October 6, 2022
October 6, 2022

અમદાવાદ : પ્રતિ ચોરસ વાર અઢી લાખના ભાવે વેચાયો બોડકદેવનો પ્લોટ, તેજી

બોડકદેવમાં 250 કરોડમાં પાર પડ્યો સોદો, બનશે 32 માળની ઇમારત

અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ફરીથી તેજી આવી રહી હોય તેમ જમીનના ભાવ ઉંચકાઇ રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોડકદેવ ખાતે 10 હજાર ચોરસ વારનો એક પ્લોટ અધધ..250 કરોડમાં વહેંચાયો છે. એમ કહેવાય કે, પ્રતિ ચોરસવાર અઢી લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે આ સૌથી મોટો સોદો હોવાનું મનાય છે. આ પ્લોટ પર ખરીદનાર બિલ્ડર દ્વારા 32 માળની બિલ્ડીંગો બનાવવાનું આયોજન છે.

કોરોના કાળ પછી રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફરી બૂમ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ક્રેડાઈ અને ગિહેડના અહેવાલ મુજબ અમદાવાદમાં નવા ઘરની ઇન્ક્વાયરી અને ખરીદીમાં જબરજસ્ત ઉછાળ આવ્યો હતો. જોકે તેની પાછળનું એક કારણ એ પણ છે કે બિલ્ડર્સ અને ડેવલોપર્સની સંસ્થા ક્રેડાઈ દ્વારા 2 એપ્રિલથી પ્રોપર્ટીના ભાવમાં દર ચોરસ ફૂટે 300થી 500 રુપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક પ્લોટ રુ. 250 કરોડમાં વેચાયાના અહેવાલ સાંપડી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વર્ષમાં જમીનનો આ સૌથી મોંઘો સોદો છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રના સુત્રો મુજબ બોડકદેવમાં એક 10,000 સ્ક્વેર યાર્ડના પ્લોટનું તાજેતરમાં વેચાણ થયું છે. જેને સોદો રૂ. 250 કરોડ અથવા રૂ. 2.5 લાખ પ્રતિ ચોરસ યાર્ડમાં કરવામાં આવ્યો હતો. આ પ્લોટ માધવ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વર્ષે અમદાવાદમાં જમીનનો આ સૌથી મોટો સોદો છે.

બીજી તરફ માધવ ગ્રૂપના મુખ્ય પ્રમોટર અમિત પટેલે આ પ્લોટ ખરીદ્યાનું સ્વિકારતા જણાવ્યું હતું કે, ”અમે તાજેતરમાં આ પ્લોટ ખરીદ્યો છે અને તેના પર રહેણાંક પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી છે. અમે લગભગ 260 એપાર્ટમેન્ટ્સ સાથે 30-32 માળની રહેણાંક ઇમારત બનાવીશું. જો કે પટેલે આ પ્લોટનો સોદો કેટલા રુપિયામાં થયો હોવાનું જાહેર કર્યું ન હતું. હા તેમણે એટલું જરુર જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 350 કરોડ રૂપિયા જેટલો થશે.

રિયલ એસ્ટેટ ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે શહેરમાં લાંબા સમય બાદ આટલો મોટો જમીનનો સોદો નોંધાયો છે અને તેના કારણે માર્કેટમાં ફરી તેજીની બૂમ જોવા મળશે તેવું કેટલાક જાણકારો માની રહ્યા છે. બજારના સૂત્રો કહે છે કે જે પ્લોટની આ ડીલ થઈ છે તે બોડકદેવામાં 36-મીટર રોડની બાજુમાં આવેલો છે અને તેમાં 4ની માન્ય FSI છે.

અમદાવાદ સ્થિત રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, ”પ્લોટિંગ સ્કીમ્સની માંગ વધુ હોવા છતાં, દિવાળી પછી અમદાવાદમાં જમીનના કોઈ મોટા સોદા થયા નથી. પરંતુ આવો એક મોટો સોદો ડેવલોપર્સમાં મુખ્ય રોડની નજીક નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે વધી રહેલી રુચિને પ્રતિબિંબિત કરે છે, જ્યાં સામાન્ય રીતે ઉચ્ચ FSI મળે છે.”

આ ઉપરાંત તેમણે આગળ ઉમેર્યું કે ”વધુમાં, અમદાવાદમાં હાઈ-એન્ડ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીની માંગ વધી છે, ખાસ કરીને મહામારી પછી, લોકો પોતાના ઘરને અપગ્રેડ કરીને મોટા કરવા માગે છે જેના કારણે આગામી દિવસોમાં, આપણે ઘણા રિડેવલોપમેન્ટ્સ પ્રોજેક્ટ્સ પણ અમલમાં મૂકાતા જોઈ શકીએ છીએ. અમદાવાદમાં ઉપલબ્ધ જમીનની અછતને કારણે ડેવલપર્સ જૂની રેસિડેન્શિયલ સોસાયટીઓ સાથે બાય-આઉટ સોદા સીલ કરી શકે છે.” તેમ કન્સલ્ટન્ટે ઉમેર્યું હતું.

 98 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved