February 2, 2023
February 2, 2023

32 વર્ષ ભાજપના નેતા રહ્યા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા

સિદ્ધપુરથી ટિકિટ ન મળતા ભાજપથી હતા નારાજ

ગુજરાતમાં પૂર્વ ભાજપ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો હાથ ઝાલી લીધો છે. મહત્વનું છે કે, સિદ્ધપુરથી ટિકિટ ન મળતાં તેઓ ભાજપથી નારાજ હતાં. 75 વર્ષીય જય નારાયણ વ્યાસે 5 નવેમ્બરે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી રાજીનામું આપ્યું હતું. તેઓ લગભગ 32 વર્ષ સુધી ભાજપમાં રહ્યા. અમદાવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં જય નારાયણ વ્યાસ અને તેમના પુત્ર સમીર વ્યાસ કોંગ્રેસમાં જોડાયા હતા. અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ત્યાં હાજર હતા.

જય નારાયણ વ્યાસ કે જેઓ ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતાઓમાં ગણાય છે. એવું કહેવાય છે કે, 2017 માં પાર્ટી દ્વારા તેમની ટિકિટ નકારવામાં આવી હતી ત્યારથી તેઓ ગુસ્સે હતા. તેમને આશા હતી કે, પાર્ટી આ વખતે તેમને મેદાનમાં ઉતારશે પરંતુ એવું બન્યું નહીં અને આખરે આ મહિનાની શરૂઆતમાં 5 નવેમ્બરે જય નારાયણ વ્યાસે પાર્ટી છોડવાની જાહેરાત કરી. પાર્ટી છોડતી વખતે ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં આરોગ્ય મંત્રી રહેલા વ્યાસે તેમના સમર્થકો સાથે વાત કરીને આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસમાં જોડાવાનો સંદેશ આપ્યો હતો.

આ પહેલા પૂર્વ આરોગ્ય મંત્રી એવાં સિદ્ધપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસે કોંગ્રેસને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. તેઓએ ખુલ્લું સમર્થન જાહેર કરતા પાટણ જીલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. વામૈયા ગામે ભરી સભામાં જયનારાયણ વ્યાસે ચંદનજી ઠાકોરને જીતનાં આશીર્વાદ આપ્યા હતા. જયનારાયણ વ્યાસે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વિજય હાર પહેરાવી સિદ્ધપુરનાં ધારાસભ્ય જાહેર કર્યા હતા. મહત્વની બાબત એ છે કે સિદ્ધપુર બેઠકમાં જયનારાયણ વ્યાસના હજારો સમર્થકો ભાજપનાં ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત માટે મોટી મુશ્કેલી સર્જે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પણ જયનારાયણ વ્યાસ મામલે મોટો દાવો કર્યો હતો. આલોક શર્માએ કહ્યું હતું કે જય નારાયણ વ્યાસ ખુલ્લીને અમારી સામે આવ્યા છે. જ્યાંરે બીજા ભાજપના નેતાઑ ખાનગીમાં સમર્થન કરતા હોવાનું જણાવ્યું છે. વધુમાં 25 ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓની ટીમ અંદરખાને મદદ કરતી હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં ભાજપના ગઢમાં પણ કોંગ્રેસ ઉમેદવારનું સમર્થન કરે છે. વધુમાં આલોક શર્માએ કહ્યું કે આ અંગે નામ સાથેનું લિસ્ટ પણ અમારી પાસે છે.’

 48 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved