November 29, 2022
November 29, 2022

નણંદ-ભાભીનો જંગ જામ્યો! : ‘6 વર્ષમાં અટક બદલવાનો સમય ન મળ્યો, માત્ર રવિન્દ્ર જાડેજાના નામે પબ્લિસિટી મેળવવી છે’

 ‘..માત્ર રવીન્દ્ર જાડેજાના નામે પબ્લિસિટી જ મેળવવી છે’ – નયનાબા જાડે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગાંધીનગરની ગાદી કબજે કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓ ગામડે-ગામડે સભાઓ ગજવી રહી છે. ત્યારે જામનગરમાં જાડેજા પરિવાર સામ-સામે આવી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી અને રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાના સ્પોર્ટમાં છે, જેને લઈને નયનાબાએ આજે રીવાબા પર આક્ષેપ કર્યા છે.

નયનાબા જાડેજાએ જણાવ્યું છે કે, જામનગર 78 ઉત્તર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનું રાજકોટમાં મતદાન મથક છે. તો તેમને રાજકોટના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું જોઈએ નહીં. પોતે પોતાને મત આપી શકે તેમ નથી તો લોકો પાસે કેમ મત માંગો છો? 78 વિધાનસભા બેઠકના લોકો આયાતી ઉમેદવારને મત કેમ આપશે? ચૂંટણી બાદ તે રાજકોટમાં જ રહેવાના છે.

નયનાબા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રિવાબા જાડેજા ચૂંટણી પ્રચારમાં નાના ભૂલકાઓનો ઉપયોગ કરે છે. તેમની રેલીમાં 10 જેટલા નાના ભૂલકોને લઈ જાય છે. ભૂલકાઓનો ઉપયોગ કરીને રિવાબા સહાનુભૂતિ મેળવવા માંગે છે. આ બાબત એક રીતે બાળમજૂરી જ કહેવાય. કોંગ્રેસના હોદ્દેદાર સુભાષ ગુજરાતીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. બાળકોના વાલીઓએ ફરિયાદ કરી છે કે, તેમને જાણ કર્યા વિના જ બાળકોને આ રીતે પોતાની સાથે ચૂંટણી પ્રચારમાં લઈ જાય છે.

સાથે જ નયનાબાએ રિવાબાના ઉમેદવારી ફોર્મ પર કહ્યું કે, રિવાબા જાડેજા કયા હકથી જામનગરના લોકોના મત માગે છે? રિવાબા રાજકોટ પશ્ચિમના મતદાર છે, તેમણે ત્યાં ચૂંટણી લડવી જોઈએ. જામનગર ઉત્તર બેઠક ઉપરથી રિવાબા આયાતી ઉમેદવાર છે. તેમણે પોતાના ફોર્મમાં નામ પણ રિવાસિંહ હરદેવસિંહ સોલંકી રાખ્યું છે. રવિન્દ્ર જાડેજાનું નામ પણ તેમણે બ્રેકેટમાં રાખ્યું છે. તેઓ જાડેજા અટકનો માત્ર ઉપયોગ કરવા માંગે છે, 6 વર્ષમાં અટક સુધારવાનો પણ સમય નથી મળ્યો.

નયનાબાએ રિવાબાને આડે હાથ લેતા જણાવ્યું કે, તમે સૌથી વધુ સમય તો વિદેશના પ્રવાસે હોવ છો, તો તમે લોકોની સ્થિતિ કંઇ રીતે જાણશો. રીવાબાએ ઈવીએમ મશીનમાં પોતાનું નામ રીવાસી હરદેવસિંહ સોલંકી રાખ્યું છે. રવીન્દ્રસિંહ જાડેજાનું નામ બ્રેકેટમાં છે. શું છ વર્ષમાં તેમને સરનેમ ચેન્જ કરાવવાનો સમય ન મળ્યો કે ખાલી પબ્લિસીટી માટે જ રવિન્દ્રસિંહના નામનો ઉપયોગ કર્યો?

નયનાબાએ જણાવ્યું કે, હું મારી ફરજ નિભાવી રહી છું એટલે આ બેઠક પૂરતો જ બોલવાનો મને અધિકાર હોવો જોઈએ. રીવાબાનું નામ રાજકોટમાં બોલે છે, જેથી તેમને ત્યાં બોલવું જોઇએ અને ત્યાં ઉમેદવારી નોંધાવવી જોઇએ. અહીંયા મત માંગવાનો તમને જરા પણ અધિકાર નથી.

 54 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved