સુપ્રીમ કોર્ટે શરતો સાથે આપ્યા વચગાળાના જામીન
લખીમપુર ખીરી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપી આશિષ મિશ્રાને વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મિશ્રાને 8 અઠવાડિયા માટે શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આશિષ મિશ્રાને તેના લોકેશન વિશે સંબંધિત કોર્ટને જાણ કરવા નિર્દેશ આપ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આશિષ મિશ્રા અથવા તેમના પરિવારે કેસ સાથે સંબંધિત સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે અથવા ટ્રાયલમાં વિલંબ કરશે તો આશિષ મિશ્રાના જામીન રદ કરવામાં આવશે.
આશિષ મિશ્રાને જામીન આપતાં સુપ્રીમ કોર્ટે એવી શરત પણ મૂકી છે કે તે દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં નહીં રહે. જામીન મળ્યા બાદ આશિષ મિશ્રાએ એક સપ્તાહ બાદ ઉત્તર પ્રદેશ છોડવું પડશે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેકે મહેશ્વરીની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે આશિષ જામીનના સમયગાળા દરમિયાન ન તો ઉત્તર પ્રદેશમાં કે ન તો દિલ્હી એનસીઆરમાં રહેશે. સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરીએ સુનાવણી પૂર્ણ કર્યા બાદ આશિષ મિશ્રાની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન આશિષ મિશ્રાના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે તેમના અસીલ એક વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને જે રીતે ટ્રાયલ ચાલી રહી છે તેને પૂર્ણ થવામાં 7-8 વર્ષનો સમય લાગશે. મુકુલ રોહતગીએ એમ પણ કહ્યું કે આ કેસમાં ફરિયાદ કરનાર જગજીત સિંહ આ ઘટનાના પ્રત્યક્ષદર્શી નથી અને તેમની ફરિયાદ માત્ર અફવાઓ પર આધારિત છે. રોહતગીએ એમ પણ કહ્યું હતું કે તેનો અસીલ ગુનેગાર નથી અને ન તો તેનો ગુનાહિત ઈતિહાસ છે.
19 , 1