ગુરુવારે ગુજરાતમાં CNG નહીં મળે: CNG પંપ એસોસીએશન દ્વારા હડતાલ ,કંપની અને ડીલર વચ્ચે કમિશન બાબતે મતભેદ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12062024_054619_adanigas1680921258964.webp)
- 12 Jun, 2024
સમગ્ર રાજ્યમાં આવતીકાલે CNG એસોસીએશન દ્વારા પંપ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, CNG પંપ અસોશિએશનની યોજાયેલી મિટિંગમાં આવતી કાલે એટલે કે 13 જુન 2024 સવારે 7 વાગ્યાથી લઈ 14 જુન 2024ના સવારના 7 વાગ્યા સુધી તમામ CNG પંપ બંધ રહેશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બંધનું એલાન યોગ્ય કમિશન ન મળવાને કારણે કરવામાં આવ્યું છે એવું ડીલર અસોશિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું .વધતી મોંઘવારીને પગલે બધીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, એવામાં CNG પંપ ડીલરો પણ એવી અપેક્ષા રાખે કે તેમના કમિશનમાં પણ વધારો થાય તો એમાં ખોટું શું છે??? હાલ બદલાતા સમયમાં મધ્યમવર્ગીય લોકો માટે પેટ્રોલ ડિઝલનું બેસ્ટ ઓપ્શન CNG બની ગયું છે.
તેથી દિવસેને દિવસે તેની વપરાશમાં વધારો જ નોંધાયો છે. અને એને પગલે ધીમે ધીમે CNGની માંગ પણ વધી રહી છે. હવે લોકો CNG ગાડી ખરીદવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે પરંતુ ઘણા સમયથી એવી પરિસ્થિતિ છે કે કંપની અને ડીલર વચ્ચે કોઈને કોઈ બાબતે મતભેદ ચાલુ જ છે.
ગેસની અન્ય કંપનીઓની સરખામણીએ અદાણી ગેસ ઓછું કમિશન આપતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને ડિલર્સ એસોસિએશને અદાણીના CNG પંપ તારીખ 13મી જૂનના દિવસે બંધ રાખવાનું નક્કી કર્યું છે. ગુજરાત ગેસમાં ડિલર્સને ટ્રેડ માર્જિન રૂપિયા 4.13 મળે છે. જ્યારે અદાણીના ગેસ પંપમાં ડિલર્સને ટ્રેડ માર્જિન રુપિયા 3.74 મળે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગેસની સરખામણીએ અદાણી ગેસનો ભાવ 2.71 રૂપિયા વધુ છે. ત્યારે માર્જિન ઓછું મળતું હોવાને કારણે ડિલર્સ એસોસિએશને બંધ પાળવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, 13મી જૂનના દિવસે એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ગાડીને CNG પૂરાવવાનું હશે તો તેમને ભરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
CNG એસોસીએશને જણાવ્યું કે અદાણી કંપનીમાં ઘણી છેલ્લી વખતથી કમિશન અને ભાવ બાબતે માંગણીઓ કરવા છતાં કંપનીએ કઈ જ જવાબ ન આપતા એસોશિએશન દ્વારા વિરોધ દર્શાવવા માટે એક દિવસની હડતાલનો નિર્ણય કર્યો છે. એક દિવસની હડતાલ બાદ 14 જુન 2024થી સવારના 7 વાગ્યાથી બધા પંપ ફરી રાબેતા મુજબ ચાલુ થશે. વધુમાં એવું જણાવવામાં આવ્યું છે કે કંપની શું નિર્ણય લેશે એના પર તેઓ આગળની રણનીતિ તૈયાર કરીશું.