જુઓ, પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારની મંત્રીઓની લિસ્ટ
પંજાબમાં આમ આદમી પાર્ટીએ શુક્રવારે મંત્રીમંડળની જાહેરાત કરી હતી. આ સભ્યોએ આજે કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. મંત્રીમંડળમાં માત્ર 10 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ બીજી વખત ધારાસભ્ય બનેલા માત્ર બે લોકોને જ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે.
મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટર પર નવા મંત્રીમંડળની જાહેરાત કરી. જેમાં હરપાલ ચીમા (દિરબ), ડો.બલજીત કૌર (મલૌત), હરભજન સિંહ ઈટીઓ (જંડિયાલા), ડો. વિજય સિંગલા (મનસા), લાલ ચંદ કટારુચક (ભોઆ), ગુરમીત સિંહ મીત હેયર (બરનાલા), કુલદીપ સિંગ ધાલીવાલ (અજનાલા), લાલજીત સિંહ ભુલ્લર (પટ્ટી), બ્રહ્મ શંકર (હોશિયારપુર) અને હરજોત સિંહ બૈંસ (આનંદરપુર સાહિબ) સામેલ છે.
મંત્રીમંડળમાં પસંદ કરવામાં આવેલા બે લોકો માત્ર બીજી વખત ચૂંટાયા છે, જ્યારે પ્રથમ વખત ચૂંટાયેલા આઠ નેતાને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. આશ્ચર્યની વાત એ છે કે ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારા અમન અરોડાને સ્થાન મળ્યું નથી. પાર્ટી સૂત્રોના કહેવા મુજબ, મુખ્યમંત્રી ભગવંત માન અને પાર્ટીના ટોચના નેતાઓ વચ્ચે અનેક ચર્ચા બાદ કેબિનેટને અંતિમ સ્વરૂપ અપાયું છે.
માનની કેબિનેટમાં ત્રણ વકીલો, બે ડોક્ટરો અને એક ખેડૂતનો સમાવેશ થાય છે. સાથે જ એક એન્જિનિયર, બિઝનેસમેન અને સામાજિક કાર્યકરને પણ સ્થાન મળ્યું છે. કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી ડો. બલજીત કૌર આંખના સર્જન છે. ચૂંટણી પહેલા તે સરકારી નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગઈ હતી. કૌરના પિતા પ્રોફેસર સાધુ સિંહ 2014માં ફરીદકોટથી AAP સાંસદ હતા.
86 , 1