હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવનો શરૂ થતાં અસહ્ય તાપ પડી રહ્યો છે. એવામાં હજુ પણ આગામી દિવસોમાં ગરમીથી રાહતના કોઈ અણસાર મળતા દેખાઈ રહ્યા નથી. અમદાવાદમાં આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે, આ દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારબાદ બે દિવસ ઓરેન્જ એલર્ટ અને 4 મેના રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં 45 ડિગ્રીએ પહોંચશે તાપમાન
હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં 30 એપ્રિલ અને 1લી જૂનના રોજ શહેરનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી કે તેથી પણ ઉપર પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન પણ વધીને 27 ડિગ્રી સુધી રહેશે. જ્યારે 2 અને 3 મેના રોજ અનુક્રમે 44 તથા 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જ્યારે 4મેના રોજ 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે.
અમદાવાદની સાથે આ જિલ્લાઓમાં પણ હિટવેવની વોર્નિંગ
હવામાન વિભાગે અમદાવાદની સાથે સાથે, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી તથા કચ્છ જિલ્લાઓમાં પણ બે દિવસ હિટવેવ રહેવાની આગાહી કરી છે.
એપ્રિલમાં ગરમીનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
હિટવેવના પ્રારંભ સાથે જ શહેરમાં એપ્રિલમાં ગરમીનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગુરુવારે સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પહેલી વખત એવું બન્યું છે કે, એપ્રિલમાં ગરમીનો પારો ત્રીજી વખત 44 ડિગ્રીને વટાવી ગયો છે. અગાઉ 8 એપ્રિલે 44 ડિગ્રી, 27 એપ્રિલે 44.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સમગ્ર એપ્રિલમાં માત્ર એક દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઓછો નોંધાયો છે.
78 , 1