ભાજપના સાંસદનો જ ચોકાવનારો આરોપઃ દારુના ધંધા પેટે એલસીબી મહિને 35 લાખનો હપ્તો ઉધરાવે છેઃ વસાવા

- 12 Oct, 2023
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના કોલીવાડા ખાતે ‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્ર્મમાં ઉપસ્થિત ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમણે LCB પર આક્ષેપ લગાવ્યા છે કે , તે લાખો રુપિયાનો હપ્તો લઈને દારુનો ધંધો ચલાવે છે. તેમના આ નિવેદનથી ભારે ખળભળાટ મચી ગયો છે.
મનસુખ વસાવાના પોલીસ પર આક્ષેપ
ભાજપ સાંસદ મનસુખ વસાવા અવાર નવાર પોતાના જિલ્લાના વિવિધ પ્રશ્નો ઉઠાવતા રહે છે. ત્યારે આજે મનસુખ વસાવાએ પોતાના જિલ્લામાં ચાલતા દારુના ધંધાને લઈને LCB પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, નર્મદા જિલ્લાનું LCB ના અધિકારીઓ ઉપર રહીને આવા અડ્ડા ચલાવે છે. સોલિયામાં દર મહિને 35 લાખ રૂપિયા પોલીસ હપ્તો લે છે. ભાજપના કાર્યકરો દિવસ રાત મેહનત કરી વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને બીજા લોકો એના પર પથારી ફેરવી નાખે છે. ,આવા લોકોથી ડરવાનું નથી આપણે સત્યના માર્ગે ચાલવાનું છે.
રાજકીય પાર્ટીઓ બુટલેગરોને પોતાનામાં જોડી દીધા
વધુમાં તેમણે કહ્યું કે, ચિત્રોલ-મયાસીમાં ભુતકાળમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો, અને હાલમાં પણ ત્યાં મોટા પાયે દારૂનો ધંધો ચાલું થઈ ગયો છે. આ તિલકવાડામાં કેટલીક રાજકીય પાર્ટીઓએ બુટલેગરોને પોતાનામાં જોડી દીધા છે. આવા લોકોને પણ ખુલ્લા પાડવા પડે. ચિકદામાં આંકડા-જુગારના ધંધામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે.
યુવાધનને નુકસાન
વધુમાં તેમણે કહ્યું કે, ડેડીયાપાડાના સોલીયામાં બુટલેગરો ફાટી નીકળ્યા છે, તે રોકવું પડે નહીંતર તે લોકો યુવાપેઢીને બરબાદ કરી નાખે. સમાજને નુકસાન પહોંચાડ રહ્યા છે. યુવાપેઢીને બરબાદ કરી રહ્યા છે. એક બાજુ દેશના પ્રધાનમંત્રી એમ કહેતા હોય મારે સમુદ્ધ ભારત બનાવવું છે. યુવા ભારત બનાવવું છે યુવાનોના હાથમાં ભારત સોંપવાની વાત કરે છે. ત્યારે યુવાનોને આવા દારુ પીવડાવવામાં અનેક વખત પકડાઈ જાય છે તે પણ સુધરતા નથી.
નેતાઓ સ્ટાર બેન્ડ બોલાવી લોકોને દારૂ પીવડાવી નચાવે છે
વધુમાં તેમણે કહ્યું કે, કેટલાંક નેતાઓ સ્ટાર બેન્ડ બોલાવી લોકોને દારૂ પીવડાવી આખી આખી રાત નચાવે છે, એમની આ નીતિ છે ? તમે સમાજ સેવક છો ધારાસભ્ય છો. યુવાનોમાં પડેલી શક્તિને શિક્ષણ તરફ ડાયવર્ટ કરીએ તેને રોજગાર તરફ વાળીએ તો દેશનું ભલુ થાય.