September 28, 2022
September 28, 2022

અમદાવાદમાં ઘરની બહાર બાઇક પંચર કરાવવા ઉભેલા યુવક પર જર્જરિત મકાનનો ભાગ પડતા ઘટનાસ્થળે મોત

કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળની ઘટના

કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળમાં આવેલા કસુંબાવાડના એક મકાનનો ભાગ ધરાશાયી થતા કાટમાળ ત્યાં નીચે ઉભેલા યુવક પર પડ્યો હતો. માથામાં ગંભીર ઇજાઓ થતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નજીકમાં ઉભેલા એક યુવક પર પણ કાટમાળ પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મકાન જર્જરિત હાલતમાં હતું અને અગાઉ નોટિસ આપવામાં આવી છે. વાંદરાઓને કારણે જર્જરિત મકાનનો ભાગ ત્રીજા માળેથી નીચે પડ્યો અને એકના એક દીકરાનું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

યુવક બહાર ઉભો હતો ને મકાનનો ભાગ નીચે પડ્યો
કાલુપુર વિસ્તારમાં આવેલા દોશીવાડાની પોળમાં આવેલા એક મકાન બહાર પ્રતીક શાહ નામનો યુવક અને તેના પિતા બહાર ઉભા હતા. પ્રતીકનું બાઇક પંચર હતું જેથી બહાર ઉભો હતો. ત્યારે ત્રીજા માળેથી જર્જરિત ભાગ નીચે પડ્યો હતો. જેનો મોટો ભાગ સીધો પ્રતિકના માથા પર પડ્યો હતો. તેની સાથે ઉભેલો એક યુવક પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પ્રતિકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ પ્રતિકના હજી આ વર્ષે જ લગ્ન થયા હતા અને શાહ પરિવારનો એક માત્ર દિકરો હતો.

લોકોમાં ઘટનાને કારણે ડરનો માહોલ
સ્થાનિક લોકો મુજબ જર્જરિત મકાનને અગાઉથી જ નોટિસ પણ આપવામાં આવી છે. વાંદરાઓને કારણે જર્જરિત મકાનનો ભાગ ત્રીજા માળેથી નીચે પડ્યો હતો. ત્રીજા માળની ધાબાની દીવાલનો ભાગ એટલી તીવ્રતાથી પડ્યો કે ટુ વ્હીલરની ટાંકી સુદ્ધા સંપૂર્ણ દબાઈ ગઈ હતી. આવા જર્જરિત મકાનોના કારણે આસપાસના લોકોમાં પણ ઘટનાને કારણે ડરનો માહોલ છે. પોળ વિસ્તારમાં જર્જરિત મકાનોની આવી પરિસ્થિતિ ચિંતાજનક છે. પોળ વિસ્તારમાં આવેલા આવા જર્જરિત મકાનો અંગે સર્વે કરી મ્યુનિસિપલ કોર્પોશન દ્વારા ઉતારી લેવા જરૂરી છે.

 564 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved