September 25, 2022
September 25, 2022

ભારત છોડો : દેશના 8000 અમીરો વિદેશમાં વસવા તૈયાર…!

બીજી મહામારીનો ડર, વિદેશમાં ધંધાની વધુ તકો અને ઉંચા કરવેરાને લીધે ઈન્ડિયા છોડવા માંગે છે

2020માં 7000 હજાર અમીરોએ ભારત છોડ્યું, 9 લાખ લોકોએ પાસપોર્ટ કર્યો સરેન્ડર

દેશના હજારો અમીર (સુપર રિચ) લોકો એક યા બીજા કારણોસર ભારત કાયમ માટે છોડીને વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હોવાનો એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. યૈ દેશ હુવા બૈગાના ચલ ઉડ જા રે પંછી… પંક્તિની જેમ જેઓ ભારતમાંથી ઉડીને વિદેશમાં સ્થાયી થવા માંગે છે તેમાં ઉદ્યોગસાહસિકો, કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને ઉંચા પગારની નોકરી કરનારાઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, 2020માં અંદાજે 7000 સુપર રિચ અમીરોએ ભારતની નાગરિક્તા ત્યજીને વિદેશમાં સ્થાયી થયા હતા અને હવે આ વર્ષે લગભગ 8000 અમીર ભારતીયો – સુપર રિચ ભારતને કાયમ માટે ગડબાય કહેવાની તૈયારીમાં છે. અલબત્ત કોર્પોરેટ ક્ષેત્રમાં સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે, આ અમીરોનો ભારતથી મોહભંગ કેમ થઈ રહ્યો છે અને તે પણ એવા સમયે કે જ્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. કોરોનાના પ્રકોપમાંથી બહાર આવવાના મામલે પણ દેશ અન્ય દેશો કરતા સારો રહ્યો છે. આવા માહોલમાં આ સમાચાર થોડા ચોંકાવનારા છે કે દેશના હજારો અમીર લોકો વિશ્વના અન્ય દેશોમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ, આવકના વૈવિધ્યસભર માર્ગોનો પીછો કરીને, વ્યવસાયનો વિસ્તરણ અને જીવનની સારી ગુણવત્તા, આ શ્રીમંત લોકો વિદેશ તરફ જોઈ રહ્યા છે અને વૈકલ્પિક રહેઠાણો સ્થાપવા માગે છે.

જોકે, રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેનો અર્થ એવો નથી કે સમૃદ્ધ ભારત હવે આકર્ષક સ્થળ રહ્યું નથી. દેશે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકેનો સ્થાન મેળવ્યું છે અને તે વિદેશી રોકાણકારોને આકર્ષવામાં સફળ રહ્યો છે.

ઇમિગ્રેશન અને વિઝા એડવાઇઝરી સર્વિસીસ કંપની વાય-એક્સિસ મિડલ ઇસ્ટ ડીએમસીસીના ડિરેક્ટર ક્લિન્ટ ખાન કહે છે કે બીજા દેશમાં થોડા મિલિયન ડોલરનું રોકાણ કરવાથી તમને કાયમી રહેઠાણ મળે છે, તેથી આ મુદ્દો અમીરોને આકર્ષી રહ્યો છે. વેપારીઓને સુરક્ષિત અનુભવવાનું સૌથી મોટું કારણ એ છે કે બેકઅપ તરીકે વૈકલ્પિક આધાર તૈયાર રાખવો. કેમ કે, આવતીકાલે વળી કોરોના જેવી કોઈ મહામારી ભારતમાં ફાટી નીકળે તો લોકડાઉનને પગલે વેપાર ધંધા રોજગારને અસર પહોંચી શકે અને એવું થયું પણ છે તેથી તેઓ વિદેશમાં કાયમી નિવાસ મેળવવા માંગે છે.

નિવાસ અને નાગરિકતા આયોજન કંપની હેનલી એન્ડ પાર્ટનર્સનાં ગ્રુપ હેડ નિર્ભય હાન્ડા પણ એ બાબાત સાથે સંમત થાય છે અને કહે છે કે કદાચ બીજી કટોકટી, યુદ્ધ હોઈ શકે અથવા રાજકીય સંકટ આવી શકે છે. જુલિયસ બેર ઈન્ડિયાની વેલ્થ મેનેજમેન્ટ સર્વિસના વેલ્થ પ્લાનિંગના વડા સોનાલી પ્રધાને જણાવ્યું હતું કે આવા 70-80 ટકા લોકોએ પોતાના માટે વૈકલ્પિક રહેઠાણનો વિકલ્પ તૈયાર કર્યો છે અને જો કોઈ મોટી આફત આવશે તો તેઓ અહીં આવવા તૈયાર છે. .

એપોલો ટાયર્સના વાઇસ ચેરમેન અને એમડી નીરજ કંવર વિશે કહેવાયું હતું, જેઓ 2013માં લંડન ગયા હતા. 51 વર્ષીય કંવરે કહ્યું હતું કે જો હું ભારતમાં રહું તો મારી પાસે માત્ર એક જ ભારતીય કંપની હોત, જે માત્ર ભારતીય બજારને જ જોતી હતી. આજે જ્યારે ભારત મોંઘવારી અને તેલની કિંમતો પર પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે યુરોપ પણ પડકારોનો સામનો કરી રહ્યું છે, પરંતુ કંપની માટે મોટો નફાનો પૂલ આવ્યો છે. એ જ રીતે આઇશર મોટર્સના એમડી અને સીઇઓ સિદ્ધાર્થ લાલ 2015માં લંડન શિફ્ટ થયા હતા. હીરો સાયકલ્સના ચેરમેન અને એમડી પંકજ મુંજાલ પણ યુરોપિયન ઈ-બાઈક માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વર્ષમાં નવ મહિના લંડનમાં વિતાવે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા લંડન અને પુણે વચ્ચે મુસાફરી કરવાનું ચાલુ રાખે છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનું નામ પણ સામેલ છે, જેઓ પોતાનો મોટાભાગનો સમય વિદેશમાં વિતાવવા માટે જાણીતા છે.

તાજેતરમાં, હેનલી ગ્લોબલ સિટીઝનના સર્વેક્ષણ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવા ટેક ઉદ્યોગસાહસિકો વૈશ્વિક વ્યાપાર તરફ આકર્ષાઈને વધુ સારી રોકાણની તકો શોધી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાંથી સુપર રિચ ગણાતા 8000 ભારતીયો દેશમાંથી સ્થળાંતર કરી શકે છે. સર્વે અનુસાર, વર્ષ 2022માં ભારતમાંથી અમીર ગણાતા કરોડપતિઓ દેશમાંથી કડક ટેક્સ અને પાસપોર્ટ નિયમોને કારણે આમ કરી શકે છે. રશિયા અને ચીન પછી આ સંખ્યા વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી વધુ છે.

રિપોર્ટ અનુસાર વિશ્વના મોટા ભાગના અમીરો સંયુક્ત આરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં આવી રહ્યા છે. એક રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો, 2015 થી 2021 સુધીમાં ભારતની કુલ 130 કરોડની વસ્તીમાંથી 9 લાખથી વધુ લોકોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. જો કે આ એક નાની ટકાવારી છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આ સંખ્યા દર વર્ષે વધી રહી છે. હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા રેન્કિંગ અનુસાર, સિંગાપોર અને યુએઈ હાલમાં શ્રીમંત સાહસિકો માટે શ્રેષ્ઠ વિકલ્પો છે. ભારત સરકારના ડેટા અનુસાર, વિદેશી નાગરિકતા મેળવવા માંગતા ભારતીયો માટે યુએસ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા ટોચના સ્થળો છે.

 32 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved