February 1, 2023
February 1, 2023

પંજાબ ઉડતા તો ઉડશે પણ જો સળગશે તો….? રોકી લો..

પવિત્ર સ્થાનને અપવિત્ર કરનારાઓ કોણ છે..?

મોબ લિન્ચીંગની બે ઘટના ઉપરા-ઉપરી..

બહાદૂર કોમ શીખ સમુદાયને ઉશ્કેરવાનું કાવતરૂ..?

પંજાબમાં માંડ માંડ શાંતિ સ્થપાઇ છે ત્યાં વળી..

સંભલ કે રહના અપને ઘર મેં ઘૂસે હુયે ગદ્દારો સે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ગુજરાતના જખૌ પાસે દરિયામાં કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા અંદાજે 400 કરોડનો હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો પાકિસ્તાન કરાંચીથી વાયા ગુજરાત થઇને પંજાબ મોકલવાનો હોવાનું તપાસ એજન્સીઓએ જાહેર કર્યુ છે. પંજાબમં નશીલા પદાર્થોનુ સેવન એટલુ બધુ છે કે તેના પરથી બોલીવુડમાં શાહિદકપૂર અને કરીનાકપૂર અને આલિયા ભટ્ટને લઇને ઉડતા પંજાબ નામની ફિલ્મ પણ બની છે. એક રીતે તે પંજાબની છાપને બગાડે છે. કેમ કે પાંચ નદીઓના પાણીથી ભરપૂર પંજાબ ખેતીવાડી માટે ભારતમાં નંબર વન છે. આખા ભારતને અનાજનો જથ્થો એકલુ પંજાબ પુરૂ પાડે છે.

ભારતની સુરક્ષા માટે સૈન્યદળમાં પણ પંજાબ અને શીખ યુવાનોનો ભારે દબદબો છે અને એક આખી શીખ રેજીમેન્ટની રચના શરૂઆતથી જ કરવામાં આવી છે. બલિદાન આપવામાં પંજાબ અને શીખ જવાનો પાછીપાની કરતા નથી.પંજાબમાં એવા અનેક ગામડાઓ મળી આવશે કે જ્યાં એક એક ઘરમાંથી એક જણ તો સેનામાં ભરતી હશે જ. દેશ માટે સેનામાં સેવા આપવી એ જાણે કે દેશદાઝ, પરંપરા અને વારસો બની ગયો છે..

શીખ ધર્મની સ્થાપના મુસ્લિમ આક્રમણખોરોથી હિન્દુ ધર્મની રક્ષા માટે અને તલવારનો જવાબ તલવારથી આપવા માટે થઇ હતી. શીખ ધર્મ પોતાના લાખો કરોડો અનુયાયીઓને એક સૂત્રમાં પિરોવી રાખવાની અનોખી વ્યવસ્થા ધરાવે છે. દિવસમાં એક વાર નજીકના ગુરૂદ્વારામાં દર્શન અને વર્ષમાં એક વાર ગોલ્ડન ટેમ્પલ અને અકાલ તખ્તની મુલાકાતનું કડક પાલન થાય છે. શીખ સમુદાયની લંગર ભોજન વ્યવસ્થા જગ આખામાં વખણાય છે. કેશ-કંગી-કિરપાણ-કડા અને કચ્છા એ તેમના પાંચ ફરજિયાત પાલન માટેના નિયમો છે.

પાકિસ્તાન જેને ભારતથી અલગ કરીને પોતાના ટુકડા કરી બાંગ્લાદેશની રચનાનો બદલો લેવા ખાલિસ્તાન રચવા માંગે છે એ સરહદી રાજ્ય પંજાબમાં નશીલા પદાર્થોનો જથ્થો ભારત સાથેની સીમાએથી પણ ઘૂસાડે છે. એવા પંજાબમાં હાલમાં મોબ લીન્ચીંગની બે ઘટનાઓએ દેશ આખાનું ધ્યાન ખેંચ્યુ છે. ગોલ્ડન ટેમ્પલ અને કપૂરથલાના ગુરૂદ્વારામાં પ્રવેશીને તેમના પવિત્ર સ્થાનોને અપવિત્ર કરવનો પ્રયાસ થયો. પવિત્ર સ્થાનને અપવિત્ર-બેઅદબ- કરવા બદલ બે અલગ અલગ ઘટનાઓમા બે લોકોની શીખ ટોળાઓએ મોબ લીન્ચીંગ એટલે પીટ પીટ કર હત્યા કરી નાંખી. એક મામલામાં તો પોલીસની હાજરીમાં જ મોબ લિન્ચીંગ થયું. આખો મામલો અતિ ગંભીર છે. કોઇપણ ધર્મ પોતાનું અપમાન સાંખી ન લે. અને જે કોમમાં પોતાની જાત કરતાં પવિત્ર સ્થાનની રક્ષાની સૌથી વધારે ચિંતા હોય અને કાળજી લેવાતી હોય એ ધર્મના લોકો પોતાના પવિત્ર સ્થાનને કોઇ અપવિત્ર કરે તો સહન ન જ કરે તે સ્વાભાવિક છે.

સુરક્ષા એજન્સીઓ અને સામાન્ય લોકોના મનમાં તથા શક્ય છે કે શીખ સમુદાયમાં પણ એ સવાલ ચર્ચાતો હશે કે આવુ કેમ બન્યુ..ઉપરાઉપરી કેમ બન્યુ અને જેઓ પવિત્ર સ્થાનને અપવિત્ર કરવા આવ્યાં એ યુવાનો કે વ્યક્તિઓ કઇ રીતે પવિત્ર સ્થાન સુધી પહોંચી શક્યા અને એમ કરવાથી તેનું શુ પરિણામ આવશે તે જાણવા છતાં આવુ અપકૃત્ય કરવા માટે કેમ આવ્યાં તે આખો મામલો તપાસની સાથે સાથે નવાઇ પમાડે તેમ, તેમની ઓળખ જાહેર થઇ નથી. કદાજ એક કારણ એ હોઇ શકે કે જો ઓળખ જાહેર થાય તો તેના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે અને માહોલ ખરાબ થઇ જાય…

ઉપયોગી યોગીના યુપીની સાથે પંજાબ વિધાનસભાની પણ ચૂંટણીઓ નજીકમાં છે. માહોલ ખરાબ કરવા માટે કોઇએ ધાર્મિક લાગણીઓ ભડકાવવા સાજિશ કરી હોવાની આશંકા પંજાબના સીએમ ચરણજિતસિંહ ચન્નીએ વ્યકત કરી છે. બની શકે કે પાકિસ્તાન કે પછી કોઇ રાષ્ટ્રવિરોધી કટ્ટર પરિબળો ધાર્મિક રીતે ભારે ઝનૂન ધરાવનાર બહાદૂર શીખ કોમને તેમના પવિત્ર સ્થાનને અપવિત્ર કરીને ભડકાવીને અંદરોઅંદર લડાવી મારવા માંગતા હોય.

આજની નવી પેઢીને કદાજ ખબર નહીં હોય કે 1980ના દાયકામાં પંજાબમાં “શીખ આતંકવાદી” એવો શબ્દ વપરાતો હતો. ખાલિસ્તાની તરફીઓએ પંજાબમાં માત્ર શીખો જ રહે તે માટે અન્યો કોમના લોકોને કાશ્મિરી પંડિતોની જેમ નિશાન બનાવતા હતા. અન્ય કોમના લોકો પંજાબ હરવા ફરવા જતાં ડરે એવો માહોલ કટ્ટર પરિબળોએ બનાવ્યો હતો. પરંતુ પોલીસ અધિકારી કેપીએસ ગીલને છૂટોદોર અપાતા તેમણે પોતાની સામેના આરોપો છતાં એવા અને એટલા એન્કાઉન્ટરો કર્યા કે પંજાબ શીખ આતંકવાદથી મુકત બન્યુ અને પંજાબમાં કાયમી શાંતિ સ્થપાઇ હતી. એ શાંતિને ડહોળવા માટે ચૂંટણીઓ પહેલા વાતાવરણને ખરાબ કરવાનો કોઇ પ્રયાસ હોઇ શકે..પંજાબની આજે સ્થિતિ એ છે કો રાજકિય હુંસાતુસીમાં એ રાજ્યમાં કાયમી ડીજીપીની નિમણૂક થઇ શકતી નથી. કોંગ્રેસ પ્રમુખ નવજોત સિધ્ધુ પોતાની પસંદગીનાને ડીજીપી મૂકવા માંગે તો સીએમ ચન્ની પોતાની પસંદગીના….એમા વળી અપવિત્ર ઘટનાને લઇને નવજોતે એવુ નિવેદન કર્યુ કે બેઅદબી કરનારાઓને જાહેરમાં ફાંસી આપવી જોઇએ..

નવજોત સીએમ બનવા માંગે છે અને પંજાબમાં પોતાની જ પક્ષની સરકાર સામે ભડકાવનારા નિવેદનો કરી કરીને કોંગ્રેસના વોટ ઓછા કરી રહ્યા હોવાનું પણ મનાય છે. નવજોત-અમરિન્દર-ભાજપ-આપ-શિરોમણી અકાલી દળ- સૌ ભેગા થઇને પંજાબને કોંગ્રેસ મુક્ત બનાવે તો નવાઇ નહીં. કોની સરકાર બનશે એ તો પંજાબના અંદાજે સાડા ત્રણ કરોડની વસ્તીમાં અંદાજે બે કરોડ મતદારો નક્કી કરશે. પંજાબ વિધાનસભાની કુલ બેઠકો 117 છે અને જીતવા માટે 59 બેઠકો અનિવાર્ય છે. પણ ટોળા દ્વારા હત્યા કરવાના ઉપરાઉપરી બે મામલાના પગલે અનેક સવાલોના જવાબો અનુત્તર છે..

પવિત્ર સ્થાનને અપવિત્ર કરનાર વ્યક્તિ કે વ્યક્તિઓની ઓળખ જાહેર થઇ નથી..ટોળાએ જ તેને કે તેમને ઘટના સ્થળે જ પૂરો કરી નાંખ્યો તો તેણે કરેલા અપકૃત્ય પાછળની જાણકારી કઇ રીતે મળે..તેને જીવતો રાખી શકાયો હોત તો… શક્ય છે કે ટોળાઓ તેની હત્યા પહેલા તેની પાસેથી જાણકારી મેળવી હોય તો એ જાણકારી સરકાર કે પોલીસને આપવામાં આવી છે કે કેમ..
પોલીસની હાજરીમાં ટોળુ કાયદો હાથમાં લે છે.. અને લિન્ચીંગ કરી નાંખે છે..પોલીસ પોતાના બળનો ઉપયોગ કરીને તેને જીવતો છોડાવી શકી હોત..?

એક જ ધર્મના ધાર્મિક પવિત્ર સ્થાનોને અપવિત્ર કરવાના ઉપરાઉપરી બનાવોથી ફલિત થાય છે કે કોઇ જાણી જોઇને ઇરાદાપૂર્વક આવુ કરાવતા હોઇ શકે..કોણ છે એ દેશવિરોધીઓ..
મોબ લિન્ચીંગની ઘટનાને વખોડવામાં રાજકિય પક્ષો મોડુ કેમ કરે છે અને કેમ વખોડી કાઢતા નથી..

પંજાબ ઉડતા તો ઉડશે પણ જો સળગશે તો….? દેશના એક સમૃધ્ધ અને શક્તિશાળી રાજ્યને આવા અપવિત્ર અપકૃત્યોથી ભડકાવીને અશાંત કરવા પાછળના કારણો અને તારણો ખતરનાક હોઇ શકે. પંજાબને 1980ના દાયકામાં પાછળ ધકેલવાની સાજિશ..ષડયંત્ર…સુનિયોજિત કાવતરૂ..રોકવા સૌએ ગમા અણગમા પંજાબની કાતિલ ઠંડીમાં ગરમ બંડીના એક ખિસ્સામાં નાંખી મોબ લિન્ચીંગ રોકના હોગા..કેમ કે હવે કોઇ કેપીએસ ગીલ ફરી પેદા નહીં થાય..આજના પંજાબની શાંતિ-સબૂરી-સમૃધ્ધિ એને જ આભારી છે..

 106 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved