જેસીબીનું આખુ નાંમ જાણશો તો કહેશો કે..હેં…
બુલડોઝર પૂછે છે–સાબ આજ કીસકા તોડના હૈ..!?
યુકેના વડાપ્રધાને બુલડોઝર પર લટકીને ફોટા પડાવ્યાં..
પોલીસ સે ડર નહીં લગતા સાબ..,બુલડોઝર સે…?!
રાજકારણીની નવી પરિભાષા-બુલડોઝર ફેરવી દઇશ..!
ભાજપરૂપી બુલડોઝરની સામે કોંગ્રેસ અને આપ..? .ખલ્લાસ…
( ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)
જોસેફ સીરીલ બેમ્ફોર્ડ. આવુ નામ સાંભળીએ તો કેટલુ સરસ લાગે. કોઇ ઇંગ્લીશમેનનું નામ લાગે. પણ જો તેનુ ટુંકુ નામ જેસીબી રાખીએ તો…?! ભારતની મુલાકાત ગુજરાતથી શરૂ કરનાર યુકેના વડાપ્રધાન બોરીસ જોનસન(અંગ્રેજી અખબારો તેમનું ટુંકુ નામ બોજો લખે છે, ગુજરાતીમાં બોજો એટલે ભાર, વજન થાય))એ હાલોલમાં એક જેસીબી મશીન બનાવનાર પ્લાન્ટની મુલાકાત લીધી અને જેસીબ એટલે કે બુલડોઝર પર સવાર થઇને તેને ચલાવવાનો પ્રાયસ પણ કર્યો. તેમણે લખ્યુ કે મિત્ર તથા કન્ઝરવેટીવ પાર્ટીના મુખ્ય દાતા લોર્ડ બેમ્ફોર્ડના હાલોલ પ્લાન્ટની મુલાકાત લીધી. જેસીબી પર લટકીને બોજોએ ફોટા પડાવ્યાં અને તરત વાઇરલ થઇ ગયા..! સોશ્યલ મિડિયામાં તરત જ તેના પર મીમ્સ અને જોક્સ પણ બની ગયા. એક યુઝરે લખ્યુ- બુલડોઝર મોડેલ હવે ઇન્ટરનેશલ બન્યુ…બીજા કોઇએ લખ્યુ- આજ જેસીબી થારા ભાઇ જોગિન્દ્ર ચલાયેગા..!

બો.જો. માટે એટલે કે બોરીસ જોનસન માટે તે એક સામાન્ય મશીન છે કે જે જમીન ખોદવાના કામમાં કે વજનદાર વસ્તુઓ હટાવવાના કામમાં લેવાય છે. પણ ભારતમાં જેસીબી-બુલડોઝરને લોકપ્રિય બનાવવા માટે યુપીના ઉપયોગી સીએમ આદિત્યાનાથનો સૌ કોઇ આભાર માની રહ્યાં છે. સીએમનું નામ જ બુલડોઝરબાબા પડી ગયું. પછી એ બુલડોઝર ફરતાં ફરતાં એમપી પહોંચ્યું અને ત્યાં તેનુ નામ બુલડોઝરમામા પડ્યું. કેમ કે સીએમ શિવરાજ ચૌહાણને પણ આદિત્યાનાથનો આઇડિયા ગમ્યો અને ઉપયોગ કર્યો એટલે તેઓ શિવમામામાંથી બન્યા બુલડોઝરમામા….! જેસીબીભાઇ ત્યાંથી ફરતાં ફરતાં દિલ્હીના જહાંગીરપુરી પહોંચ્યા. કામ શરૂ થયું પણ પછી કોર્ટનો સ્ટે આવ્યો એટલે બે સપ્તાહ સુધી જૈસે થે…!

એસ સામાન્ય મશીનના શું મીમ્સ બને કે જોક બને….? પણ ગંભીર કેસના આરોપીઓ, રમખાણોમાં પકડાયેલા દંગઇઓ અને અન્ય કિસ્સામાં જેસીબી-બુલડોઝરનો ઉપયોગ આરંભાયો તે હવે રાજકારણ અને રાજકારણીઓમાં ચર્ચાનો મુદ્દો અને એક વિષયવસ્તુ બની ગયું છે. ઘણાંને હવે બુલડોઝર જોતાં જ બુલડોઝરબાબા કે બુલડોઝરમામા યાદ આવતા હશે..! હવે તો કોઇ રાજકારણી વળી એવી પણ ધમકી આપે- બહુ બોલ બોલ ના કર..નહીંતર તારૂ પેલુ છે ને ગેરકાયદે.. ? બુલડોઝર ફેરવી દઇશ…!? ધમકીની નવી ભાષા અને પરિભાષા…! જેસીબીવાળા પણ હવે, આજ કહાં ખુદાઇ કરની હૈ…? એવુ પૂછવાને બદલે એમ પૂછતા હશે-સાબ આજ કિસકા તોડના હૈ….?!

યોગાનુયોગ જુઓ. જે બ્રિટીશરોએ ભારત તોડી નાંખ્યું…ભારતના ભાગલા પાડી દીધા..જે બ્રિટીશરોને ભારતમાંથી હાંકી કાઢવા ગાંધીજીએ જીવન ખપાવી દીધુ એ બ્રિટીશ હકૂમતવાળા દેશના એક બ્રીટીશર જોસેફ સીરીલ બેમ્ફોર્ડ (જેસીબી)ની કંપની ગાંધીના ગુજરાતમાં બુલડોઝર બનાવે છે…! અને તેનો એવો નવો ઉપયોગ શરૂ થયો છે કે ખોટુ કરનારાઓ હવે ફફડશે… પોલીસથી નહીં ડરે પણ બુલડોઝર આવી જશે….ની બીકથી ડરશે…! ગુજરાતમાં તેના ઉપયોગની શરૂઆત કરવી હોય તો સુરતમાં સરેઆમ જાહેરમાં એક તરફી પ્રેમમાં ગ્રીષ્માની ગળુ કાપીને હત્યા કરનાર અને કોર્ટ દ્વારા દોષિત જાહેર થયેલ ફેનિલની ગેરકાયદે સંપતિઓ ( જો હોય તો..) પર બુલડોઝર તો બનતા હૈ…?

જેસીબીની વાત થઇ રહી છે તો રાજકીય જેસીબીની પણ ચર્ચા કરીએ.ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ કાંઇ દૂર નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુપી સહિતના પાંચ રાજ્યોના પરિણામો બાદ ગુજરાતમાં મુલાકાતો વધારી. છેલ્લે ખાસ્સા ત્રણ દિવસ ગુજરાત માટે ફાળવ્યા અને ચૂંટણીલક્ષી વાતાવરણ બનાવ્યું છે. ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં જાહેરાતો થાય એ રીતે તેમણે યોજનાઓનું લોકાર્પણ કર્યું. દાહોદમાં રેલવે એન્જિન બનાવવાનું કામ શરૂ કરાવ્યું અને ટૂંક સમયમાં ચૂંટણીઓ આવે તો ભાજપરૂપી જેસીબી કોંગ્રેસના પંજાને અને આપ પાર્ટીના ઝાડુને કચડીને ગાંધીનગર તરફ આગળ વધી રહ્યું હશે…!

સત્તારૂપી એ જેસીબી મશીન કોણ ચલાવી રહ્યું હશે…?!દરેકને કલ્પનાના નઘોડા છૂટા મૂકવાની છૂટ…! સૌ કોઇ બંધબેસતી પાઘડી પહેરી શકે છે અને હવે તો ચૂંટણીની જાહેરસભાઓમાં આપની ટોપીઓની સાથે ભાજપની સરસ મજાની કેસરી રંગીન ટોપીઓ પણ જોવા મળશે…કોંગ્રેસની ધોળી ટોપીઓ જોવા મળશે..એટલે મેદાન ટોપીઓથી ભરી જશે..અને છેલ્લે મતદારો ત્રણેય ટોપી ઉતારીને એક બાજુ મૂકી કામધંધે વળગશે અને નવી સરકાર પોતાના પ્રજાકીય કામે…
93 , 1