રાણા દંપતીને કોર્ટે શરતી જામીન આપ્યા
મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ બે નામ ખુબ ચર્ચામાં છે. એક તો એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે અને બીજુ નામ છે અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા. હનુમાન ચાલીસા વિવાદને લઈને જેલમાં બંધ નવનીત રાણા અને તેમના પતિના મુંબઈની સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે. જો કે તે પહેલા એક મોટા અપડેટ આવ્યા હતા કે નવનીત રાણાને મુંબઈની ભાયખલ્લા જેલથી જેજે હોસ્પિટલ લઈ જવાયા છે.
અત્રે જણાવવાનું કે સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ 23 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો હતો. જો કે હંગામો વધી જતા રાણા દંપત્તિએ પોતાનો કાર્યક્રમ પડતો મૂક્યો હતો.
વિવાદ બાદ મુંબઈ પોલીસે તેમના વિરુદ્ધ કેસ એફઆઈઆર દાખલ કરી અને તેમા રાજદ્રોહનો આરોપ પણ ઉમેર્યો. બંનેની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા અને પછી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા. રવિ રાણાને પહેલા આર્થર રોડ જેલ મોકલવામાં આવ્યા પણ જગ્યા ન હોવાથી નવી મુંબઈની તલોજા જેલ મોકલી દેવાયા હતા. પરંતુ હવે તેમનો જામીન પર છૂટકારો થવા પામ્યો છે.
જામીન અંગે ચુકાદો આવ્યો તે પહેલા એક મોટા અપડેટ આવ્યા. નવનીત રાણાને મુંબઈની ભાયખલ્લા જેલથી જેજે હોસ્પિટલ લઈ જવાયા છે. મુંબઈ પોલીસ નવનીત રાણાને લઈને જેજે હોસ્પિટલ પહોંચી છે. જ્યાં તેમનો સીટી સ્કેન કરાવવામાં આવશે. નવનીતના સ્વાસ્થ્ય અંગે જેલ પ્રશાસનને લખેલા પત્રમાં તેમના વકીલ રિઝવાન મર્ચન્ટે કહ્યું હતું કે નવનીત રાણા સ્પોન્ડિલોસિસથી પીડાઈ રહ્યા છે અને તેમના સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી નથી. પત્રમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે લાંબા સમય સુધી નવનીત રાણાને જમીન પર બેસવા માટે અને સૂવા માટે મજબૂર કરાયા. આવામાં તેમને સ્પોન્ડિલોસિસનો દુખાવો વધી ગયો છે. સીટી સ્કેન વગર આગળની સારવાર થઈ શકે તેમ નથી. નોંધનીય છે કે રાણાના વકીલે દાવો કર્યો હતો કે તેમના અસીલને જેલમાં યોગ્ય સારવાર મળી રહી નથી. તેમણે ભાઈખલ્લા જેલના સુપ્રિટેન્ડેન્ટને પત્ર લખ્યો હતો.
78 , 1