September 25, 2022
September 25, 2022

મોરપીંછની કૃષ્ણયાત્રા…

જ્યારથી પ્રેમેશ્વર કૃષ્ણ એ મને તેમનાં મુકુટમાં સ્થાન આપ્યું છે, ત્યારથી હું તેમની સાથે પ્રેમમય થઈ ગયો છું, કૃષ્ણમય થઈ ગયો છું. તેવું જણાવવું જરાય અતિશયોક્તિ મને નથી લાગતી. કૃષ્ણનાં દરેક સુખ દુઃખમાં હું હંમેશા તેમનો સાથી રહ્યો છું. બાળગોપાળની અદ્ભુત લીલાઓનું મેં રસપાન કર્યું છે. ગોકુળમાં ગોપાલક બનીને ગાયો ચરાવવા માટે તેમની સાથે હું પણ ગયો છું. તેમની વાંસળીનાં સૂરોએ મને પણ મોહીત કર્યા છે. ગોવર્ધન પર્વત જ્યારે તેમણે ઊંચક્યો ત્યારે મને પણ તે દ્રશ્ય જોવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. અનંતરુપ એ જ્યારે મથુરામાં પહોંચી મામા કંસનાં ત્રાસમાંથી સૌને મુક્તિ અપાવી ત્યારે હું તે ઘટનાનો સાક્ષી હતો. હસ્તિનાપુરમાં દ્રોપદીનાં ભરી સભામાં ચિરહરણ વખતે અચ્યુત એ તેમનાં ચિર પૂર્યા હતાં, ત્યારે મારી આંખોમાં આંસુ હતાં. કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચેનું યુધ્ધ રોકવા માટે જ્યારે અરિસૂદન એ તમામ પ્રયાસો કર્યા હતાં, ત્યારે હું પણ એ યુધ્ધ રોકાઈ જાય તેમ ઈચ્છતો હતો. યુધ્ધ ભુમિ પર અર્જુનને જ્યારે વિષાદ થયો ત્યારે જાણે અર્જુને મારૂં મન કળી લીધું હતું. કૃષ્ણ નું ભગવદ્ ગીતાનું જે અલભ્ય જ્ઞાન સમગ્ર વિશ્વને મળ્યું ત્યારે મારી આંખો પરથી પણ પડદો હટી ગયો હતો. કેશવ એ જ્યારે વિરાટ સ્વરૂપનું દર્શન આપ્યું, ત્યારે હું પણ તેમનાં વિરાટ સ્વરૂપનાં દર્શનથી અભિભૂત થઈ ગયો હતો. યુધ્ધ માટે અર્જુન તૈયાર થયો અને કહ્યું, ” કરિષ્યે વચનં તવ્ ” ત્યારે મેં પણ જાણે હાથમાં ગાન્ડીવ ધારણ કરી લીધું હતું. સોનાની દ્રારિકા નગરીનાં નિર્માણ વખતે કેશિનિષૂદન ની સાથે મેં પણ એ વિશાળ દ્વારિકાનાં દર્શન કર્યા હતા. યાદવ કુળનો નાશ થતાં મેં પણ જોયો હતો. તે સમયે કમલપત્રાક્ષ ને દુઃખી થતાં મેં જોયાં હતાં. જરા નામના પારધીએ ગોવિંદ ને તીર માર્યું તે વખતે પણ હું ત્યાં જ હતો. આમ, જગત્પતિ નાં તમામ સુખદુઃખનો હું સાક્ષી છું.

પ્રેમેશ્વર કૃષ્ણ ઉપરાંત યોગેશ્વર કૃષ્ણ, રસેશ્વર કૃષ્ણ અને રાજેશ્વર કૃષ્ણ વિશે ઘણાં બધાં પ્રતિષ્ઠિત લેખકો , સાહિત્યકારો અને કવિઓએ ઘણું બધું સાહિત્ય સર્જન કર્યું છે અને તે સમગ્ર સાહિત્ય પણ કૃષ્ણમય છે. ચોક્કસ આજની યુવાપેઢીને વાંચવાલાયક છે. જગન્નિવાસ આજે પણ દરેકનાં હ્રદયમાં બિરાજમાન છે, તે જોઈને મને ઘણો આનંદ થાય છે. જનાર્દન વિશે અઢળક સાહિત્યનું સર્જન થયું છે અને હજુ પણ એટલું જ સાહિત્યનું સર્જન થવાનું બાકી હોય તેમ મને લાગે છે.

મેં જે દેવદેવ ને નજીકથી જોયા છે. સમજ્યા છે. તે ઉપરાંત જ્યારે જ્યારે હું દેવવર વિશે વાંચું છું, ત્યારે ત્યારે મારો પુરુષોત્તમ તરફનો પ્રેમ વધતો જ જાય છે. મને ભગવાન્ શ્રી ભૂતભાવન ના મુકુટમાં જગ્યા મળી તે માટે હું તેમનો સદૈવ રુણી રહીશ. ભૂતેશ ના મંદિરોમાં મધુસૂદન નાં દર્શન કરવા માટે જ્યારે ભક્તો આવે છે અને “કૃષ્ણમ્ વંદે જગદગુરુમ્ ” ” ૐ નમો ભગવતે વાસુદેવાય “, “જય રણછોડ” નો નાદ બોલાવે છે, સૌ એકબીજાને ” જય શ્રી કૃષ્ણ ” કહે છે અને સૌનાં મનમાં ” શ્રીકૃષ્ણ શરણં મમ ” નો એક જ ભાવ હોય છે, તે જાણીને હું પોતે ભાવવિભોર બની જાઉં છું. નાથદ્વારાનાં શ્રીનાથજી, ડાકોરનાં શ્રી રણછોડરાયજી, દ્વારિકા નગરીનાં રાજા શ્રી દ્વારકાધીશજી, શામળાજી, પુરીનાં શ્રીજગન્નાથજી, ગોકુળ -મથુરા અને વૃંદાવનનાં બાન્કેબિહારીજી, ઈસ્કોનનાં શ્રીકૃષ્ણ મંદિરો અને ભારત ઉપરાંત દુનિયાભરમાં આવેલા મહાબાહુ નાં અનેક મંદિરોની મેં યાત્રા કરી છે. જે મારાં જીવનનો એક ઉત્સવ છે. આનંદ છે.

માધવ મારાં આરાધ્ય છે, પરંતુ તેઓ મને મારાં ખાસ મિત્ર જેવા વધુ લાગે છે. ભગવદ્ ગીતામાં યોગવિત્તમ એ જે ત્રણ યોગ દર્શાવ્યા છે, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ તથા તેમણે દરેકને પોતાનો સ્વધર્મ ઓળખવા માટે પણ જણાવ્યું છે. હું પણ મારા સ્વધર્મ મુજબ યાદવ નાં પગલે ચાલવાનો પ્રયત્ન કરું છું, પણ મારે તો વાસુદેવ નાં મુકુટની શોભા બનીને હંમેશા માટે રહેવું છે, તે જ મારો કર્મયોગ છે.

વાષ્ણ્રેય નાં જીવનમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનું ત્રિવેણી તીર્થ પ્રગટે છે. જ્ઞાનનાં ક્ષેત્રમાં તેઓ યોગેશ્વર હતાં. તેઓ અર્જુન સાથે આત્મતત્વની ગહન ચર્ચા કરે છે, સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો સમજાવે છે. કર્મનાં ક્ષેત્રમાં વિષ્ણુ રાજેશ્વર હતાં. તેઓ યુધ્ધમાં અર્જુનનાં સારથી બની શકે છે, એઠી પતરાળી ઉંચકી શકે છે, ઘોડાઓનાં ઘા સાફ કરી શકે છે. ભક્તિનાં ક્ષેત્રમાં હ્રષીકેશ રસેશ્વર હતા. ભક્તિસભર હરિ ગોપીઓની સાથે નાચી શકે છે, કુબ્જાનો સ્વીકાર કરી શકે છે, સુદામાને દોડીને પ્રેમથી ભેટી શકે છે, વિદુરની ભાજી ખાઈ શકે છે. આમ, દરેક પ્રસંગે કૃષ્ણનું એક અનોખું સ્વરુપ જોવા મળે છે. તેથી જ તો હું કૃષ્ણપ્રેમી છું. કૃષ્ણનાં પગલે ચાલવું એક સામાન્ય વ્યક્તિનું ગજું નથી. તેઓ તો મહામાનવ હતાં, પુર્ણ પુરૂષોત્તમ હતાં, લોકમહેશ્વર હતાં.

કૃષ્ણપ્રેમનાં આદર્શ દ્રષ્ટાંતો આપણી નજર સમક્ષ છે. જ્યારે શ્રીકૃષ્ણએ શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીને સાક્ષાત્ દર્શન દીધાં ત્યારે મને પણ તેમણે સાથે રાખ્યો હતો. નાથદ્વારામાં શ્રીકૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે પૂજાય છે. પુષ્ટિ માર્ગમાં શ્રીકૃષ્ણની ઠાકોરજીનાં સ્વરૂપમાં ભક્તિ થાય છે. દરેક વૈષ્ણવોનાં ઘરમાં તેમની સાથે હું પણ હાજર રહું છું અને તેમની સેવા કરવાનો લાભ હું પણ લઉં છું. નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભક્ત બોડાણાની ભાવ સભર ભક્તિનાં તોલે કોઈ ના આવી શકે. તેમને શ્રીકૃષ્ણ એ સાક્ષાત્ દર્શન દીધાં, ત્યારે હું પણ તેમનાં ભક્તોને મળી શક્યો હતો. તેનો મને ખૂબ જ આનંદ છે. આવા, શ્રીજગન્નાથજીનો આજે જન્મઉત્સવ દુનિયાભરમાં ખૂબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે, તે જોઈને મારાં હરખનો પાર નથી રહેતો અને હું કૃષ્ણમય બનીને કૃષ્ણગીત ગાવા લાગું છું.

કૃષ્ણગીત

વાંસળીનાં સૂર, મારાં મનને મોહી જાય છે,
ઝણકે જેમ નુપુર, મારું દિલ ઝણઝણ થાય છે,
જગમાં ક્યાં છું તું, હે મારા ઘનશ્યામ ,
તને મળવાને મારું, દિલ અધીરું થાય છે.

રાધા તો ઝટ દોડતી આવે,
મીરાંને તું દરશન દે,
મારાં પ્રેમ અને ભક્તિમાં શું કચાશ છે ,
એટલી તો તું મને સમજણ દે.

જીવનનો મર્મ, તું જ સમજાવી જાય છે,
તને મળવાને મારું, દિલ અધીરું થાય છે.

નરસૈંયાનો તું મિત્ર છે,
અર્જુનનો તું ગુરુ,
મને પણ બતાવ તું મારગ,
કે ખરી જીંદગી થાય શરુ.

વિરાટ અને વામન સ્વરૂપનું, દરશન કરાવી જાય છે,
વાંસળીનાં સૂર, મારાં મનને મોહી જાય છે.

( કવિ : રિપલકુમાર પરીખ )

 130 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved