બાયડેનનું અરબ દેશોના નેતાઓ સાથેનું શિખર સંમેલન રદ, ગાઝામાં હોસ્પિટલ પર એટેકને લીધે લેવાયો નિર્ણય

- 18 Oct, 2023
ઈઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા હુમલાબાદ મધ્યપૂર્વમાં તણાવ આસમાને પહોંચી શકે છે. આ હુમલાએ ઈઝરાયલને તેની રક્ષાના અધિકાર માટે સમર્થન મેળવવા અમેરિકાના રાજદ્વારીઓ (USA) પ્રયાસોને પાટા પરથી ગબડાવી દીધા છે. દરમિયાન બાયડેનની (Joe Biden) અરબ દેશોના નેતાઓ સાથેની બેઠક રદ થવાને લઈને એક મોટા અહેવાલ આવી રહ્યા છે.
માહિતી અનુસાર અરબ દેશોના નેતાઓ સાથેના શિખર સંમેલનને રદ કરવાની જાહેરાત કરાઇ છે. બાયડેન ઈઝરાયલ પ્રત્યે સમર્થન અને એકજૂટતા વ્યક્ત કરવા માટે આજે તેલ અવીવ આવવાના છે. જોકે હવે આ હમલાને પગલે માહોલ બગડે તેવી શક્યતા છે. જોર્ડનના વિદેશમંત્રી અયમાન સફાદીએ જાહેરાત કરી હતી કે આજે અમ્માનમાં જોર્ડનના રાજા અબ્દુલ્લાહ, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સિસી અને પેલેસ્ટાઈનના ) રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસની અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન સાથે યોજાનાર બેઠક રદ કરાઈ છે. આ મામલે બાયડેને ટ્વિટ કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.
ગાઝાના અલ અહલી અરબ હોસ્પિટલ પર થયેલા ઘાતક હુમલા બાદથી સેંકડો લોકો માર્યા ગયાના અહેવાલ છે. હમાસ અને ઈઝરાયલે આ હુમલા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા. સાઉદી અરબ, યુએઈ, બહેરીન, જોર્ડન, ઈજિપ્ત અને તૂર્કીયેએ પણ ઈઝરાયલ પર ગાઝા શહેરમાં અલ અહલી અરબ હોસ્પિટલ પર બોમ્બમારો કરવાનો આરોપ મૂક્યો છે. જોકે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ આ હુમલા માટે હમાસના આતંકીઓ દ્વારા રોકેટ મિસફાયર થયાને જવાબદાર ગણાવ્યું છે.