October 6, 2022
October 6, 2022

નરોડામાં આઈટી કંપનીના કર્મચારીનું અપહરણ, પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ

યુવકને ડરાવી ધમકાવી 30 હજાર પડાવી લીધા

શહેરમાં રામોલ બાદ નરોડા વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી છે. જેમાં આરોપી કોઈ ગુનેગાર નહીં પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક ટ્રાફિક બ્રિગેડના જવાન છે. રાજસ્થાનની આઈટી કંપનીના કર્મચારી એસપી રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ કરવાની ધમકી આપી યુવક પાસેથી 30 હજાર રૂપિયા પડાવનાર બંને કર્મચારીઓની નરોડા પોલીસે ધરપકડ કરી છે.

રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી નીમિશ બોલ્યા નામનો વ્યક્તિ આઇટી કંપનીમાં નોકરી કરે છે તે કંપનીના કામથી સાણંદ આવ્યો હતો. સાણંદથી પરત ઉદયપુર જઈ રહ્યો હતો તે સમયે નરોડા એસપી રિંગ રોડ પાસે બે લોકો આવ્યા હતા.

દારૂ પીને ગાડી ચલાવો છો તેમ કહીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ થશે તેમ કહીને ધોલધપાટ કરી હતી. આ ઉપરાંત તેને ડરાવી-ધમકાવી અપહરણ કરી લઈ જઈ ATM માંથી 30 હજારથી વધુ રોકડ રકમ કઢાવી લીધી હતી. પૈસા પડાવ્યા બાદ બંને કર્મચારીઓએ યુવક અને તેના ડ્રાઇવરને રીંગ રોડ ઉપર છોડી દીધા હતા.

ત્યાર બાદ આઇટી કંપનીના કર્મચારીએ રાજસ્થાન ખાતે જઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ઇ મેઇલ કર્યો હતો. જેમાં તેઓએ પોતાની સાથે બનેલી ઘટના જણાવતા આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ત્વરિત પગલાં લઈને જી ડિવિઝન એસીપીને આ મામલે તપાસ સોંપી હતી. જે તપાસ દરમિયાન યુવકને અપહરણ કરી જઇ પૈસા પડાવનાર બે ઈસમોમાંથી એક શહેર ટ્રાફિક પોલીસમાં એલઆરડી તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું.

પકડાયેલા આરોપીઓમાંથી રોહિત સોલંકી ટ્રાફિક પોલીસમાં LRD જવાન તરીકે ફરજ બજાવે છે, જ્યારે વિજય તળપદા TRB જવાન તરીકે સેવા આપે છે. આ મામલે નરોડા પોલીસે બંને જવાનો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

 54 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved