મેઘરાજાએ કરી રાજ્યમાં જમાવટ : સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતના 17 જિલ્લાઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan15062024_125421_FB-43.webp)
- 15 Jun, 2024
ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. 15 જૂન 2024ના રોજથી આગામી 48 કલાકમાં ગુજરાતના 17 જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વધુમાં રાજ્યમાં ત્યારબાદ આગામી 7 દિવસ વરસાદી માહોલની શક્યતાઓ વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત થઇ ગઇ છે. મેઘરાજાએ રાજ્યમાં જમાવટ કરવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.
ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતના 17 જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.
રાજ્યના બીજા વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
આ ઉપરાંત આજથી 48 કલાક પુરા થયા બાદ એટલે 15-16 જૂનની આગાહી બાદ હવે 17, 18 અને 19 જૂન 2024 દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ યથાવત રહેવાની આગાહી કરાઈ છે. જેમાં નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ પછી તારીખ 18 અને 19 દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.