અમદાવાદમાં કપડાનાં ગોડાઉનમાં ભયાનક આગઃ 12 વાગ્યા સુધીમાં પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી, 18 ફાયર બ્રિગેડની ગાડીઓ અને 70 કર્મચારીઓ ઘટના સ્થળે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan14062024_073333_1.jpeg)
- 14 Jun, 2024
અમદાવાદના દાણીલીમડાના ઢોર બજાર પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. ઢોર બજાર પાસે કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. આગની ઘટનાને પગલે સ્થળ પર અફરા તફરીનો માહોલ ફેલાયો છે. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂરથી જોઇ શકાતા હતા. હાલ ફાયરબ્રિગેડના 15 થી વાહનો સ્થળ પર પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી રહ્યા છે. પરંતું ધીરે-ધીરે આસપાસમાં અન્ય ગોડાઉન હોવાથી આગ તેમાં પણ પ્રસરી રહી છે.
સ્થાનિકો ઉપરાંત પોલીસ અને ફાયરબ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. પરંતું બે કલાક બાદ પણ આગ ઉપર હજી સંપૂર્ણ કાબૂ મેળવાયો નથી. દાણીલીમડાના કોર્પોરેટર પણ સ્થળ પર પહોંચ્યા છે. જેસીબી મશનની મદદથી ગોડાઉનની પાછળની દીવાલ તોડવાની શરૂઆત કરાઈ છે. દાણીલીમડામાં આવેલા ગોડાઉન કોહિનૂર ક્રીએશન પ્રાઇવેટ લિમિટેડમાં વહેલી સવારથી આગ લાગી હતી. ગોડાઉનમાં પતરાનો સેડ છે, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગની ઘટનાને પગલે સ્થળ પર અફરા તફરીનો માહોલ ફેલાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટેગોટા દુર-દુરથી જોઇ શકાય છે.
આગને ઓલવવા માટે 10 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પહોંચી છે અને આગને કાબુમાં લેવાની કોશિશ કરી રહ્યાં છે. સવારના આઠ વાગ્યાથી આગ લાગી છે. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતું બપોરે 12 વાગ્યા સુધીમાં પણ આ આગ કાબૂમાં આવી નથી. તેથી હવે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કાપડના ગોડાઉનની આસપાસ અનેક ગોડાઉન આવેલા છે. ત્યારે આસપાસમાં આવેલા કુલ સાત જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની 18 જેટલી ગાડીઓ હવે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતું ચાર કલાક બાદ પણ પ્રયત્નો ચાલુ છે. ફાયર બ્રિગેડનો 70 થી વધુ સ્ટાફ સ્થળ પર હાજર છે, અને આગ બૂઝવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આસપાસમાં અન્ય ગોડાઉનમાં પણ આગ પ્રસરી છે. આ વિશે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જે એન ખડિયાએ માહિતી આપતા જણાવ્યું કે ગોડાઉનની પાછળની તરફ આગ પ્રસરતા દીવાલ તોડાઈ છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ નજીકમાં આવેલા ઊંચાઈ વાળા સ્થળે પહોંચ્યો છે. બોઇલર અથવા અન્ય વસ્તુઓમાં બ્લાસ્ટ પણ થયા હોવાનું સામે આવ્યું છે. અમારી ટીમ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગમાં લાખોનો કાપડનો સમાન બાળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે કોઈ જાનહની થઈ નથી. આગ લાગતા જ આસપાસના લોકો સલામત સ્થળે ખસી ગયા હતા. સ્થાનિકોની આંખમા બળતરા થઈ રહી હોવાની પણ ફરીયાદ મળી છે.