October 1, 2022
October 1, 2022

RJD નેતાએ નીતીશ કુમારને આપી આશ્રમ ખોલવા સલાહ

કુશવાહાનો જોરદાર પલટવાર

બિહારમાં થોડા સમય પહેલા જોવા મળેલા રાજકીય ખેલ બાદ નીતીશ કુમાર હજુ પણ વારંવાર વડાપ્રધાન પદની દાવેદારીનો ઈનકાર કરી રહ્યા છે. સાથે જ તેઓ તેજસ્વી યાદવ જેવા યુવાનોને આગળ વધારવા માટે વકીલાત કરી રહ્યા હોવાનું જણાય છે. આ બધા વચ્ચે રાષ્ટ્રીય જનતા દળના નેતા શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે, નીતીશ કુમારે 2025માં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને જ મુખ્યમંત્રી બનાવીને પોતે આશ્રમ ખોલી લેવો જોઈએ. 

આ મામલે જેડીયુ નેતા ઉપેન્દ્ર કુશવાહાએ પલટવાર કરતા જણાવ્યું હતું કે, જનતા નીતીશ કુમારને સત્તાના શિખર પર જોવા ઈચ્છે છે અને તેઓ કોઈ આશ્રમ નથી ખોલી રહ્યા. આ સાથે જ તેમણે તિવારીને પોતાને જરૂર હોય તો તેઓ કોઈ આશ્રમ શોધી લે તેવી સલાહ પણ આપી હતી. 

સામાન્ય જન-જીવનમાં આશ્રમ ખોલવાનો મતલબ સંન્યાસ લેવા સાથે લગાવાય છે અને નીતીશ કુમાર મામલે આ પ્રકારનું નિવેદન શિવાનંદ તિવારીને રાજકીય રીતે નુકસાનકારી સાબિત થઈ શકે છે. 

આરજેડીના પ્રદેશ સંમેલનમાં પાર્ટી અધ્યક્ષ લાલુ યાદવની ઉપસ્થિતિમાં શિવાનંદ તિવારીએ નીતીશ કુમાર માટે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જોકે સ્પષ્ટ છે કે, તિવારીના આ નિવેદનને લાલુ કે તેજસ્વી યાદવ સપોર્ટ નહીં કરે કારણ કે, 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષને એકજૂથ કરવા માટે નીતીશ કુમાર ખૂબ જ સક્રિય છે અને તેઓ દેશભરના વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે. નીતીશ કુમાર યુપીના ફૂલપુર કે મિર્ઝાપુર ખાતેથી લોકસભાની ચૂંટણી લડે તેવી અટકળો જોરમાં છે. 

જેડીયુ સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ શિવાનંદ તિવારીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘બાબા, નીતીશ કુમારજી હાલ આશ્રમ નથી ખોલવાના. કરોડો દેશવાસીઓની દુઆઓ તેમના સાથે છે અને તેઓ ઈચ્છે છે કે, નીતીશજી સત્તાના ઉચ્ચતમ શિખર પર રહીને બિહારવાસીઓ ઉપરાંત દેશવાસીઓની સેવા કરે. મને લાગે છે કે, જો તમને જરૂર હોય તો અન્ય કોઈ આશ્રમ શોધી લો.’

 26 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved