આરોપી સોશિયલ મીડિયા પર તંત્રવિદ્યાના વિડિયો પોસ્ટ કરતો હતો
પોતાની સગી બહેનના નવ વર્ષના દીકરા માટે માનવબલિ આપવાનો તંત્રવિદ્યાનો ખોટો ઢોંગ કરીને તેની સાથે ગેરવર્તન કરનાર હાઈ-ટેક ઢોંગી બાબાની થાણેની ચિતલસર પોલીસે ધરપકડ કરી છે. આરોપી સોશ્યલ મીડિયા પર તંત્રવિદ્યાના વિડિયો પોસ્ટ કરતો હતો એટલે ઘણા લોકો તેની જાળમાં ફસાઈ જતા હતા. એ પછી તે તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી ભૂતપ્રેત ભગાવવાના નામે કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ચિતલસર પોલીસને ૧૩ માર્ચે એક મહિલાની ફરિયાદ મળી હતી જેમાં તેના સગા ભાઈએ એટલે કે આરોપી કુલદીપ નિકમે તેને કહ્યું હતું કે તારા નવ વર્ષના દીકરા પર ખરાબ આત્માનો પડછાયો પડ્યો છે અને એ તું કઢાવીશ નહીં તો તારો દીકરો મોટો થઈને ચોર બનશે. આત્માને કાઢવા માટે તેને પુણે લઈ જઈને માનવબલિ આપવો પડશે એમ કહેતાં મહિલા પોતાના દીકરાના ઇલાજ માટે તૈયાર થઈ ગઈ હતી. એ પછી આરોપીએ તેના નવ વર્ષના દીકરાને પુણેમાં લઈ જઈને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ મહિલાને પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં તેણે ચિતલસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચિતલસર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઍન્ડ ઇરેડિકેશન ઑફ હ્યુમન સેક્રિફાઇઝ ઍન્ડ અધર ઇનહ્યુમન ઇવિલ ઍન્ડ અઘોરી પ્રેક્ટિસિસ ઍન્ડ બ્લૅક મેજિક ઍક્ટ,૨૦૧૩ હેઠળ ગુનો નોંધ્યો હતો. એ પછી અમે આરોપી કુલદીપ નિકમની ધરપકડ કરી હતી. તેના ઘરની અને ઑફિસની તપાસ કરતાં અમને ૩૯ સીસીટીવી કૅમેરા, ચાર ડ્રોન કૅમેરા, મોંઘાં લૅપટૉપ, ઑડિયો કન્ટ્રોલ મશીન જેવો અનેક ઇલેક્ટ્રૉનિક સામાન મળી આવ્યો હતો. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતંર કે આરોપી કુલદીપની દત્ત પ્રબોધિની નામની સંસ્થા હતી જેમાં બ્લૅક મૅજિકનો ઉકેલ લાવવા માટે કેટલાક લોકો સાથે તેણે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઉપરાંત આરોપીની એક પૅરાનૉર્મલ રેસ્ક્યુ સોસાયટી નામની યુ-ટ્યુબ ચૅનલ છે જેના દોઢ લાખ કરતાં વધુ સબસ્ક્રાઇબર્સ છે. એ ચૅનલ પર તે ભૂતપ્રેતને ભગાવવા માટેના વિડિયો પોસ્ટ કરતો હતો. એ વિડિયો જોઈ લોકો તેની જાળમાં ફસાઈ જતા હતા. આરોપી પાસે આઠ મોંઘીદાટ કાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આ કેસમાં અમે કિશોર નવલે અને રમીલા શિંદે નામની મહિલાની પણ ધરપકડ કરી છે. મુખ્ય આરોપી કુલદીપની ધરપકડ કર્યા પછી અમારી પાસે અનેક લોકો ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે.’
થાણે ઝોન પાંચના ડેપ્યુટી પોલીસ કમિશનર વિનયકુમાર રાઠોડે કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર તેનો વિડિયો જોઈને સંપર્ક કરનાર વ્યક્તિના ઘરે પહેલી વિઝિટ કરવાના મુખ્ય આરોપી ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા લેતો હતો. ઘરે ગયા બાદ તમારા ઘરે આત્માનો પડછાયો હોવાની ખોટી વાત કહીને એ આત્માને જોવા માટે તેના ઘરે ૩૦થી ૩૫ ડ્રોન કૅમેરા અને ઑડિયો કન્ટ્રોલ મશીન લગાડતો હતો. એના લાખો રૂપિયા તે લેતો હતો. આ બધું લગાડ્યા પછી તેના ઘરના વિડિયોમાં એડિટ કરીને ભૂત અને આત્મા દેખાડતો હતો. એ આત્મા કાઢવા માટે તે ફરિયાદી પાસેથી ફરી લાખો રૂપિયા પડાવતો હતો. આરોપીએ કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે એની તપાસ કરવામાં આવી રહી છે.’
જે લોકો સાથે આરોપીએ આ પ્રકારે છેતરપિંડી કરી હોય તેમને તરત ચિતલસર પોલીસ સ્ટેશન પર જઈને ફરિયાદ નોંધાવવાની વિનયકુમાર રાઠોડે અપીલ કરી હતી.
84 , 1