જીવરાજપાર્ક વિસ્તારમાં ટ્રાફિક જામ માટે રહો તૈયાર
અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા સતત વકરી રહી છે. સરકાર ટ્રાફિકના નિવારણ માટે નવા નવા બ્રિજ પ્રોજેક્ટ હાથ ઘરે છે. શહેરમાં વર્ષો જૂના હયાત બ્રિજ ખખડધજ બન્યા હોવાથી તેને રિપેર કરીને વાહનચાલકો માટે સુગમ બનાવવાની દિશામાં પણ તંત્ર પ્રયત્નશીલ છે. જે હેઠળ સત્તાધીશોએ હવે પશ્ચિમ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારને શ્યામલ ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા સાથે જોડનારા રેલવે ઓવરબ્રિજનાં રિપેરિંગ માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
80 લાખના ખર્ચે જીવરાજ પાર્ક બ્રિજનું રિપેરિંગ
મ્યુનિ. તંત્ર દ્વારા 80 લાખના ખર્ચે જીવરાજ પાર્ક બ્રિજના રિપેરિંગનું આયોજન કરવામાં આવનાર છે. આ બ્રિજ શ્યામાપ્રસાદ મુખરજી બ્રિજ તરીકે પણ ઓળખાય છે, જેનું નિર્માણ 1995માં ઔડાએ કર્યું હતું. હવે સમયાંતરે તે આશરે 27 વર્ષ જૂનો થયો હોવાથી રિપેરિંગ માગે તેવી હાલતમાં મુકાઈ ગયો છે.જીવરાજ પાર્ક બ્રિજ ઉપરની રોડ સાઇડ વાહનચાલકો માટે જોખમી બની છે. બ્રિજના રોડ પરના એક્સ્પાન્શન જોઇન્ટથી વાહનચાલકોને અકસ્માત થઈ રહ્યા છે. તેમાંય વિશેષ કરીને રાતના સમયે એક્સ્પાન્શન જોઇન્ટની તિરાડો ટુ-વ્હીલરચાલકો માટે ઘાતક બની રહી છે, જેના કારણે તંત્રને તેનાં રિપેરિંગની જરૂર ઊભી થઈ છે.
અઢી-ત્રણ મહિના સુધી રિપેરિંગ કામ ચાલી શકે
પહેલાં સત્તાધીશો જીવરાજ પાર્કથી શ્યામલ ચાર રસ્તા તરફ ચડતી લેનનું રિપેરિંગ હાથ ધરશે. આ રિપેરિંગ એક મહિનો ચાલશે. ત્યાર બાદ શ્યામલ ચાર રસ્તાથી જીવરાજ પાર્ક તરફ ઊતરતી બીજી લેનનું રિપેરિંગ હાથ ધરાશે. આ બંને લેનનાં રિપેરિંગ પાછળ બે મહિનાનો સમય લાગશે તેવો તંત્રનો દાવો છે. પરંતુ અન્ય રિવરબ્રિજના રિપેરિંગમાં થયેલા વિલંબને જોતાં બેને બદલે અઢી-ત્રણ મહિના સુધી રિપેરિંગ કામ ચાલી શકે છે. જીવરાજ પાર્ક બ્રિજના રિપેરિંગ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી 80 લાખ રુપિયા ખર્ચાશે.
બીજી લેન પરથી અપ-ડાઉનનો ટ્રાફિક ચાલુ રાખશે
જોકે આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થઈ રહ્યાં છે તેમજ પશ્ચિમ અમદાવાદના વાસણા, જીવરાજ પાર્ક, વેજલપુર જેવા વિસ્તારોને જોધપુર, બોડકદેવ સાથે જોડવા માટેનો મહત્ત્વનો બ્રિજ હોઈ સત્તાધીશો એક લેનને રિપેર માટે બંધ રાખીને બીજી લેન પરથી અપ-ડાઉનનો ટ્રાફિક ચાલુ રાખશે. એટલે બે મહિના ટ્રાફિક જામ રહેશે. જીવરાજ પાર્ક બ્રિજ જુલાઈની આસપાસ વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનશે.તંત્રનાં આયોજન મુજબ બંને તરફની લેનમાં કુલ 44 જોઇન્ટને તંત્ર રિપેર કરવા જઈ રહ્યું છે.
15 ઓગસ્ટની આસપાસ લોકોપયોગી બનશે
જીવરાજ પાર્ક બ્રિજની લંબાઈ 780 મીટરની છે. તેમજ 7.5 મીટરની બંને લેન, 500 સેન્ટિમીટરની સેન્ટ્રલ વર્જ અને બંને તરફ એક-એક મીટરની ફૂટપાથ મળીને તેની કુલ 18 મીટરની પહોળાઈ છે.અત્યારે તો મ્યુનિ. સત્તાધીશોએ વર્ષોથી વિલંબમાં ચાલી રહેલા ખોખરા રેલવે ઓવરબ્રિજના રી-કન્સ્ટ્રક્શન પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ બ્રિજ 15 ઓગસ્ટની આસપાસ લોકોપયોગી બને તેવી શક્યતા છે. ત્યાર બાદ શહેરના અન્ય રેલવે ઓવરબ્રિજના રિપેરિંગની દિશામાં તંત્ર ચક્રો ગતિમાન કરશે.
152 , 1