UPનાં હાજી ઈકબાલની 4,440 કરોડની સંપત્તિજપ્ત: ગેરકાયદેસર ખન્ના પૈસાથી ઉભી કરી આખી યુનિવર્સિટી અને કર્યું કૌભાંડ; વાંચવા જેવી છે સમગ્ર ષડયંત્રની કહાની
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan15062024_070752_Haji 1.webp)
- 15 Jun, 2024
દુબઈમાં છુપાયેલા ખાણ માફિયા અને પૂર્વ એમએલસી હાજી ઈકબાલ પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) મોટી કાર્યવાહી કરી છે. ઈડીના લખનઉ ઝોનલ કાર્યાલયે શુક્રવારે સુહારનપુરની ગ્લોકલ યુનિવર્સિટીની 4,440 કરોડ રૂપિયાની કિંમતની 121 એકર જમીન અને બિલ્ડિંગને અચોક્કસ મુદત માટે જપ્ત કરી લીધી છે. આ સંપત્તિઓ અબ્દુલા વાહીદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામ પર રજિસ્ટર્ડ છે. આ ટ્રસ્ટનું મેનેજમેન્ટ, નિયંત્રણ અને સંચાલન પૂર્વ એમએલસી હાજી ઈકબાલ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે.
પીએમએલએ 2002ની જોગવાઈ મુજબ ગેરકાયદેસર ખન્નના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ સહારનપુર જિલ્લામાં ગેરકાયદેસર ખન્ન અને પટ્ટાધારકોના લાઈસન્સના ગેરકાયદેસર રીન્યુઅલના મામલામાં સીબીઆઈ દિલ્હી દ્વારા ભષ્ટ્રાચાર સહિતની નોંધાયેલી એફઆઈઆરના આધારે આ તપાસ શરૂ કરી હતી. ખન્ન પટ્ટાના ગેરકાયદેસર નવીનીકરણના મામલામાં સીબીઆઈએ મહમૂદ અલી, દિલશાદ, મોહમ્મદ ઈનામ, મહબૂબ આલમ, નસીમ અહમદ, અમિત જૈન, વિકાસ અગ્રવાલ, મોહમ્મદ વાજિદ, મુકેશ જૈન અને પુનિત જૈન સહિત કેટલાક સરકારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
ઈડીએ કરેલી સઘન તપાસમાં જાણવા મળ્યું કે તમામ ખન્ન ફર્મની માલિકી અને તેનું સંચાલન મો.ઈકબાલ ગ્રુપની પાસે હતું. ઈકબાલ ગ્રુપની આ ફર્મ સહારનપુર અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર ખન્નમાં સામેલ હતી. આઈટીઆરમાં બતાવવામાં આવેલી કમાણી ઉપરાંત ઘણા વ્યાપારિક સંબંધો આ ફર્મ અને તેની ગ્રુપ કંપનીઓને હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
તપાસમાં જાળવા મળ્યું છે કે અબ્દુલ વહીદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી મો.ઈકબાલના પરિવારના સભ્યો છે, જેમાં ઈકબાલ પોતે પણ સામેલ છે. ટ્રસ્ટના ફન્ડનો ઉપયોગ પછીથી સહારનપુરમાં જમીન ખરીદવા અને ગ્લોકલ યુનિવર્સિટી માટેના બિલ્ડિંગમાં કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર ખન્નથી કમાવવામાં આવેલા 500 કરોડ રૂપિયાથી વધુ રકમનો ઉપયોગ જમીન ખરીદવા અને યુનિવર્સિટીની બિલ્ડિંગ બનાવવામાં કરવામાં આવ્યો છે. આ સંપત્તિનું હાલનું મુલ્ય 4,439 કરોડ છે. મો.ઈકબાલ હાલ ફરાર છે. એમ કહેવાઈ રહ્યું છે તે દુબઈમાં છુપાયો છે. તેમના ચાર પુત્ર અને ભાઈઓ હાલ જેલમાં બંધ છે. જોકે આ કેસની આગળની તપાસ હાલ ચાલી રહી છે.