February 1, 2023
February 1, 2023

નીતિન-નેહરૂ-નર્મદા-નરેશ અને અસરદાર સરદાર..!

ગુજરાતમાં પણ નેહરૂની એન્ટ્રી, વાયા વિધાનસભા

નીતિન પટેલને લાગ્યુ હશે-નેહરૂ માર્ગ- સરળ માર્ગ..

તો શું ભાજપે કોંગ્રેસીની ઉંચી પ્રતિમા બનાવી..?

નરેશ-કીસી કો નજર કો તેરા ઇન્તજાર આ જ ભી હૈ..

નેહરૂની પાછળ ભાઇબંધ ઝીણા પણ આવી શકે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂરુ થયું.સત્ર દરમ્યાન વિપક્ષના સવાલો અને સત્તાપક્ષના જવાબોની વચ્ચે પોણા ત્રણ લાખ કરોડનું બજેટ મંજૂર અને છેલ્લાં દિવસે છેલ્લા દિવસની પ્રશ્નોતરીમાં 27 વર્ષ જુની કલ્પસર યોજના મામલે થયેલા સવાલો અને અપાયેલા જવાબોમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂનું તેમને ગમતા ગુલાબની જેમ ગુલાબી ગુલાબી આગમન થઇ ગયું. ઇશારો એ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં, યુપી સહિત બીજા રાજ્યોની ચૂંટણીઓમાં ગાજેલા નેહરૂના ઉલ્લેખો હવે ગુજરાતમાં પણ જોવા મળી શકે. શરૂઆત સબસે તેજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે કરી છે…

યોજના નહોતી બની ત્યાં સુધી નર્મદા યોજનાના મામલે તમામ રાજકીય પક્ષોએ નક્કી કર્યુ હતું કે તેમાં રાજકારણ વચ્ચે ન લાવીએ. તેનુ પાલન પણ થયું. જો કે 61-61 વર્ષ છતાં યોજના હજુ પૂર્ણ થઇ નથી. મુખ્ય કેનાલ પૂર્ણ થઇ પણ બ્રાન્ચ કેનાલ-સબ બ્રાન્ચ કેનાલ, માઇનોર કેનાલ અને ખેડૂતના ખેતર સુધી નર્મદાનું પાણી ઢાળિયા દ્વારા પહોંચે એ કામગીરી બાકી છે. નર્મદા યોજનાનું પાણી છેક કચ્છ સુધી પહોંચી રહ્યું છે. 5 એપ્રિલ, 1961ના રોજ યોજનાનું શિલાન્યાસ તત્કાલીન વડાપ્રધાન નેહરૂ દ્વારા કેવડિયા-ગોરા ખાતે કરવામાં આવ્યું. એમ કહી શકાય કે 5 એપ્રિલે યોજનાને 61 વર્ષ થશે…6 એપ્રિલે દાંડીયાત્રા પૂર્ણ થશે. 6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિન પણ છે.

200 દિવસથી નીતિનભાઇ પટેલ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. તેઓ એકલા જ નહીં પણ રૂપાણી સહિતની આખી સરકાર પૂર્વ થઇ ગઇ છે. પૂર્વ મંત્રી બન્યા બાદ નિતિનભાઇ પોતાની વેદના શબ્દોમાં વ્યકત કરતા હતા. ત્યારબાદ અત્યારસુધી તેઓ મૌન હતા પણ સક્રિય રાજકારણમાં પુનરાગમન માટે તેમણે વિધાનસભામાં “નેહરૂ માર્ગ” પસંદ કર્યો હોય તેમ નેહરૂની ટીકા કરીને પાર્ટી લાઇનમાં રહેવાનો અને કેટલાક નેતાઓના ચહેરા નેહરૂની ટીકા સાંભળીને મલકાય તે માટે વિધાનસભામાં કહી દીધુ કે નેહરૂ તો નર્મદા યોજનાના વિરોધી હતા, યોજનાને અટકાવવા રોડા નાંખતા હતા વગેરે.વગેરે. નીતિનભાઇએ સરદાર પટેલને જશ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષ કોંગ્રેસે નીતિનભાઇને યાદ અપાવ્યું કે સરદારસાહેબ તો કોંગ્રેસી હતા..કોંગ્રેસના અધ્યક્ષ તરીકે વર્ષો રહ્યાં…

સરદારસાહેબ કોંગ્રેસી હતા તો ભાજપે શું કોંગ્રેસના નેતાની સૌથી ઉંચી પ્રતિમા બનાવી…?! શું ગામે ગામથી કેવડિયા ખાતે લોકો કોંગ્રેસી નેતાની પ્રતિમા જોવા આવી રહ્યાં છે..? દયા, કુછ તો ગરબડ હૈ…?! ગરબડ હોય કે ના હોય પણ સરદારસાહેબ કોંગ્રેસી હતા તે સત્ય છે. ભાજપે તેમને પોતાના માનીને માન-પાન આપ્યાં…પ્રતિમા બનાવી તેવુ માન-પાન 1960થી 1995 સુધી કોંગ્રેસીઓએ ના આપ્યું તે પૂર્ણ સત્ય છે…

અસરદાર સરદાર પટેલ કોના છે અને કોના નથી… નેહરૂએ રોડા નાંખ્યા..ન નાંખ્યા પણ એટલુ તો નક્કી થઇ ગયુ કે ચૂંટણીઓમાં નેહરૂ…નેહરૂ…ની ગૂંજ સંભળાય તો નવાઇ નહીં… અને પાછળ પાછળ મોહમ્મદઅલી. ઝીણા પણ ભાઇબંધ તરીકે આવે તો કહેવાય નહીં…! કોંગ્રેસના આઇટી સેલ દ્વારા નેહરૂએ ગુજરાત માટે શું ભલુ કર્યું…તેવી વિગતો એકત્ર કરાતી હશે અને આરોપનો જવાબ આપવા માટે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીને અપાશે..

પણ હાલમાં તો પંજાવાળા ખોડલધામવાળા લેઉવા પાટીદાર “નરેશ” પટેલને સત્કારવા…આવકારવા…ઓવારણાં લેવા અને એક તુ હી તારણહાર…એક તેરા હી સહારા…..માનીને મોર બની થનગનાટ કરે મન મોર બની…ના મૂડમાં છે અને ક્યારે નરેશ પટેલ આવે અને ગાંધીનગર પહોંચીએ..તેની ગણતરી કરતા હશે. અને ગણતરી કરવામાં શું જાય છે..? ગણતરી તો 125 બેઠકોની છે. ના, ભાજપની નહીં પણ કોંગ્રેસની છે…! ભાજપની ગણતરી તો 150 બેઠકોની છે…એટલે કુલ 182માંથી 125 કોંગ્રેસને અને 150 ભાજપને તો તીસરા તેલી…સમાન આપ પાર્ટીને કેટલી..? ઇવીએમ બોલશે..ઇવીએમ કહેશે…એવરી વોટ….?

વિધાનસભાનું હાલમાં પુરૂ થયેલુ બજેટ સત્ર એ છેલ્લુ સત્ર. જો ચૂંટણીઓ મે-જૂનમાં નહીં આવે તો ચોમાસુ સત્ર મળશે અને પછી સીધા ચૂંટણી જંગના મેદાનમાં…! વર્તમાન 182માંથી ફરી કેટલા ચૂંટાઇને આવશે, કેટલા “નો રીપીટ” થીયરીમાં પૂર્વ ધારાસભ્ય બની જશે…કેટલા પહેલીવાર જીતશે, કેટલાની છેલ્લી ચૂંટણી હશે.. એ બધુ ઉમેદવારોની પસંદગી અને પરિણામ કહેશે.

પણ હાલમાં તો ત્રણેય પાર્ટીઓની નજર લેઉવા નરેશ પર છે. નરેશ પટેલ ઠેકાણે પડે એટલે પછી તેના આધારે ચૂંટણી રણનીતિ અને મુદ્દા નક્કી થઇ શકે. હાલમાં તો નરેશ પટેલને લઇને જગદીશ ઠાકોર-સીઆર પાટીલ અને ઇશુદાન ગઢવીના મનમાં એક જ ગીત ગુનગુના રહા હોગા-કીસી નજર કો તેરા ઇન્તજાર આજ ભી હૈ….દેર ન હો જાયે કહીં દેર ન હો જાયે…આ જા રે..

 90 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved