October 6, 2022
October 6, 2022

ડીગ્રી પ્રમાણપત્ર જ નહીં, ભવિષ્યના ઉજ્જવળ ભારતની અપેક્ષા-આકાંક્ષાનું ઉમ્મીદપત્ર : CM

ગુજરાત યુનિવર્સિટીનો 70મો પદવીદાન સમારોહ સંપન્ન

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત યુનિવર્સિટીના ૭૦માં દિક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે દેશને કર્તવ્યપરાયણ યુવાશક્તિની જરૂર છે. સત્યના માર્ગે, પોતાના કર્તવ્ય-ધર્મનું પાલન કરી, પદવીધારક યુવાનો નવા વિચાર, નવા સંકલ્પ અને નૂતન ઇનોવેશન સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પ્રવૃત્ત થાય તેવો આગ્રહ પણ રાજ્યપાલશ્રીએ કર્યો હતો.

રાજ્યપાલએ યુવા વિદ્યાર્થીઓને ભાવિ પેઢી માટે આદર્શ બનવાની પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, દીક્ષાંત બાદ વિદ્યાર્થીએ રાષ્ટ્રની ઉન્નતિ માટે સંકલ્પબદ્ધ થઈ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે તેમજ સમાજ અને રાષ્ટ્રના ગૌરવને વધારવા પ્રવૃત્ત થાય. ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણની સમસ્યા, નશાખોરી જેવાં પડકારોને નાથવા યુવાશક્તિ આગળ આવે. રાજ્યપાલએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોને નાથવા પ્રાકૃતિક કૃષિને સમયની માંગ ગણાવી યુવાનોને આ ક્ષેત્રે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

યુવાશક્તિના સામર્થ્યથી જ સશક્ત અને સમર્થ રાષ્ટ્રનું નિર્માણ થાય છે તેવું ભારપૂર્વક જણાવતા રાજ્યપાલશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે હર ક્ષેત્રમાં રાષ્ટ્રના ગૌરવને સ્થાપિત કરવા આહવાન કર્યું છે, ત્યારે દીક્ષાંત સમારોહ આ દિશામાં નવી પ્રેરણા પૂરી પાડશે. રાજ્યપાલએ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ને ભારતના ગરીમા-ગૌરવને ઉન્નત શિખરે લઈ જવાના ચિંતનરૂપ ગણાવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિ પરંપરાગત રસ્તે ચાલીને સફળતા માટે પુરુષાર્થ કરે છે જ્યારે મહાન વ્યક્તિ પોતાનો માર્ગ જાતે કંડારે છે એટલું જ નહીં, અન્યને તે માર્ગે ચાલવા પ્રેરિત કરે છે. તેમણે વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક બનવા અનુરોધ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદવી મેળવનારા યુવા વિદ્યાર્થીઓને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે તેમને સમાજજીવનમાં પદાર્પણની જે તક મળી છે, તેને ઉન્નત ભારતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાનો અવસર ગણાવ્યો હતો.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ૨૧મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. આ સદી ભારતની સદી છે માટે યુવાશક્તિએ પોતાનાં શોધ-સંશોધન, સ્ટાર્ટઅપ્સ, ઈનોવેશન વગેરેથી શક્તિશાળી અને જગદગુરુ ભારત બનાવવાની અગ્રેસરતા લેવાની છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક જ્ઞાનના પ્રવાહો પારખીને ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન વિવિધ સેક્ટરલ યુનિવર્સિટીની સ્થાપનાથી રાજ્યના યુવાધનને ગ્લોબલ એજ્યુકેશનની તક આપી છે. પદવી મેળવી રહેલા યુવા છાત્રોને રાષ્ટ્રહિત સર્વોપરિનો ભાવ દર્શાવી રાષ્ટ્રના વિકાસમાં તથા જરૂરતમંદ વ્યક્તિઓના કલ્યાણમાં યોગદાન આપી સામાજિક દાયિત્વ નિભાવવા અનુરોધ કર્યો હતો.

 60 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved