની વાત મૂકી રહ્યાં છે.

બંગાળ સરકારે તારીખ 28 અને 29 માર્ચના રોજ કોઈ પણ કર્મચારીને કોઇ આકસ્મિક અવકાશ અથવા તો અડધા દિવસની રજા પર સ્પષ્ટપણે મનાઈ ફરમાવી છે. સરકારે કહ્યું કે, જો કોઈ કર્મચારી રજા લેશે તો તેને આદેશનું ઉલ્લંઘન માનવામાં આવશે અને તેની અસર તેના પગાર પર પણ પડશે.

જો કે તમને જણાવી દઇએ કે, ભારત બંધના કારણે બે દિવસ કામકાજ પણ પ્રભાવિત થઈ શકે છે. અનેક કામમાં અડચણ આવી શકે છે. તેની સૌથી વધુ અસર બેંકિંગ પર જોવા મળી શકે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તારીખ 28-29 માર્ચના રોજ બેંકોના કામકાજને ઘણી હદ સુધી અસર થઈ શકે છે. તદુપરાંત ભારત બંધની અસર પરિવહન વ્યવસ્થા પર પણ જોવા મળી શકે છે.

 83 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved