October 6, 2022
October 6, 2022

ગુર્જર અનામત આંદોલનના નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલાનું નિધન

રાજસ્થાનમાં ગુર્જર આંદોલનનો મોટો ચહેરો હતાં

ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાનું લાંબી માંદગી બાદ જયપુરની હોસ્પિટલમાં નિધન થયું છે. આ જાણકારી તેમના પુત્ર વિજય બૈંસલાએ આપી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા. બૈંસલા રાજસ્થાનમાં શરૂ થયેલા ગુર્જર અનામત આંદોલનને લઈને દેશભરમાં જાણીતા બન્યા હતા. કિરોડી લાલ બૈંસલા ભારતીય સેનામાં કર્નલ હતા. બૈંસલા 2007માં રાજસ્થાનમાં ગુર્જરોના અનામત આંદોલનના મુખ્ય નેતા હતા અને તેઓ ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના પ્રમુખ હતા. તેમને બેવાર કોરોના થયો હતો. 25 દિવસના આંદોલન પછી તેમને ગુર્જરોને 5% અનામત અપાવવામાં સફળતા મળી હતી.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કર્નલ કિરોડી સિંહ બૈંસલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બૈંસલા સામાજિક ચળવળના મજબૂત નેતા હતા. તેઓ સામાજિક અધિકારો માટે જીવનભર લડ્યાં છે. તેઓની ગેરહાજરી હંમેશા અનુભવાશે. ભગવાન દિવંગત તેમની આત્માને શાંતિ આપે. પરિવાર અને ચાહકો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું.

કર્નલ કિરોડી સિંહ બૈંસલાનો જન્મ રાજસ્થાનના કરૌલી જિલ્લાના મુંડિયા ગામમાં થયો હતો. ગુર્જર સમુદાયમાંથી આવતા કિરોડી સિંહે તેમની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી, પરંતુ તેમના પિતા આર્મીમાં હોવાને કારણે તેમનો લગાવ આર્મી તરફ હતો. આથી તેઓએ સેનામાં જોડાવાનું મન બનાવી લીધું હતું. બાદમાં તેઓ સૈનિક તરીકે સેનામાં જોડાયા. બૈંસલા સેનાની રાજપૂતાના રાઈફલ્સમાં ભરતી થયા હતાં અને આર્મીમાં હતાં ત્યારે 1962ના ભારત-ચીન યુદ્ધ અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમણે પોતાના દેશ માટે બહાદુરી બતાવી હતી.

 39 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved