November 29, 2022
November 29, 2022

હિન્દુત્વ : બહોળા પરિપ્રેક્ષ્યમાં…

પુસ્તક પરિચય

  • રિપલકુમાર પરીખ

“હિન્દુત્વ” આ શબ્દ વાંચતા કે સાંભળતાં જ ઘણા ખરા લોકો, એમાં હિન્દુઓ પણ સામેલ છે, તેમનું નાકનું ટેરવું ચઢી જતું હોય છે. પોતાને ધમૅનિરપેક્ષ બતાવવાની હોડમાં તેઓ પોતાનો રાષ્ટ્રધમૅ પણ ભુલી જાય છે, તે ખુબ જ દુ:ખદ બાબત છે. તેમાં કદાચ આપણને મળેલું શિક્ષણ અને તેમાં સમાવેશ કરેલો અભ્યાસક્રમ પણ જવાબદાર હોઈ શકે છે. પરંતુ હવે જો આપણને આપણો સાચો રાષ્ટ્રધમૅ જાણવો હોય તો, શું કરી શકાય? આપણને સાચી “ હિન્દુત્વ “ ની વ્યાખ્યા કોણ કરી આપશે? કે જેમાં “સમરસ હિંદુ” પણ હોય અને “સામર્થ્યવાન હિન્દુ” પણ હોય. બસ, આવા જ ઉમદા હેતુથી હમણાં જ થોડા સમય પહેલાં “ભારતીય વિચાર મંચ” અમદાવાદ દ્વારા, એક પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું, “હિન્દુત્વ : વિભિન્ન પાસાં સરળતાથી”. પ્રકાશક અહીં જણાવે છે કે, “આ પુસ્તિકા વૈચારિક જગતમાં ચાલી રહેલા અનેક તર્ક- વિતર્કની વચ્ચે એક ભારતીય દ્રષ્ટિકોણ રજૂ કરનાર બની રહેશે. આ પુસ્તિકામાં હિન્દુત્વની સરળ વ્યાખ્યાથી માંડીને તેની સંપૂર્ણ યાત્રા જેમાં પ્રાચીન કાળથી માંડીને આજ દિન સુધીની બાબતોનો સમાવેશ લેખક દ્વારા કરવામાં આવ્યો છે. જે સ્પષ્ટરીતે આગામી દસકો હિન્દુત્વનો હોય તેવું સાબિત કરે છે. આ પુસ્તિકા માત્ર શ્રધ્ધાભાવથી તથ્યહિન વાતો કરનારી નથી પરંતુ તેમાં પુરા તર્ક અને સંદર્ભો સાથેની માહિતી આપની સમક્ષ રજૂ કરવામાં આવી છે.”

મૂળ આ પુસ્તિકા હિન્દીમાં લખાયેલી છે, જેનો ગુજરાતીમાં અનુવાદ કરીને આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકના રચયિતા છે પ્રસિદ્ધ લેખક શ્રી પ્રશાંત પોળ, જેઓ વૈચારિક ક્ષેત્રમાં એક ખ્યાતિપ્રાપ્ત વિચારક પણ છે. જેઓ પાછલાં અનેક વર્ષોથી આ ક્ષેત્રમાં ભારતીય દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. શ્રી પ્રશાંત પોળના અનેક પુસ્તકો વાચકો દ્વારા આદર પામ્યા છે અને ભાષાની મર્યાદા ઓળંગી અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી જેવી ભાષાઓના વાચકો સુધી પહોંચ્યા છે. આ પુસ્તિકાનો ગુજરાતીમાં સરળ અનુવાદ શ્રી શ્રીકાંત કાટદરે કર્યો છે.

હિન્દુત્વની સરળ વ્યાખ્યા શું હોય? તો, સાવરકરજી એ આપેલી “હિન્દુ”ની સરળ વ્યાખ્યા મુજબ “સિન્ધુ નદીથી માંડીને હિન્દ મહાસાગર સુધી પ્રસરેલી ભૂમિને જે માણસ પોતાની પિતૃભૂમિ ( પૂર્વજોની ભૂમિ ) અને પૂણ્યભૂમિ માને છે, તે હિન્દુ છે. અર્થાત્. કોઈ પણ મતપંથને માનનારી અને સાથે સાથે આ દેશને પોતાનો માનનારી વ્યક્તિ હિન્દુ છે….‌.!” આગળ લેખક લખે છે, “આપ આસ્તિક છો, તો હિન્દુ છો, આપ નાસ્તિક છો, તો પણ હિન્દુ છો. અર્થાત્ હિન્દુત્વ એ ધર્મ છે જ નહીં. કારણકે આપણે જેને ધમૅ કહીએ છીએ, તે અંગ્રેજી religion કરતાં સાવ ભિન્ન ( જુદો ) છે. તે હિન્દુત્વ તો આપણી જીવનશૈલી છે.”

આ પુસ્તિકામાં હિન્દુત્વના ઈતિહાસની અનેક વાતો જેમકે, વણૅવ્યવસ્થા, ભારત પર વિદેશી આક્રમણખોરોને કેવી રીતે હરાવવામાં આવ્યા,, વેદોમાં કરેલું રાષ્ટ્રપ્રેમનું વણૅન, કોરોના કાળમાં આયુર્વેદ અને યોગનું મહત્વ ઉપરાંત આ નાની પુસ્તિકામાં આપણા અલભ્ય જ્ઞાનના ખજાનાનું આધારભૂત સંદર્ભ ગ્રંથોમાંથી અદ્ભૂત સાહિત્ય પીસરવામાં આવ્યું છે. જેનો લાભ દરેક રાષ્ટ્રપ્રેમી એ લેવો જ રહ્યો.

રાષ્ટ્રમંત્ર

“હું મારી માતૃભૂમિ માટે બધા પ્રકારના કષ્ટો વેઠવા તૈયાર છું. હું બધી જ દિશાઓમાં વિજય પ્રાપ્ત કરીશ‌. મારી માતૃભૂમિના હિતમાં જ હું બોલીશ. જે કાંઈ કરવું છે, તે મારી માતૃભૂમિના વૈભવ માટે જ કરીશ. અમને દીર્ઘાયુષ્ય મળે. અમને સારું જ્ઞાન મળે અને આવશ્યકતા પડે ત્યારે માતૃભૂમિ માટે અમે બલિદાન પણ કરીએ.”
– અથર્વવેદ.

 109 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved