નાગપુરની ગન પાઉડર બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ: ધમનાની વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 5નાં મોત, 5 લોકો ઈજાગ્રસ્ત; પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13062024_110806_Blast 2.webp)
- 13 Jun, 2024
નાગપુર શહેરની પાસે ગન પાઉડર બનાવતી એક ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 5 કર્મચારીઓ ઘાયલ થયા છે. આ પૈકીના ત્રણની સ્થિતિ ગંભીર છે. આ દુર્ઘટના નાગપુરથી લગભગ 25 કિલોમીટર દૂર ધમના ગામમાં ચામુડી એક્સપ્લોસિવ પ્રાઈવેટ લિમિટેડમાં બની હતી.
નાગપુર પોલીસ કમિશ્નરે કહ્યું કે ધમનામાં વિસ્ફોટક બનાવનારી ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં કહ્યું કે વિસ્ફોટ બપોરે લગભગ એક વાગ્યે થયો હતો. જ્યારે કર્મચારીઓ વિસ્ફોટક પેક કરી રહ્યાં હતા. પોલીસ હાલ ઘટના સ્થળે જ છે. દુર્ઘટનાના કારણોની હાલ તપાસ કરવામાં આવી રહી છે.
ઘટના સ્થળ પર હાજર એનસીપી નેતા અનિલ દેશમુખે કહ્યું કે ધમના ગામની પાસે દારૂગોળો બનાવતી ફેક્ટ્રીમાં આ દુર્ઘટના બની છે. ફેક્ટરીના મેનેજર અને માલિક ફરાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એક્સપ્લોસિવ ડિપાર્ટમેન્ટની એક ટીમ હાલ ઘટના સ્થળે તહેનાત છે. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
અનિલ દેશમુખે કહ્યું કે વિચારવાની વાત તો એ છે કે આટલી મોટી એક્સપ્લોસિવ ફેક્ટરી ચાલી રહી હતી તેમ છતાં તેમની પાસે પોતાની કોઈ એમ્બ્યુલન્સ નહોતી. હવે વિસ્ફોટક વિભાગની ટીમ તપાસ કરી રહી છે કે આ દુર્ઘટના કઈ રીતે બની.