વડાપ્રધાન ગુરુવારે ઈટાલીના પ્રવાસે જશે: નરેન્દ્ર મોદી 14 જૂનનાં રોજ અપુલિયામાં યોજાનારી G-7 સમિટમાં ભાગ લેશે, PM જ્યોર્જિયા મેલોની સાથે કરશે ચર્ચા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12062024_130430_Modi (1).webp)
- 12 Jun, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીની મુલાકાતે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ ઈટાલીનો પ્રથમ વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ બુધવારે જણાવ્યું હતું કે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50મી G-7 સમિટમાં ભાગ લેવા ગુરુવારે ઇટાલીના અપુલિયા જશે.
50મું G-7 શિખર સંમેલન આ વખતે 13થી 15 જૂન દરમિયાન ઇટાલીના અપુલિયા ક્ષેત્રમાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયા ખાતે યોજાશે. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આ સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. મીટિંગમાં બંને વડાપ્રધાનો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરશે અને આગળના પગલાઓ માટે દિશા નક્કી કરશે તેવી અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં યુદ્ધ અને ગાઝાનો મુદ્દો બેઠકમાં મુખ્ય છે. G-7એ વિશ્વની સાત અદ્યતન અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. સમિટમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બાઈડન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો સમાવેશ થાય છે.