હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના CM: આજે સાંજે ચંપઈ સોરેન આપી શકે છે મુખ્યમંત્રી પદેથી રાજીનામું, ધારાસભ્યોની સર્વસમ્મતિથી લેવાયો નિર્ણય
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03072024_124024_Hemant.webp)
- 03 Jul, 2024
ઝારખંડના મુખ્યમંત્રીની ખુરશી ફરી એક વખત હેમંત સોરેનને મળી શકે છે. જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનના ધારાસભ્યોની વચ્ચે સર્વસમ્મતિ પછી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી તરીકે પરત ફરવા માટે તૈયાર છે. સૂત્રોએ આ અંગેની માહિતી બુધવારે આપી છે.
સૂત્રોનું કહેવું છે કે ગઠબંધનના નેતાઓ અને ધારાસભ્યોએ રાંચીમાં મુખ્યમંત્રી ચંપઈ સોરેનનના નિવાસ સ્થાને એક બેઠક દરમિયાન હેમંત સોરેનને જેએમએમના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના એક સૂત્રના જણાવ્યા મુજબ બેઠકમાં ચંપઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાંચીમાં મુખ્ય પ્રધાન ચંપઈ સોરેનના નિવાસસ્થાને મળેલી બેઠક દરમિયાન જોડાણના નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી હેમંત સોરેનને JMM ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. બેઠકમાં ચંપઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો સૂત્રોનું માનીએ તો સીએમ ચંપઈ સોરેન આજે લગભગ 8 વાગ્યે રાજીનામું આપી શકે છે. તેમણે ઝારખંડ ગઠબંધનના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને 7 વાગે રાજભવન જવા માટે તૈયાર રહેવા કહ્યું છે. જો હેમંત સોરેન શપથ લેશે તો તેઓ ઝારખંડ રાજ્યના 13મા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીર અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર ઉપરાંત હેમંત સોરેનના ભાઈ બસંત અને પત્ની કલ્પના પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
હેમંત સોરેનને લગભગ પાંચ મહિના પછી 28 જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. 31 જાન્યુઆરીએ તેમની ધરપકડ પહેલા તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હેમંત સોરેન પર 31 કરોડ રૂપિયાથી વધુ કિંમતની 8.86 એકર જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરવાનો આરોપ છે. હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી તરત જ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 31 જાન્યુઆરીએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.