હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે: 31 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું, 4 જુલાઈએ શપથ, હેમંત સોરેન ત્રીજી વખત CM બનશે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04072024_114258_Hemant (1).webp)
- 04 Jul, 2024
ઝારખંડના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને હેમંત સોરેનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. રાજ્યભવનના અધિકારીઓએ ગુરુવારે આ અંગે માહિતી આપી છે. સોરેન આજે રાજ્યના 13માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભમાં લગભગ 5 વાગ્યે રાજભવનમાં થશે. આ વર્ષના અંતે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા નેતૃત્વમાં કરવામાં આવેલા આ ફેરફારને મહત્વનો ગણવામાં આવે છે.
એક અહેવાલ મુજબ, આ પહેલા જેએમએમના નેતાએ દાવો કર્યો હતો કે હેમંત સોરેન 7 જુલાઈએ સીએમ પદના શપથ લેશે. શપથની તારીખ આવ્યા પછી હેમંત સોરેને એક્સ પર લખ્યું કે દરેક અન્યાયને ખબર છે કે એક દિવસે તેને ન્યાય હરાવી દેશે. જય ઝારખંડ. તેમણે બીજી એક પોસ્ટમાં લખ્યું કે મહામહિમ રાજ્યપાલ મહોદયનો ધન્યવાદ. વિરોધીઓ દ્વારા રચવામાં આવેલા લોકશાહી વિરોધી ષડયંત્રના અંતની શરૂઆત થઈ ગઈ છે. સત્યમેવ જયતે.
હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને કહ્યું કે લોકશાહીની જીત થઈ છે. 31 જાન્યુઆરી 2024થી શરૂ થયેલા અન્યાયને હવે યોગ્ય ન્યાય મળવાની શરૂઆત થઈ છે. જય ઝારખંડ. જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ મામલામાં ઈડીએ હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. તેમણે ઈડીની કસ્ટડીમાં જ સીએમ પદ પરથી રાજીનામું આપ્યું અને આ પદની કમાન ચંપઈ સોરેનને સોંપી દીધી. ઝારખંડ હાઈકોર્ટે હેમંત સોરેનને 28 જૂને જામીન આપ્યા હતા. જામીન પર બહાર આવ્યા પછીથી સોરેનના ફરીથી મુખ્યમંત્રી બનવા પર અટકળો લાગવાનું શરૂ થઈ ગયું.