September 25, 2022
September 25, 2022

મિશન 2022 : ગુજરાતમાં કોંગ્રેસ પણ ચૂંટણી પહેલા આપની જેમ ‘મુરતિયા’ જાહેર કરશે

હવે કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીના માર્ગે….

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપ દ્વારા મતદારોને રિઝવવા સરકાર એક પછી એક નિર્ણયો લઈ રહી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા જોરજોરથી પ્રચાર શરૂ કરી દેવાયો છે અને રાજ્યની 10 બેઠકો પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસમાં કકળાટ વધી રહ્યો છે. સતત 40 વર્ષ કોંગ્રેસની સાથે રહેલા નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. હવે કોંગ્રેસે ચૂંટણી માટે તૈયારી શરૂ કરી છે. આમ આદમી પાર્ટીની જેમ કોંગ્રેસ પણ શહેરોમાં જે સીટ પર પરાજય થયો હોય ત્યાં ઉમેદવારોના નામ વહેલા જાહેર કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાની હાજરીમાં કોંગ્રેસના લોકસભાના પ્રભારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ સતત હારતી હોય તેવી બેઠકો પર ઝડપથી ઉમેદવારો જાહેર થાય તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવારોના નામ મુદ્દે બેઠકમાં કોઈ ચર્ચા થઈ નહતી. આ બેઠકમાં ગાયોના મોત, લઠ્ઠાકાંડ, મોંઘવારી સહિતના મુદ્દે આગામી દિવસોમાં આંદોલનના કાર્યક્રમો ઘડવા, ચાર ઝોનમાં યાત્રા પણ શરૂ કરવાની ચર્ચાઓ કરાવામાં આવી હતી.

આ ઉપરાંત ચૂંટણી ઢંઢેરામાં શું હોવું જોઈએ તે માટે બે હજાર બેઠકોનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. 125 બેઠકના ટાર્ગેટ સાથે બુથ પર ફોકસ કરવા તાકીદ કરાઈ છે. આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસે 26 લોકસભા બેઠક દીઠ નીમેલા 37 નિરીક્ષકો, પ્રદેશના નેતાઓ, ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં નિરીક્ષકોને તાલુકા, જિલ્લાના આગેવાનો સાથે બેઠકો યોજી સ્થાનિક સ્તરનો અહેવાલ આપવા તાકીદ કરાઈ હતી. પક્ષમાં અંદરો અંદરની ટાંટિયાખેંચથી પર રહી એકીસાથે ચૂંટણીના કામમાં લાગી જવા કાર્યકરોને તાકીદ કરાઈ છે. લોકસભાના ઈન્ચાર્જ સાત વિધાનસભા બેઠકો પર પ્રવાસ કરશે, દરેક બેઠકનો અલગ ઢંઢેરો હશે. ઉમેદવાર જાહેર થાય તે પછી કકળાટ થાય તો ડેમેજ કંટ્રોલની જવાબદારી ઓબ્ઝર્વરની રહેશે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved