February 1, 2023
February 1, 2023

ટચુકડા દેશની હિંમત તો જુઓ…દરિયામાં શહેર…!

એક બંગલા બને ન્યારા ઔર વો ભી સમંદર મેં…! ચલ, દરિયામાં રહેવા જઇએ..!

દરિયામાં માટીનું પુરાણ કરીને બનાવશે નવી જમીન…

35 હજારની વસ્તી રહેશે લિનેટહોમ નામના નવા શહેરમાં..

ગુજરાતના દરિયામાં કલ્પસર યોજના ક્યારે આકાર લેશે..?

ડેનમાર્કની ડેરીંગને ડમ ડમ ડિગા ડિગા…! સલામ..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ઇશ્વરની સહાયતા, પ્રજાનો પ્રેમ, ડેનમાર્કની શક્તિ. આ છે દુનિયાના સૌથી ઓછા ભ્રષ્ટ દેશોની યાદીમાં જેનો સમાવેશ થાય છે, એ સ્કેન્ડેવિયન દેશ ડેનમાર્કનો રાષ્ટ્રમંત્ર. વૈશ્વિક શાંતિ ધરાવતા દેશોની યાદીમાં ડેનમાર્ક બીજા નંબરે છે. પહેલા નંબરે આઇસલેન્ડ નામનો દેશ છે. ડેનમાર્કની રાજધાની કોપનહેગન રહેવા માટે વિશ્વના સૌથી સારા શહેરોમાં સ્થાન ધરાવે છે.

ડેનમાર્ક ઉત્તરિય યુરોપમાં છે અને સંખ્યાબંધ ટાપુઓનો દેશ બનેલો છે. ગુજરાત પાસે 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો છે ,તો ડેનમાર્કની કુલ દરિયાઇ સીમા 7,314 કિ.મી. છે. દરિયાની સપાટીથી આ દેશ ઉંચાઇ પર આવેલો છે અને આ દેશમાં દરિયાની સપાટીથી સૌથી ઉંચાઇ વાળું સ્થળ 170 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. તેનું કુલ ક્ષેત્રફળ 42,933 ચોરસ કિ.મી. છે. તેની કુલ વસ્તી 2019માં 58.1 લાખ હતી. એમ કહી શકાય કે, તેની વસ્તી અમદાવાદ જેટલી કહી શકાય. ઇસ્ટ ઇન્ડિયા કંપની બાદ ડેનિશ ટલે કે ડેનમાર્કની કંપનીએ પણ ભારતમાં નશીબ અજમાવ્યું હતું. સને 1616માં ભારતમાં ડેનિશ કંપનીનું ભારત આગમન થયું હતું. પણ સફળ ન થતાં પોતાનો કારોબાર અને વસાહતો અંગ્રેજોને સોંપીને જતાં રહ્યાં હતા.

ડેનમાર્કના ઇતિહાસ અને ભૂગોળની વાત એટલા માટે છે કે, આ એક નાનકડો અને અસંખ્ય ટાપુઓનો બનેલો દેશ દરિયામાં એક નવુ શહેર વસાવવા જઇ રહ્યું છે..! યસ, દરિયામાં એક નવુ શહેર કે જ્યાં 35 હજારની વસ્તી રહી શકે અને તેમને જમીન પરની વસ્તીને મળતી તમામ સુખ સુવિધા મળશે. કઇ રીતે વસાવશે નવુ શહેર..? દરિયામાં કરોડો ટન માટી ઠાલવીને એક નવું શહેર વસાવવા જઈ રહ્યું છે. કુલ 80 મિલિયન ટન માટી દરિયામાં એક સ્થળે ઠાલવીને દરિયામાં જમીન બનાવવામાં આવશે અને તેના ઉપર બનશે નવું આધુનિક સુખ સુવિધાયુક્ત નયા શહેર…નયા જમાના…નઈ જમીન ઔર આસમાં તો વોહી નીલા આસમાં..!! આ નવા શહેરના ઘરની છત પર કોફી પીતા પીતા રાતના સમયે પ્રેમી પંખીડા ગુનગુનાયેંગે- નીલા આસમાં સો ગયા…!

ડેનમાર્ક દેશની સંસદે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ નવા શહેરમાં 35,000 લોકોને રહેવા માટે ઘર મળી શકશે અને આધુનિક શહેર તરીકે આ શહેરમાં તમામ સુવિધાઓ મળશે ડેનમાર્કની રાજધાની. કોપેનહેગન બંદરને દરિયાના વધી રહેલા જળ સ્તરથી બચાવવા માટે આ કૃત્રિમ ટાપુનું નિર્માણ કરવામાં આવશે. બંદરની આસપાસ દરિયાની સપાટી વધી રહી છે અને ભવિષ્યમાં બંદર ડૂબી ના જાય તે માટે આ ટાપુની સાથે નવા શહેરની ફરતે ડેમ પણ બનાવવામાં આવશે.

દરિયો અને ડેમના ઉલ્લેખથી ગુજરાતને યાદ આવે છે કે, 1995માં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે ખંભાતના અખાતમાં 30 કિ.મી. લાંબો ડેમ બાંધીને દરિયાનું ખારૂ પાણી ખસેડીને મીઠા પાણીનું સરોવર બનાવવાની કલ્પસર યોજના જાહેર કરી હતી. ડેમ દ્વારા ઘોઘા અને દહેજ એમ બે શહેરોને જોડવા ડેમ પર સરસ મજાનો હાઇવે પણ બનાવવાનું આયોજન છે. યોજનાને અમલમાં મૂકવા પર્યાવરણ સહિતના અનેક પ્રકારના અભ્યાસો ચાલી રહ્યાં છે. તે પછી ડીપીઆર બનશે અને પછી વાસ્તવિક યોજનાનો અમલ શરૂ થશે.કેશુભાઇ આજે હયાત નથી. તેથી ભવિષ્યમાં કલ્પસર યોજનાનો ડેમ બને તો તેને સરદાર સરોવર ડેમની જેમ કેશુભાઇ પટેલ સરોવર ડેમ એવુ નામ આપી શકાય. આ યોજનાનો ખર્ચ હાલમાં 90 હજાર કરોડ થવા જાય છે. નર્મદા યોજના મૂળ 6 હજાર કરોડની હતી. 55 હજાર કરોડ ખર્ચાઇ ગયા છે અને હજુ કેનાલ નેટવર્કનું કામ ચાલી રહ્યું છે.

ડેનમાર્ક જેવા સાધનસંપન્ન દેશને, ચલો આજ કુછ તુફાની કરતે હૈ…ની જેમ દરિયો પુરીને શહેર બનાવવાના આવા નવા નવા પ્રયોગો પોષાય. ભારતને અને ગુજરાતને નહીં. ગુજરાત પાસે 1600 કિ.મી. લાંબો દરિયો છે અને છેક હમણાં દરિયાના ખારા પાણીમાંથી શુધ્ધ મીઠુ પાણી બનાવવા જનભાગીદારી હેઠળ પ્રોજેક્ટ આપવામાં આવ્યાં છે. જામનગરમાં તો રિલાયન્સ શરૂઆતથી જ રિફાઇનરી માટે દરિયાનું પાણી શુધ્ધ કરીને વાપરી રહ્યું છે.

દરિયાની વચ્ચે નવુ શહેર…ચારે બાજુ પાણી જ પાણી…અવર જવર માટે મોટરકારની જેમ હોડી કે બોટ હશે. એક નજર….

લિનેટહોમ નામના આ વિશાળ દ્વીપને રિંગ રોડ, ટનલ અને મેટ્રો લાઈન દ્વારા ડેનમાર્કની રાજધાની કોપેનહેગન સાથે જોડવામાં આવશે.તેનો આકાર એક વર્ગ મીલ એટલે કે 2.6 વર્ગ કિમી હશે. જો બધું સમુસુતરૂ પાર પડશે તો વર્ષના અંત સુધીમાં આ પરિયોજનાનું કામ શરૂ કરી દેવામાં આવશે.

ડેનમાર્ક ખાતે બની રહેલા આ નવા દ્વીપની ચારે બાજુ બંધ એટલે કે ડેમ બનાવવામાં આવશે .જેથી દરિયામાં વધતા જળ સ્તર અને તોફાની લહેરોથી બંદરની સુરક્ષા કરી શકાય. જો સમયસર આ પરિયોજનાનું કામ ચાલુ થઈ જશે તો વર્ષ 2035 સુધીમાં તેના પાયાનો મોટા ભાગનો હિસ્સો તૈયાર થઈ જશે અને 2070 સુધીમાં તેનું નિર્માણ કાર્ય પૂરૂ થશે તેવી આશા છે. ( બાય ધ વે, 2070માં ભારત ક્યાં હશે…?!)

જોકે ,કેટલાક પર્યાવરણ જૂથોએ યુરોપિય ન્યાયાલય (ઈસીજે) સમક્ષ આ ટાપુના નિર્માણને લઈ અરજી કરી છે. તેમના મતે જો આ પરિયોજના પર કામ ચાલુ થશે તો તેના માટે કાચો માલ પહોંચાડનારા દરરોજ આશરે 350 ટ્રક કોપેનહેગનમાંથી પસાર થશે. આ કારણે શહેરના રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધશે અને પ્રદૂષણ પણ વધશે.સમુદ્રમાં શરૂ થનારી આ પ્રોજેક્ટ અંગે પર્યાવરણવિદોનો અલગ મત છે. તેઓ તેના બાંધકામની સંભવિત અસર વિશે ચિંતિત છે.

આધુનિક સુવિધાયુક્ત શહેરની જેમ જ દરિયાના આ નવા શહેરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. કૃત્રિમ ટાપુ કોપનહેગન બંદરને વધતા દરિયાના સ્તરથી બચાવવા માટે બનાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત ડેનમાર્કમાં બનાવવામાં આવતા આ નવા ટાપુની આસપાસ એક ડેમ બનાવવામાં આવશે.જેથી બંદરને વધતા દરિયાઈ સપાટી અને દરિયાઇ તોફાનના પ્રવાહથી બચાવવામાં આવશે. હમણાં ફૂંકાયેલા તૌક્તે અને યાસ દરિયાઇ વાવાઝોડા યાદ છે ને..?!

આ ટાપુનું કદ લગભગ 400 ફૂટબોલના મેદાન સમાવી શકાય એટલુ ક્ષેત્રફળ છે, જેને આશરે 80 મિલિયન ટન માટીની જરૂર પડશે. એક મિલિયન એટલે 10 લાખ. 80 મિલિયન એટલે 800 લાખ એટલે 800 લાખ ટન માટી જમીનમાંથી ખોદીને દરિયામાં ઠલવાશે. 2035 સુધી દરિયામાં નવો ટાપુ અને જમીન તૈયાર થશે અને પછી તેના પર નવા મકાનો….ઘરનું ઘર…એક બંગલા બને ન્યારા…ઇસ શહર મેં હર શખ્સ પરેશાન સા ક્યોં હૈ….એવા ગીતો ત્યાં સાંભળવા નહીં મળે…નવા શહેરમાં બસ મોજ મજા અને મસ્તી…એન્જોય….!!

ડેનમાર્ક.દેશના ઇતિહાસમાં આ સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ છે માટી અને અન્ય માલ મટીરીયલ લઇ જનાર મોટા ટ્રકો અવાજ ન કરે, હજારો ટ્રકોના ધૂમાડાથી વાયુ પ્રદૂષણ ના ફેલાય તે માટે ઇલેક્ટ્રિક ટ્રકોનો ઉપયોગ કરાશે. પર્યાવરણવાદીઓ ખુશ અને કલાઇમેટ ચેન્જની ચિતા કરનારાઓને પણ કંઇક સંતોષ થશે…!! કેમ કે પર્યાવરણવિદો માને છે કે આ નવા અને કૃત્રિમ ટાપુની રચનાથી સમુદ્રની ઇકોસિસ્ટમ્સ અને પાણીની ગુણવત્તા પર અસર પડી શકે છે.

દરિયાની વચ્ચે માટી નાંખીને ભવિષ્યમાં બનનારા નવા આધુનિક શહેરમા રહેનાર એ 35 હજારની વસ્તીવાળા કોણ અને કેટલા ભાગ્યશાળી હશે.. નહીં…! ભારતના ભાગેડુઓ માટે એક નવુ સ્થળ…ડમ ડમ ડોમિનિકા…લમ..લમ.. લિનેટહોમ…ભૂમિપૂજન…અરે અહીં તો ભૂમિ જ નથી..સોરી, .પાણીપૂજન કરતાં પહેલા ડેનમાર્કવાળાઓએ દરિયાલાલની પૂજા કરવી જોઇએ…કારણ કે દરિયો તો દરિયો છે…ક્યારે મૂડ બદલ જાય કહ નહીં સકતે..દરિયો વિફરે તો સબકુછ ખા…..મો……..શ……!

 224 ,  3 

Gujarat Vandan © 2021, All Rights Reserved